Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

જયરાજસિંહની હત્યા બાદ અજયસિંહ અને ધનરાજસિંહ રાત્રે ૧૧II સુધી ગોંડલ રોડ ચોકડીએ છુપાઇ રહ્યા'તા

ભાવનગરમાં સગાને ત્યાં આશરો લેવા જતાં તેણે પોલીસને ફોન કરતાં બંને ત્યાંથી ભાગી બગીચામાં રાત રોકાયા'તા :બાદમાં સોમનાથ, ભાવનગર, સિહોર, જુનાગઢ, ફરી ભાવનગર આવ્યાઃ પૈસા ખુટતાં રાજકોટ આવતા'તાને પકડી લેવાયાઃ ૭ દિવસના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરાયા

રાજકોટ તા. ૨: બજરંગવાડીના રેલનગરમાં રહેતાં એનએસયુઆઇના મહામંત્રી જયરાજસિંહ ભૂપતસિંહ જાડેજા (ઉ.૨૧)ની વાહન અથડાવાની  બાબતે હત્યા કરી ભાગી ગયેલા બજરંગવાડી પુનિતનગરના અજયસિંહ પ્રદ્યુમનસિંહ વાળા (ઉ.૨૬) અને તેના સાળા આશાપુરાનગરના ધનરાજસિંહ બલવીરસિંહ જાડેજા (ઉ.૨૧)ને ગઇકાલે સરધાર પાસેથી ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધા બાદ આજે સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા છે. હત્યા બાદ આ બંને ધનરાજસિંહનું બાઇક તેના ઘર પાસે મુકી ગોંડલ રોડ ચોકડીએ ભાગી ગયા હતાં અને ત્યાં રાત્રીના સાડા અગિયાર સુધી છુપાઇ રહી બાદમાં બસમાં બેસી સોમનાથ જતાં રહ્યા હતાં.

પી.આઇ. એચ. આર. ભાટુ, પીએસઆઇ ઓ. જે. ચિહલા, એન.એમ. સોલંકી, એએસઆઇ મહેશભાઇ લુવા, હેડકોન્સ. ભાનુભાઇ મિંયાત્રા, પ્રવિણભાઇ મકવાણા, ઘનશ્યામ મેણીયા, રશ્મિન પટેલ, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મુકેશ ડાંગર, શૈલેષ પટેલ તથા ડી.સી.બી. પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.એસ.આઇ. ધાંધલીયા, પીએસઆઇ ઉનડકટ, પીએસઆઇ કાનમીયા સહિતની ટીમો અજયસિંહ અને ધનરાજસિંહને શોધી રહી હતી. દરમિયાન ભાનુભાઇ મિંયાત્રા અને રશ્મિન પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે બંને ભાવનગરથી સરધાર તરફ આવી રહ્યા છે. તેના આધારે બંનેને પકડી લેવાયા હતાં.

પુછતાછમાં અજયસિંહે કબુલ્યું હતું કે તેના સાળા ધનરાજસિંહ સાથે જયરાજસિંહને વાહન અથડાવા બાબતે માથાકુટ થતાં જયરાજસિંહે ફોન કરી તેના ભાઇ સહિતના ચારેક શખ્સોને બોલાવ્યા હતાં. બાદમાં હું જતાં મને ઢીકા-પાટુનો માર મારતાં મેં ગુસ્સે ભરાઇ છરી ઝીંકી દીધી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે હત્યા બાદ બંને ગોંડલ રોડ ચોકડીએ પહોંચી ત્યાં રાતના સાડા અગિયાર સુધી છુપાઇ રહી બાદમાં સોમનાથ ગયા હતાં. સવારે પાંચ વાગ્યે ત્યાં પહોંચી બાદમાં બીજી બસમાં ભાવનગર જતાં રહ્યા હતાં. ભાવનગરથી સિહોર અને સિહોરથી જુનાગઢ તથા છેલ્લે ફરીથી ભાવનગર ગયા હતાં. ત્યાં સગાના ઘરે આશરો મેળવવા એક ખત્રી મિત્રને સાથે લઇને પહોંચ્યા હતાં. પણ સગાને આ બંને હત્યા કરીને આવ્યા હોવાની ખબર પડતાં તેણે પોલીસને ફોન કરતાં બંને ભાગી ગયા હતાં. રાત્રે ચિત્રા નજીક બગીચામાં રોકાયા હતાં. પૈસા ખુટ્યા હોઇ ફરી રાજકોટ આવવા બસમાં બેઠા હતાં અને સરધાર પાસે પકડાઇ ગયા હતાં. વિશેષ પુછતાછ કરવાની હોઇ સાત દિવસના રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ થઇ રહી છે.

(6:54 pm IST)