Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

પતિને છોડી અલગ રહેતી ભારતીને સાડીથી ગળાફાંસો દઇ ટીંગાડી દઇ હત્યાઃ પતિ, દિયર-દેરાણીની પુછતાછ

માંડાડુંગર પાસે સુંદરમ્ સોસાયટીમાં બંધ મકાનમાંથી મહિલાની કોહવાયેલી લાશ મળ્યા બાદ ખુલી ચોંકાવનારી વિગતો : ભારતીબેન સાકરીયા (ઉ.વ.૪૧) થોરાળાના પ્રવિણ મેણીયા સાથે મૈત્રી કરાર કર્યા બાદ પતિને છોડી અલગ રહેતી હતીઃ છુટાછેડા થયા બાદ પણ ચાલતી માથાકુટ કારણભુતઃ ૨૫મી આસપાસ સમાધાનની વાત કરવા બોલાવ્યા બાદ પતિ આનંદ સાકરીયા, તેના કોૈટુંબીક ભાઇ સંજય અને સંજયની પત્નિ વર્ષા સહિતે ગળાટૂંપો દઇ હત્યા કર્યાની શંકાને આધારે : સમાધાનના બહાને આજીડેમ ચોકડીએ વાત કરવા બોલાવ્યા બાદ ભારતીબેનને તેના જ મકાને લઇ જઇ હત્યા : થોડા દિવસો પહેલા છૂટછેડા થયા ત્યારે ખુદ ભારતીબેને ઘરેણા ગિરવે મુકી ૧૧ લાખમાંથી ૭ લાખ જેવી રકમ પતિ આનંદને ચુકવી હતીઃ પણ હજુ તે ધરાયો નહોતો, પત્નિના મકાન ઉપર નજર હતી

હત્યાનો ભોગ બનનાર ભારતીબેન : જ્યાં હત્યા થઇ તે મકાન જોઇ શકાય છે

રાજકોટ તા. ૧: આજી ડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે આવેલી સુંદરમ્ સોસાયટીમાં આવેલા મકાનમાંથી ભારતીબેન આનંદભાઇ સાકરીયા (ઉ.વ.૪૧) નામના કોળી મહિલાની અત્યંત દૂર્ગંધ મારતી અને કોહવાયેલી લાશ ઘરમાં લટકતી હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. સાંજે આ ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. મહિલાની હત્યા કરી લાશ ટીંગાડી દેવામાં આવ્યાની દ્રઢ શંકાને આધારે પોલીસ આગળ વધી હતી અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ શંકા સાચી ઠરી હતી. આશરે પાંચેક દિવસ પહેલા ભારતીબેનના ગળામાં સાડી નાંખી ફાંસો બનાવી સાડીને ઉપર બાંધી દઇ લટકાવી દેવાઇ હતી અને તેના પ્રાણ નીકળી ગયા હતાં. પોલીસે પતિ, કોૈટુંબીક દિયર અને દેરાણીને શકદાર ગણી તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્યા મુજબ માંડા ડુંગર પાસે  સુંદરમ્ સોસાયટીમાં આવેલા એક ઘરમાંથી અત્યંત દૂર્ગંધ આવતી હોઇ પડોશીઓએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં પોલીસ પહોંચી હતી. તપાસ થતાં ઘરને બહારથી તાળુ મારેલુ હોઇ પોલીસે તાળુ તોડી અંદર જઇને બારીમાંથી જોતાં અંદર એક મહિલાની લાશ બારીની જાળી સાથે સાડીથી બનાવાયેલા ફાંસામાં લટકતી જોવા મળી હતી. ૧૦૮ના દિવ્યાબેન અને પૃથ્વીરાજસિંહ પણ પહોંચ્યા હતાં.

લાશ કોહવાઇ ગઇ હોઇ અને પાંચેક દિવસ પહેલા મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ નીકળતાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ ખસેડ્યો હતો. બનાવ હત્યાનો હોવાની શંકા ઉપજતાં પોલીસે તેણીના પતિ આનંદ સાકરીયા સહિતને પુછતાછ માટે બોલાવ્યા હતાં. આનંદ થોરાળા વિસ્તારમાં રહે છે. તેણે પોલીસને કહ્યું હતું કે પોતાને અને ભારતીને સંતાનમાં પાંચ દિકરીઓ છે. જેમાં એક દિકરી સાસરે છે. ભારતીબેન થોડા સમય પહેલા પોતાને અને ચાર દિકરીઓને છોડીને જતી રહી હતી અને હાલમાં ચુનારાવાડ વિસ્તારના  પ્રવિણ મેણીયા નામના વિધુર સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી.  છુટાછેડા બાબતે તથા મિલ્કત બાબતે પોતાને અને ભારતીને ચડભડ પણ ચાલતી હતી.

પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે ભારતીબેન અઠવાડીયુ જ્યાં ઘટના બની એ પોતાના મકાનમાં અને અઠવાડીયુ ચુનારાવાડમાં પ્રવિણ મેણીયા સાથે રહેતી હતી. થોડા દિવસો પહેલા જ ભારતીબેને પતિ આનંદ ચુનીલાલ સાકરીયા સાથે છુટાછેડા લીધા હતાં. આ છુટાછેડા બાદ ખુદ ભારતીબેને પોતાની પાસેના દાગીના એક પેઢીમાં ગીરવે મુકી રૂપિયા ઉપાડ્યા હતાં અને તેમાંથી સાતેક લાખ પતિને આપ્યા હતાં. પરંતુ હજુ પતિ ધરાયો ન હોઇ તેમ ભારતીબેન પાસે બચેલા બે મકાન ઉપર તેની નજર પડી હોઇ તેણે ઝઘડા અને હેરાનગતી ચાલુ રાખ્યા હતાં.

ગત ૨૫મીએ આનંદ, તેના કોૈટુંબીક ભાઇ સંજય જીવણભાઇ અને સંજયની પત્નિ વર્ષાએ ભારતીબેનને આજીડેમ ચોકડીએ સમાધાનની વાત કરવા બોલાવી હતી. એ પછી ભારતીબેનના ઘરે જ શાંતિથી બેસીને વાત કરવાના બહાને બધા ત્યાં પહોંચ્યા હતાં. જ્યાં માથાકુટ વધી ગયા બાદ હત્યા કરવામાં આવી હતી. ભારતીબેનના ગળામાં સાડી નાંખી ગાળીયો બનાવી બાંધી દેવાઇ હતી અને બાદમાં સાડીનો બીજો છેડો બારીના સળીયામાં બાંધી તેણીને લટકાવી દેવાઇ હતી. એ પછી બધા ઘરને બહારથી તાળુ મારી ભાગી ગયા હતાં.

ભારતીબેને જેની સાથે મૈત્રી કરાર કર્યા હતાં એ પ્રવિણને કેટલાક દિવસથી ભારતી જોવા ન મળતાં તપાસ કરી હતી. પરંતુ તેણી કયાંક જતી રહી હશે તેમ સમજી લીધું હતું. ત્યાં હવે તેની હત્યા થયાની વિગતો જાણી તે ચોંકી ગયો હતો. પોલીસે પ્રવિણભાઇ મેણીયાને ફરિયાદી બનાવી મૃતક ભારતીના પૂર્વ પતિ આનંદ ચુનીલાલ સાકરીયા, તેના કોૈટુંબીક ભાઇ સંજય જીવણભાઇ અને વર્ષા સંજયને શકદાર ગણી ગુનો નોંધ્યો છે.

પોલીસે આનંદ સહિતને સકંજામાં લઇ પુછતાછ આદરી છે. બનાવ હત્યાનો હોવાની શંકાએ અને પતિ સહિતના સામેલ હોવાની દ્રઢ શંકાએ ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ ઝાલા, જાવેદભાઇ રિઝવી, સ્મીતભાઇ સહિતનો સ્ટાફ વધુ તપાસ કર છે.

(3:39 pm IST)
  • ''ટાઈગર સ્ટેટ''માં ૧૯ વર્ષમાં ૨૯૦ વાઘના મોત થયા : મધ્ય પ્રદેશમાં છેલ્લા ૧૯ વર્ષમાં ૨૯૦ વાઘના મોત થયાઃ હાલમાં મધ્યપ્રદેશમાં ૫૫૦ વાઘ છેઃ મધ્યપ્રદેશને ''ટાઈગર સ્ટેટ'' તરીકે ઓળખવામાં આવે છે access_time 12:51 pm IST

  • મોડર્ના વેકસીન ૧૦૦℅ સફળ: અમેરિકન કંપની મોડર્નાની કોરોના વાયરસ રસી ગંભીર કોરોનાવાયરસ ચેપ સામે 100% ની અસરકારકતા દર્શાવતી હોવાનું જાહેર થયું છે. access_time 8:51 pm IST

  • રાજય સરકારે પણ કોરોનાના ટેસ્ટના ભાવોમાં કર્યો ઘટાડો : હવે ખાનગી લેબમાં રૂ.૮૦૦માં RTPCR ટેસ્ટ થશે, ઘર બેઠા રૂ.૧૧૦૦માં થશે RTPCR ટેસ્ટ : અગાઉ લેબોરેટરીમાં રૂ.૧૫૦૦ અને ઘરબેઠા રૂ.૨૦૦૦માં કરવામાં આવતા હતા આ ટેસ્ટ access_time 1:28 pm IST