Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

બુટલેગરો, ભુમાફીયા અને લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવા રજુઆત

શહેર કોંગ્રેસ અગ્રણી માવજીભાઇ રાખશીયા, મનોજભાઇ શુકલ અને ભાવેશભાઇ ખાચરીયાની પોલીસ કમિશ્નરને અરજી

રાજકોટ તા.ર : બજરંગવાડી પૂનિતનગર પાસે એનએસયુઆઇના મહામંત્રી જયરાજસિંહ જાડેજાની હત્યા કરનાર લુખ્ખા તત્વો દ્વારા શહેરનું વાતાવરણ ડહોળાયુ છે. આવા લુખ્ખા તત્વો, બુટલેગરો તથા ભુમાફીયાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી શહેર કોંગ્રેસના અગ્રણીઓએ લેખિત રજુઆત કરી છે.

રાજકોટ શહેર કોંગ્રેસ અગ્રણી માવજીભાઇ રાખશીયા તથા મનોજભાઇ શુકલ, ભાવેશભાઇ ખાચરીયા, પ્રવિણભાઇ ચાંડપા અને પ્રકાશભાઇ રાખોલીયાએ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેલોતને કરેલી લેખિત અરજીમાં જણાવ્યુ છે કે શહેર કોંગ્રેસની પાંખ વિદ્યાર્થી યુનિયન એનએસયુઆઇના મહામંત્રી જયરાજસિંહ જાડેજાની સામાન્ય બોલાચાલીમાં હત્યા કરનાર લુખ્ખા તત્વો દ્વારા રાજકોટ શહેરનું વાતાવરણ ડહોળાયુ છે. આ બનાવો શહેરમાં છાશવારે બની રહ્યા છે. લુખ્ખા તત્વો બેફામ બન્યા છે.

પોલીસ દ્વારા રાજકોટના દરેક વિસ્તારોમાં રાત્રે લુખ્ખા તથા બુટલેગરો, ભુમાફીયાઓના ઘરે જઇને જે વોર્નીંગ આપવામાં આવતી હતી તેવી જ કામગીરી કડકાઇથી કરવાની તાતી જરૂર છે હવે દરેક વિસ્તારોમાં લોકો પાસેથી પોલીસ કમિશ્નર દ્વારા એક ટીમ બનાવવામાં આવે અને તે ટીમ વિસ્તારમાં માથાભારે તત્વો વિશે લોકો પાસે અભિપ્રાય લેવામાં તથા શહેરમાં બેફામ વાહન ચલાવતા લુખ્ખા તત્વોને રોકીને કાયદાનું ભાન કરાવુ તથા સ્કુલો અને કોલેજો આસપાસ પડયા પાથર્યા રહેતા રોમીયાઓને કાયદાનું ભાન કરાવવુ જરૂરી છે.

(3:47 pm IST)