Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ચૂંટણી વખતે પોલીસ કન્ટ્રોલ રૃમમાં સાચી-ખોટી ફરિયાદોનો મારો થતો, આ વખતે 'ટાઢક' રહી

બપોર બે સુધીમાં માત્ર બે ફરિયાદ આવી એ પણ ખોટી નીકળીઃ દૂધ સાગર રોડ પર મતદારોને પૈસા આપી લલચાવવામાં આવે છે, કુવાડવા રોડ પર એકતરફી મતદાન કરાવવામાં આવે છે...

 

રાજકોટ તા. ૧: 'હેલ્લો પોલીસ કન્ટ્રોલ રૃમ, સાહેબ સામા કાંઠે ફલાણા બૂથમાં માથાકુટ થઇ રહી છે, કેટલાક લોકો સો મીટર એરીયામાં આવી ફલાણા પક્ષનો પ્રચાર કરે છે, ફલાણી જગ્યાએ મતદારોને લલચાવાય છે'...સહિતની સાચી ખોટી ફરિયાદોનો મારો દર ચૂંટણીના મતદાનને દિવસે પોલીસ કન્ટ્રોલ રૃમમાં થતો રહે છે. ફોનથી ઉપરાંત ફેકસથી પણ ફરિયાદોનો મારો દરેક પક્ષ, અપક્ષ ઉમેદવારોના અગ્રણી કાર્યકરો અને બીજા લોકો દ્વારા થતો હોય છે. આ ફરિયાદોનો પોલીસ સત્વરે નિકાલ કરાવતી હોય છે. પરંતુ આ વખતે આજે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના મતદાનના દિવસે પોલીસ કન્ટ્રોલ રૃમમાં આવી ફરિયાદો થઇ નહોતી. આ કારણે પોલીસ કન્ટ્રોલ રૃમના સ્ટાફને એકંદરે નિરાત રહી હતી. બપોરે બે વાગ્યા સુધીમાં માત્ર બે જ ફરિયાદો આવી હતી અને તે પણ ખોટી નીકળી હતી.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ અને સંયુકત પોલીસ કમિશનરશ્રી સોેરભ તોલંબીયાએ અગાઉથી જ પોલીસ કન્ટ્રોલ રૃમમાં એસીપી, પીઆઇ, પીએસઆઇ સહિતનો વધારાનો સ્ટાફ ફાળવ્યો હતો અને મતદાનને દિવસે મતદાનને સંલગ્ન કોઇપણ ફરિયાદ આવે તો તુરત તેનો નિકાલ કરાવવા અને જરૃર જણાયે કાયદેસરની કાર્યવાહી કરાવવા સુચના આપી હોઇ આજે પોલીસ કન્ટ્રોલ રૃમમાં એસીપીશ્રી પટેલની રાહબરીમાં સ્ટાફે ફરજ બજાવી હતી.

દર વખતે કોઇપણ મોટી ચૂંટણી હોય ત્યારે પોલીસ કન્ટ્રોલ રૃમના ફોન શાંત રહેતા નથી અને ફેકસના રોલ ધડાધડ ખાલી થઇ જાય એટલી સાચી-ખોટી ફરિયાદો આવતી રહે છે. પરંતુ આજે બપોરના બાર સુધીમાં સમ ખાવા પુરતી એક માત્ર ફરિયાદ આવી હતી અને એ પણ તપાસમાં ખોટી ઠરી હતી. કોઇ અજાણી વ્યકિતએ ફોન કરીને ફરિયાદ કરી હતી કે દૂધની ડેરી પાસે પૈસા આપીને મતદારોને મતદાન કરવા લલચાવવામાં આવે છે. ફરિયાદ આવતાં જ ખરાઇ કરવા માટે પોલીસ સ્ટાફને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં જઇ તપાસ કરતાં આ ફરિયાદમાં કોઇ તથ્ય જણાયું નહોતું. આ ઉપરાં કુવાડવા રોડ પર એકતરફી મતદાન કરાવવામાં આવે છે તેવો કોલ આવતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. તપાસ થતાં ફરિયાદમાં તથ્ય જણાયું નહોતું.

(3:44 pm IST)