Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

રોણકીની કરોડોની જમીનના બોગસ કુલમુખત્યારનામા અને બોગસ દસ્તાવેજમાં પૈસાની લાલચે સાક્ષી બનેલા રામજી મકવાણાની ધરપકડ

અગાઉ મુખ્ય કૌભાંડકાર જયરાજસિંહ રાણા અને નામચીન રમેશ રાણા સહિત ૫ની ધરપકડ થઈ હતીઃ જામનગરના તમાચણ ગામનો ઝડપાયેલો ખેતમજુર રામજી મકવાણાને એક ફદીયુય મળ્યુ નથી !

રાજકોટ, તા. ૨ :. રાજકોટની ભાગોળે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલી રોણકી સર્વે નંબરની અતિ કિંમતી ગણાતી જમીનના માલિક રમેશભાઈ બાબુભાઈ પરસાણાની જાણ બહાર આ જમીનના બોગસ કુલમુખત્યારનામા અને બોગસ દસ્તાવેજ ઉભા કરી થયેલા કૌભાંડ અંગે નોંધાયેલા ગુન્હામાં આજે જામનગરના તમાચણ ગામના રહેવાસી રામજી ગોવિંદ મકવાણાની પીઆઈ વી.કે. ગઢવી અને રાઈટર વિરેન્દ્રસિંહ જાડેજાએ ધરપકડ કરી છે. આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર જયરાજસિંહ મહિપતસિંહ રાણા સહિત ૫ની ધરપકડ પોલીસ કરી ચૂકી છે.

આજે ઝડપાયેલા રામજી ગોવિંદ મકવાણાએ જમીન કૌભાંડમાં શું ભાગ ભજવ્યો છે ? તે બારામાં પૂછતા તપાસનીસ પોલીસે જણાવેલ કે ખેતમજુરી કરી પેટીયુ રળતો આ શખ્સ કૌભાંડ વિશે કશું જાણતો ન હતો ! ૧૫-૨-૨૦૨૦ના ફરીયાદી રમેશભાઈ પરસાણાએ ફરીયાદ નોંધાવી અને છાપામાં કૌભાંડ વિશે માહિતી જાહેર થઈ ત્યાર બાદ જ અન્ય કૌભાંડકારોએ પોતાને ખોટી રીતે સંડોવી દીધાની જાણ થઈ. ઝડપાયેલા રામજી ગોવિંદ મકવાણાએ બોગસ કુલમુખત્યારનામા અને બોગસ દસ્તાવેજોમાં સાક્ષી તરીકે સહીઓ કંઈ પણ જાણ્યા વગર કરી આપી હતી ! પાછળથી કૌભાંડમાં નામ ઉછળતા કૌભાંડકારોનો સંપર્ક સાધ્યો ત્યારે જમીનનો સોદો પત્યે પૈસા આપવાની લાલચ આપી હતી પરંતુ આ જ દિવસ સુધીમાં એક ફદીયુય પોતાને મળ્યુ નથી તેવી કેફીયત આપી હતી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ જયરાજસિંહ મહિપતસિંહ રાણા, પ્રદ્યુમનસિંહ નવલસિંહ, હીરા પમા સાગઠીયા, નામચીન રમેશ રાણા અને યુવરાજસિંહ ચુડાસમાની ધરપકડ થઈ ચૂકી છે.

(2:33 pm IST)