Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

લુખ્ખા-નશાખોરો ફાટીને ધૂમાડેઃ સવારે ૪ વાગ્યે હુડકો ચોકડીએ 'હોટલ બંધ કરો'ના હાકલા-પડકારાં કરી બેફામ ધમાલ મચાવી

પહેલા એકટીવા પર ત્રણ જણા આવ્યાઃ ભરવાડ યુવાનને કારણ વગર ગાળો ભાંડીઃ બાદમાં ફોન કરતાં બીજા બે શખ્સ આવ્યાઃ બધાએ એટલો નશો કર્યો હતો કે ઉભા પણ નહોતા રહી શકતાઃ પોલીસની ચારેક ગાડીઓ પહોંચી ત્યારે ભાગી ગયાઃ બાદમાં પોલીસની હાજરીમાં જ પાછા નીકળ્યાઃ પીછો થયો પણ એકેય હાથ ન લાગ્યાઃ ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટઃ શહેરમાં લુખ્ખા-આવારા તત્વો ગમે ત્યારે નશો કરી ગમે ત્યાં ખેલ કરી ભાગી જાય છે. આજે વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે આવેલી મોમાઇ હોટલ ખાતે પાંચ શખ્સોએ આતંક મચાવ્યો હતો. ગણેશનગરના અશોકભાઇ હરિભાઇ સુસરા (ભરવાડ)ની મોમાઇ હોટલ સવારે પોણા ચારેક વાગ્યે તેના સાળા સંજયભાઇ જીવાભાઇ ધ્રાંગીયાએ ખોલી હતી. સંજયભાઇના કહેવા મુજબ ધંધો ચાલુ કર્યો હતો ત્યાં જ થોડીવારમાં એક બાઇક પર ત્રણ શખ્સ આવ્યા હતાં. આ ત્રણેયે નશો કરેલો હોય તેવા લાગતાં હતાં અને 'હાલો એ'ય બંધ કરો' એવા હાકલા-પડકારા કરી બેફામ ગાળો બોલવા માંડ્યા હતાં. તેને ગાળો દેવાની ના પાડતાં ટેબલ પાસેની ખુરશી ઉઠાવી પછાડી હતી. થોડીવાર બાદ એક શખ્સ પડી ગયો હતો. તે માંડ માંડ ઉભો થઇ શકયો હતો. તેણે બાદમાં ફોન કરતાં બાઇક પર બીજા બે શખ્સો આવ્યા હતાં અને પાંચેયે મળી ગાળો દઇ તોડફોડ કરી હતી. ત્યાર પછી એક ગ્રાહક કાર લઇને આવ્યા હોઇ તેની કારમાં પથ્થરા ફટકારી આગળ-પાછળના કાચ ફોડી નાંખ્યા હતાં. તેમજ હોટેલ પાસે જ રહેતાં ક્ષત્રીય વ્યકિતની કારમાં પણ તોડફોડ કરી હતી. મેં પોલીસને જાણ કરતાં આ પાંચેય ભાગી ગયા હતાં. પોલીસની ચાર-પાંચ ગાડીઓ આવી ગઇ હતી. એ વખતે જ આ શખ્સો ફરીથી નીકળતાં પોલીસે તેનો પીછો કર્યો હતો. પણ કોઇ હાથમાં આવ્યા નહોતાં.

સંજયભાઇ ભરવાડે વધુમાં જણાવ્યું હતું કે આ પાંચેય જણા ખુબ દારૂ પીધેલા હોય તેમ જણાતા હતાં. કારણ કે એ ઉભા પણ નહોતા રહી શકતાં. એક શખ્સ પડી જતાં તેને તેની સાથેના શખ્સો ઢસડીને લઇ ગયા હતાં. રોડ ઉપર પસાર થઇ રહેલી એક કારને પણ આ શખ્સોએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. પોલીસે આ શખ્સો કોણ હતાંં? તે અંગે ખાનગી રીતે તપાસ શરૂ કરી છે. તસ્વીરમાં જ્યાં માથાકુટ થઇ તે હોટલ અને સીસીટીવી ફૂટેજના દ્રશ્યો દેખાય છે. જમાં તોડફોડ કરતાં શખ્સો, પડી જતો શખ્સ અને બાદમાં ફોન કરી મિત્રોને બોલાવતો શખ્સ જોઇ શકાય છે. પોલીસે આ શખ્સો કોણ હતાં? તે અંગે ખાનગી રીતે તપાસ શરૂ કરી દીધી છે.

(2:22 pm IST)