Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

અભયભાઇ ખરા અર્થમાં તેમના નામ પ્રમાણે 'અભય' હતા : વિજયભાઇ

વોર્ડ નં. ૯માં 'અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ' નામકરણ અનાવરણ વિધિ કાર્યક્રમ પૂર્વ મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં યોજાયો : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇએ અભયભાઇ સાથેના કોલેજ સમયથી રાજકિય કારકિર્દી સુધીનાં સંબંધો તાજા કર્યા : અભયભાઇ સ્પષ્ટવકતા હતા અને તેમના નામ પ્રમાણે તેઓ સિંહ જેવી ગર્જના ધરાવતા હતાઃ પ્રદિપ ડવ : અભયભાઇનું સામાજીક ક્ષેત્રે પ્રદાન અને કર્મ આપણને હંમેશા યાદ રહેશે : ગોવિંદભાઇ પટેલ

રાજકોટ,તા.૧:  મહાનગરપાલિકા દ્વારા આજ તા.૦૧/૧૨/૨૦૨૧ના રોજ વોર્ડ નં.૯માં નવનિર્મિત કોમ્યુનિટી હોલનું 'અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ' નામકરણ અનાવરણ વિધિ રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ.

આ પ્રંસગે રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, વ્યકિતનું નામ અમર રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ 'અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ' નામકરણ કરેલ છે તે બદલ રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવેલ. વિશેષમાં, તેમણે જણાવેલ કે, જેનો જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે પરંતુ માણસ કેટલું જીવ્યો તેના કરતા કેવું જીવ્યો તે ખૂબ મહત્વનું છે. અભયભાઈએ આ કહેવતને સાચા અર્થમાં સાર્થક કરેલ છે. તેમના જીવનમાંથી ખરેખર પ્રેરણા મળી રહી છે. અભયભાઈ કાયદાકીય જ્ઞાન પણ ખુબ જ ધરાવતા હતા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ કાયદાકીય માર્ગદર્શન માટે અભયભાઈના સંપર્કમાં રહેતા. અભયભાઈ ભારદ્વાજ ભગવાન પરશુરામની જેમ ખુબ જ ગુસ્સો ધરાવતા. પરંતુ, તેઓનો ગુસ્સો થોડી ક્ષણો માટે જ રહેતો. કારણ કે, અભયભાઈ સત્યને વળગી રહેનાર, સ્પષ્ટ વકતા અને હિંદુ ભાવના ધરાવતા હતા. અભયભાઈ વિશાળ હ્રદયના અને વિચારશીલ પણ હતા. તેઓ વિકાસ અને રાજનીતિની કુનેહ ધરાવતા હતા. તેઓના કાયદાકીય સુઝબુઝને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા તેઓની લો કમિશનમાં તેમજ બાદમાં રાજય સભાના સાંસદ તરીકે નિમણુંક કરવામાં આવેલ. પરંતુ શપથ લીધાના થોડા સમયમાં તેઓએ આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધેલ. બ્રહ્મસમાજના સંગઠન માટે ખુબ જ મોટું યોગદાન આપેલ અને અભયભાઈએ 'જય પરશુરામ' નો નારો ગુંજતો કરેલ હતો. પુર્વ મુખ્યમંત્રીશ્રીએ કોલેજ સમયથી રાજયસભાના સાંસદ સુધીના અભયભાઈ સાથેના પોતાના સંસ્મરણો યાદ કરેલ હતા.

આ પ્રંસગે મેયરએ જણાવેલ કે, અભયભાઈનું નામ જ એવું હતું કે જેમાં સિંહ જેવી ગર્જના હતી. સત્યની બાબતમાં તેઓ સ્પષ્ટ વકતા હતા. ભારતીય જનતા પાર્ટીમાં તેમનો સિંહ ફાળો હતો અને ભાજપને વટવૃક્ષ બનાવવામાં તેમનો ખૂબ મોટું યોગદાન હતું. વકીલાતના ક્ષેત્રે પણ તેઓએ ખુબ જ નામના મેળવેલ.

વિશેષમાં, મેયર જણાવેલ કે રૂ.૮.૫૮ કરોડના ખર્ચે આ નવનિર્મિત કોમ્યુનિટી હોલ બનાવેલ છે. જેમાં ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર ૭૦૦ વ્યકિતની ક્ષમતા ધરાવતો તેમજ એક હોલ સેન્ટ્રલી એસી બનાવવામાં આવેલ છે.

આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલએ જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાએ કોમ્યુનિટી હોલનું અભયભાઈ સાથે નામ જોડેલ છે તે બદલ ધન્યવાદને પાત્ર છે. જન્મ પછી પોતાના જીવનકાળ દરમ્યાન કરેલ કર્મો માણસ છોડતો જાય છે. અભયભાઈના કર્મો કાયમી ચિરંજીવી રહેશે. બાબભાઈ જશુભાઈ પટેલના સમયે જનતા પક્ષ વખતે યુવા મોરચાના તેઓએ વિચાર આપેલ અને યુવાનોનું રાજકીય ક્ષેત્રે યોગદાન મળી રહે તે માટે જનતા પક્ષમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુવા મોરચાની સ્થાપના કરેલ.

આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, કોર્પોરેટર અને પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ પુજારા, શહેર ભાજપ મંત્રી રક્ષાબેન વાયડા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય જાગૃતિબેન ભાણવડીયા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં.૦૯ના કોર્પોરેટર જીતુભાઈ કાટોડીયા, આશાબેન ઉપાધ્યાય, દક્ષાબેન વસાણી, વોર્ડ પ્રભારી ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, પ્રમુખ પ્રદિપભાઈ નિર્મળ, મહામંત્રી હિરેનભાઈ સાપરીયા, વિરેન્દ્રભાઈ ભટ્ટ તેમજ ભારદ્વાજ પરિવારના સભ્યશ્રીઓ તથા જુદી જુદી કમિટીના ચેરમેનો, કોર્પોરેટરો નામાંકિત વકીલો તેમજ સ્થાનિક આગેવાનો વિગેરે ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમના પ્રારંભમાં પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં નામકરણની તકતી અનાવરણ કરેલ. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે શાબ્દિક સ્વાગત કરેલ જયારે સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા અને સભ્ય સંજયસિંહ રાણાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ. કાર્યક્રમના અંતે સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયાએ આભારવિધિ કરેલ.

(3:41 pm IST)