Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

૧પ દિ'માં ગંદકીનાં ગંજ દુર કરવાની વાતો હંબકઃ કોંગ્રેસ

દરેક વોર્ડમાં થોકબંધ ન્યુસન્સ પોઇન્ટઃ વોંકળાઓ ગંદકીથી ખદબદે છેઃ કરદાતાઓને ડસ્ટબીનો અપાતી નથીઃ માત્ર મીટીંગો યોજી પદાધિકારી પેપર ટાઇગર ન બનેઃવિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાની ધણધણાટી

રાજકોટ તા. રઃ મ્યુ. કોર્પોરેશનનાં પદાધિકારીઓએ દરેક વોર્ડમાંથી ત્રણ-ત્રણ ન્યુસન્સ પોઇન્ટ ૧પ દિવસમાં નાબુદ કરવાની જાહેરાતો વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ હંબક ગણાવી છે.

આ અંગે વશરામભાઇએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, સફાઇના મુદ્દે પદાધિકારીઓએ યોજેલી બેઠક એ ડીંડક છે કેમકે નકકર કામગીરી કરવાને બદલે સ્ટેન્ડિંગ ચેરમેન, સેનેટેશન ચેરમેનને પેપર ટાઇગર બનવાનો અભરખો જાગ્યો હોય તે પ્રકારે બેઠક યોજી સેનેટરી ઇન્સ્પેકટર-સેનેટરી સબ ઇન્સ્પેકટરોને વોર્ડના ૩-૩ ન્યૂસન્સ પોઇન્ટ દુર કરવા ૧પ દિવસની મુદત આપી છે હકિકતે વોર્ડમાં ત્રણ-ત્રણ નહિ પરંતુ ત્રણ-ત્રણ ડઝન ન્યૂસન્સ પોઇન્ટ છે. સફાઇના મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન કચેરીમાં ધ્યાન આપવું જોઇએ કચેરીઓમાં ઠેર-ઠેર પાનની પીચકારીઓ કચરો ઝોન કચેરીઓમાં જોવા મળે છે. ઝોન કચેરીઓની આજુબાજુના રસ્તા પર કયાંય ડસ્ટબીનો જોવા મળતી નથી લોકોને સ્વચ્છતા સંદેશના જાહેર બોર્ડ પર જોવા મળતા નથી.

સવાલએ છે કે ૧૫ દિવસમાં ન્યૂસન્સ પોઇન્ટ દુર કરવાની વાતો હવે શા માટે? અત્યાર સુધી કુંભકર્ણની નિંદ્રામાં હતા. સેનેટરી ઇન્સ્વેકટરો અને સેનેટરી સબ ઇન્સ્વેકટરોને ગંદકી ફેલાવનારા લોકોને દંડવાનો આદેશ કર્યો છે. પરંતુ સેનેટરી ઇન્સ્વેકટરો અને સેનેટરી સબ ઇન્સ્પેકટરો ઓફીસોમાં જ રહે છે અને ફીલ્ડમાં નિકળે તો જાહેરમાં ગંદકી કચરો, એઠવાડ ઠાલવનારા સામે આંખ મીચાળવણી કરે છે

હકીકતે ટ્રાફીક પોલીસને જે પ્રકારે ટ્રાફીક કેસો કરવાનો ટાર્ગેટ અપાય છે તે પ્રકારે વોર્ડના દરેક અધિકારીને ટાર્ગેટ આપવો જોઇએ અને જે વોર્ડમાં ગંદકી જોવા મળે તે વોર્ડના અધિકારીને જવાબદાર ગણીતેને દંડ કરવો જોઇએ. નક્કર કામગીરી અને આકરા પગલા ભરવા જોઇએ બેઠકોથી કાંઇ ન વળે શ્રી સાગઠિયાએ વધુમાં આક્ષેપ કર્યા છે કે રાજકોટ મહાનગરપાલિકાને ફકત ગૌરવ પથ રોડ (કાલાવડ રોડ) સહિતના માલેતુજાર લોકો જયાં રહે છે ત્યાં જ સફાઇ કામગીરીમાં રસ છે બાકી સ્લમ વિસ્તારો કે મધ્યમવર્ગના વિસ્તારોમાં આજે પણ ગામડાંઓ કરતાં બદતર હાલત છે શહેરમાં એક વર્ષમાં પપ૦૦૦ ડ્રેનેજની ફરિયાદો અને વોંકળાની બેસુમાર ગંદકી બતાવે છે ડ્રેનેજ સાફ કર્યા બાદ તેનો કચરો રસ્તામાં પડયો રહે છે.

વધુમાં શ્રી સાગઠીયાએ જણાવ્યું છે ક શહેરના પ્રમાણિત કરદાતાઓને આપવાની થતી બબ્બે ડસ્ટબીનો દરેક વોર્ડ ઓફીસોમાં ધુળ ખાય છે. ઘણાં નાગરિકોને જાણ કરાઇ નથી અને મનપાનું તંત્ર એટલું પાંગળું નથી કે પ્રજાને ઘેર-ઘેર ડસ્ટબીન ન પહોંચાડી શકે પ્રમાણિક કરદાતા સામે ચાલીને એડવાન્સ વેરા ભરે છે તો સામે ચાલીને મનપા આવા કરદાતાને ડસ્ટબીન શા માટે ન પહોંચાડી શકે? મનપામાં અગાઉ સખી મંડળો વિનામૂલ્યે કચરો ડોર ટુ ડોર લઇ જતાં હાલ ગાર્બેજ કલેકશનના નામે વાર્ષિક-૩૬પ અને કોમર્શિયલમાં ૭૩૦ ના ફરજીયાત ચાર્જ બાદ પણ ડોર ટુ ડોર મનપા કચરો નથી લઇ શકતી એ તંત્રની નબળાઇ દેખાય છે. માટે પ્રમાણિક કરદાતાઓને આપવાની થતી ડસ્ટબીનના મુદ્દે કોંગ્રેસ આગામી દિવસોમાં આક્રમક મીજાજ બતાવશે તેવી ચિમકી અંતમાં વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ ઉચ્ચારી છે.

ગંદકી દુર કરવામાં પરીણામલક્ષી કામગીરી જરૂરીઃ મનસુખ કાલરીયા

વિપક્ષ કોંગ્રેસના ઉપનેતા મનસુખ કાલરીયાએ પણ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ ર૦૧૬થી ગંદકી બાબતે રજુઆતો કરતા આવ્યા છે ત્યારે હવે તંત્ર જાગ્યું છે તે સારૂ કહેવાય પરંતુ ગંદકીના ગંજ માત્ર કાગળ ઉપર જ દુર ન થાય તે જોવુ જરૂરી છે માટે પરીણામલક્ષી કામગીરી થાય તેવી માંગ શ્રી કાલરીયાએ ઉઠાવી છે.

ગંદકીનાં ગંજ અંગે શાસકોનો સ્વીકારઃ રાજુ જુંજા

રાજકોટઃ સામાજીક અગ્રણી રાજુભાઇ જુંજાએ પણ ગંદકીના ગંજ અંગે નિવેદનમાં જણાવ્યું છે કે રાજકોટ શહેરને સ્વચ્છતામાં કાગળ પર નંબર ૧ દર્શાવવાના પ્રયાસો ચાલી રહયા છે. ત્યારે ગઇકાલે રાજકોટ મ્યુ. કોર્ર્પો.ના સેનીટેશન ચેરમેન અને સ્ટેન્ડીંગ ચેરમેને રાજકોટમાં ઠેર-ઠેર ગંદકી હોવાનું કબુલી અધિકારીઓ સામે રજુઆતો કરી છે. જે રાજકોટ શહેરની બદનશીબી કહેવાય. જો શાસકોને જ શહેરમાં ગંદકી સહીતના મુદ્દે કરગરવુ પડતુ હોય તો આમ પ્રજાની સ્થિતિ શું હશે તેવો અણીયારો સવાલ સામાજીક અગ્રણી રાજુ જુંજાએ કર્યો છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં કોન્ટ્રાકટ પધ્ધતીને કારણે સફાઇ કામદારોની હાજરીમાં ભયંકર ભ્રષ્ટાચાર થતો હોવાને કારણે શહેરના વિસ્તારોમાં રેગ્યુલર સફાઇ થતી નથી. જેના કારણે ચારેય બાજુ ગંદકીના ગંજ ખડકાયા છે. આ અંગે લતાવાસીઓ દ્વારા વારંવાર રજુઆત કરવા છતા સતાધીશો આંખ આડા કાન કરે છે. ત્યારે કોન્ટ્રાકટ પધ્ધતી રદ કરી સફાઇ કામદારોની નિમણુંક કરી કડક હાથે કામ લેવામાં આવે તો જ વાસ્તવિક રીતે શહેરને સ્વચ્છ બનાવી શકાશે. આમ રાજકોટ શહેરને દીવા સ્વપ્ત બતાવવાને બદલે વાસ્તવિક રીતે પ્રાથમીક સુવિધા બાબતે મ્યુ. કોર્પોરેશનના સતાધીશો જાગૃત થઇ કામગીરી કરે તે જરૂરી છે તેમ સામાજીક અગ્રણી રાજુભાઇ જુંજાની યાદીમાં જણાવાયું છે.

(3:21 pm IST)