Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

સરદાર વલ્લભભાઇની પૂણ્યતિથિ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન

રાજકોટ, તા. ૧ :  સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક ટ્રસ્ટ તરફથી દર વર્ષે સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિના ઉપલક્ષ્યમાં વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા. નિબંધ સ્પર્ધા, કિવઝ, સામાન્ય જ્ઞાન કસોટી જેવા કોઇને કોઇ કાર્યક્રમો યોજાતા હોય છે.

 જે અંતર્ગત આ વર્ષે સરદારની  પૂણ્યતિથિ તા. ૧પ ના બુધવારે છે. તેના પરંપરાગત આયોજનના ભાગરૂપ માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે તા. ૧૩ ના સોમવારે સવારે ૯ થી ૧ર સુધી સરદાર સાહેબના જીવન ઉપર એક કિવઝ કોન્ટેસ્ટ રાખવાનું નકકી કરેલ છે. સાંજે ૩-૩૦ થી ૪ સુલેખન સ્પર્ધાનું આયોજન પણ કરેલ છે. તેમજ તા. ૧૪ ના મંગળવારે સવારે ૧૦ થી ૧ સુધી સરદાર સાહેબના જીવન અંગે શીધ્ર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે.

આ ત્રણેય સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓ ભાગ લે તે અનુરોધ કરાયો છે.

વિજેતાઓને ૧૪ મી એ શનિવારે સાંજે સરદાર સાહેબની પૂણ્યતિથિની પૂર્વ સંધ્યાએ પારિતોષિક વિતરણ સમારંભમાં પારિતોષિકો એનાયત કરવામાં આવશે.

સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક દરેક શાળાઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓના નામની યાદી તેમના ઘરના સરનામા તથા ઘરના ટેલીફોન નંબર સાથે શાળાના લેટરપેડ ઉપર અને શાળાના ટેલીફોન નંબર સાથે તા. ૮ સુધીમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક ટ્રસ્ટ, સરદાર સ્મારક ભવન, કિસાન પરા ચોક, રેસકોર્ષ રોડ રીંગ રોડ (ફોન નં. ર૪૪૪૯૦૮) કાર્યાલયે સવારે ૯ થી ૧ર તેમજ સાંજે ૪ થી ૬.૩૦ સુધીમાં મળી જાય તે રીતે મોકલવા જણાવેલ છે. તમામ સ્પર્ધાઓનું સ્થળ સરદારભવન, કિસાનપરા ચોક, રેસકોર્ષ રોડ રહેશે.

(3:00 pm IST)