Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કાકા કાલેલકરઃ શબ્દોમાંથી પ્રગટતો આનંદ, આનંદથી છલકાતા શબ્દોઃ આજે જન્મદિવસ

કાકાસાહેબે જે આનંદ માણ્યો એ વ્હેંચ્યો પણ ખરો, એમ કહીએ કે રંગની માફક ઉડાડયોઃ મૂળ ભદ્રસંસ્કૃતિનું વ્યકિતત્વ,ગાંધી ગેલેકસીના સદસ્ય રહ્યા, ગાંધીજી સાથે રહેતા

તાજ મહેલ જોઇને એમણે લખ્યું હતુઃ મરણ કરતાં સ્મરણ વધારે બળવાન છે. પોતે જ્ઞાનવૃધ્ધ તો યુવાવસ્થાથી હતા. વયવૃદ્ઘ થયા ત્યારે સ્મરણશકિત થોડી નબળી પડી તો હસતાં હસતાં એવું કહેતાઃ વિસ્મરણ દ્વારા હું મરણનું રિહર્સલ કરી રહ્યો છું. આ મરણ કરતાં સ્મરણ વાળી વાત એમના પોતાના માટે પણ આજે મજબૂતીથી ઊભી છે. કાકાસાહેબ કાલેલકરનું મરણ થયાને વર્ષો વીત્યાં એ વાસ્તવ છે. અને એમનું સ્મરણ –શબ્દ

સ્મરણ બળવાન છે એ આપણા સૌની અનુભૂતિ છે. એમના માટે જે કંઇ પણ વિશેષણ ઉપયોગમાં લેવાય છે એમાંથી મને એક શબ્દ અત્યંત સુસંગત લાગે છે એ છે સંસ્કૃતિપુરૂષ.

કોઇ ઝરણું ખડક પરથી વહેતું હોય કે ધોધરૂપેએ પાણી નીચે પડતું હોય ત્યારે આપણે એનું બંધારણ માપવા નથી જતા, એમાં કયા તત્વો છે? એની પરખ નથી કરતા. એ પાણીમાં કદાચ કૂદતા પણ નથી. એની વાછટથી પુલકિત થઇએ છીએ એમ કાકા સાહેબના જીવન,સર્જન વિશે ઝાઝી વાત કરવાના બદલે એ સત્વશીલ,તત્વભર્યો પ્રવાહ પીધા કરવાનો આનંદ અનેરો છે. આનંદ કાકાસાહેબનો પોતાનો પણ સ્થાયીભાવ હતો. નારાયણ દેસાઇએ કાકાસાહેબ વિશે લખ્યું છે એ અનુસાર કાં કોઇ કવિ કે કલાકાર હોય, કાં સર્વત્ર હરિદર્શી આધ્યાત્મિક પુરૂષ હોય તે જ સમસ્ત સૃધષ્ટિમાંથી આમ આનંદ માણી શકે.

કાકાસાહેબે જે આનંદ માણ્યો એ વહેંચ્યો પણ ખરો....એમ કહીએ કે રંગની માફક ઊડાડ્યો. કિશોરલાલ મશરૂવાળાએ કાકા સાહેબને જીવતો જાગતો જ્ઞાનનિધિ કહ્યા છે. આપણને કાકા સાહેબનું સ્મરણયાત્રા પુસ્તક સ્મરે,  પાઠ્યપુસ્તકમાં આવતું દત્તુનું પ્રકરણ યાદ આવે. નગાધિરાજ હિમાલય એવો પાઠ પણ યાદ આવે. ત્યારે પાઠ્યપુસ્તક પણ સાહિત્યકૃતિ જેવા છપાતાં. હવે કેટલીક સાહિત્યકૃતિઓ પાઠ્યપુસ્તક જેવી થતી જાય છે- એકાદ વર્ષમાં ભૂલાઇ જાય એવી.  હા, તો આપણને એ સ્મરણયાત્રા, હિમાલયનો પ્રવાસ એવા પુસ્તક યાદ આવે. એમના પ્રવાસ વર્ણનો તો અદભૂત. પત્રો અને ડાયરીના શબ્દો માંથી પણ સાક્ષરપણું જવે.

ફાધર વાલેસની જેમ આપણે કાકા સાહેબને સવાઇ ગુજરાતી કહીએ છીએ. મહારાષ્ટ્ર એમનું વતન અને કર્ણાટકનું બેલગાંવ જન્મસ્થાન હોવા છતાં એમણે ગુજરાતીમાં આવું બળુકું ગદ્યસર્જન કર્યું. તેઓ ગયા હતા રવીન્દ્રનાથ પાસે-શાંતિ નિકેતનમાં. ગાંધીજી નામના ચુંબકે જેમ સ્વામી આનંદ, વિનોબા, સરદાર પટેલ જેવી વિભૂતિઓને પોતાના તરફ આકર્ષી એમ કાકા સાહેબ પણ એ તરફ ખેંચાયા. હું જેને ગાંધી ગેલેકસી કહું છું એ શૃંખલાના તેજોમય નક્ષત્ર સમાન આપણા કાકા સાહેબ. કાકા સાહેબ મૂળ ભદ્રસંસ્કૃતિનું વ્યકિતત્વ. ગાંધી ગેલેકસીના એ સદસ્ય રહ્યા. ગાંધીજીની સાથે રહેવા છતાં એમનું અલગ પોત જળવાયું.

રાષ્ટ્રભાષાના પ્રચાર માટે એમણે કરેલું કામ ઉલ્લેખનીય છે એમ નહીં, સૂવર્ણઅક્ષરે અંકિત છે. હા, થોડી ધૂળ ખંખેરવાની અત્યારના સંજોગમાં જરૂર છે. પ્રવાસ વર્ણન લખ્યા ત્યારથી એમણે ગુજરાતીમાં લખવાની શરુઆત કરી. કિશોરલાલ મશરુવાળા, નરહરિ પરીખ જેવા સમર્પિત સાથીઓ હતા લખવામાં સહાય કરતા. પહેલાં તો કાકા સાહેબ મરાઠીમાં બોલતા અને કિશોરલાલભાઇ એનું ગુજરાતી કરીને લખી આપતા. સાહિત્યકાર તો એ ખરા, નિબંધકાર,પ્રવાસવર્ણનકાર તરીકેની પ્રતિભા પણ જગતની સામે છે. ઓતરાદી દીવાલો તો કેટલું સરસ પુસ્તક...! પરંતુ એ ખરા અર્થમાં કેળવણીકાર હતા. નારાયણ દેસાઇને ફરી યાદ કરીએ એમણે લખ્યું છેઃ કેટલાક લોકો એવા હોય છે જેની સાથે રહેવું એ જ શિક્ષણ આપનાર બની જાય છે.

કાકા સાહેબ એક આવા જ શિક્ષક હતા. પ્રવાસ વર્ણનમાં આપણને ભારત ભ્રમણ કર્યાનો અહેસાસ થાય. અને માત્ર ભારત નહીં અન્ય દેશોની વાત પણ એવી રીતે આવે. એટલે જ કાકા સાહેબ ભારતીય સંસ્કૃતિપુરૂષ નહીં, સંસ્કૃતિ પુરૂષ હતા.(સોશ્યલ મિડીયામાંથી સાભાર)

આલેખનઃ જવલંત  છાયા,

રાજકોટ, મો.૯૯૦૯૯ ૨૮૩૮૭

(3:28 pm IST)