Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ભરવાડ પિતા-પુત્રના હત્યારા મુસ્લિમ પિતા-પુત્રોને સરવાડની દરગાહ નજીકથી ક્રાઇમ બ્રાંચે દબોચ્યા

એક માસ પહેલા સાધુ વાસવાણી રોડ પર નજીવી બાબતે થયેલા ઝઘડામાં બબ્બે લોથ ઢાળી ચારેય છનનન થઇ ગયા'તા : જાવેદ મુસા કામદાર (મેમણ), તેના પુત્રો નજીર ઉર્ફ નફીસ, ફઇમ ઉર્ફ સુલતાન ઉર્ફ માનીયા અને સગીરને પકડવા દસ દિવસ સુધી ટુકડીએ રાજસ્થાનમાં અજમેર, પાલી, સરવાડ ખાતે વેશપલ્ટો કરી વોચ રાખી'તી

ડબલ મર્ડરના આરોપી મુસ્લિમ શખ્સ જાવેદ મેમણ તથા તેના એક સગીર પુત્ર સહિત ત્રણ પુત્રોને એક મહિના બાદ ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાંચને સફળતા મળતાં અને ચારેયને અજમેર નજીકના સરવાડની દરગાહ પાસેથી પકડી રાજકોટ લાવવામાં આવતાં ક્રાઇમ બ્રાંચ ખાતે ભરવાડ સમાજના આગેવાનો, મૃતકોના સ્વજનો દોડી આવ્યા હતાં. અહિ આરોપીઓને આગવી ઢબે ક્રાઇમ બ્રાંચે ભાંભરડા નંખાવી દીધા હતાં. તસ્વીરમાં પત્રકારોને વિગતો જણાવતાં જોઇન્ટ પોલીસ કમિશ્નર ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીણા, ડીસીપી કરણરાજ વાઘેલા, એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ સોનારા, પીએસઆઇ ધાંધલીયા અને ટીમ તથા પકડાયેલા મુસ્લિમ પિતા-પુત્રો તથા વચ્ચે મુખ્ય સુત્રધાર સુલ્તાન ઉર્ફ ફઇમ ઉર્ફ માનીયા અને છેલ્લી તસ્વીરમાં ભરવાડ સમાજના લોકો જોઇ શકાય છેે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૧: સાધુ  વાસવાણી રોડ પર ૧ નવેમ્બરના રોજ ફ્રુટ લઇ જવા બાબતે થયેલી નજીવી માથાકુટમાં ફ્રુટના ધંધાર્થી મુસ્લિમ યુવાન અને તેના પિતા-બે ભાઇઓએ મળી ભરવાડ યુવાન હકા ગગજીભાઇ સોહલા (ઉ.૩૦) તથા તેને બચાવવા વચ્ચે પડેલા તેના પિતા ગગજીભાઇ જોધાભાઇ સોહલા (ઉ.૫૫)ની લોહીયાળ હત્યા કરી નાંખી હતી. આ ઘટનાને અંજામ આપી પોલીસને થાપ આપતાં મેમણ પિતા-પુત્રોને ઝડપી લેવામાં ગઇકાલે રાજસ્થાનના અજમેર નજીકના સરવાડની દરગાહ પાસેથી ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાંચને સફળતા સાંપડી છે. અજમેર શરીફથી આગળ આવતાં સરવાડ શરીફ દરગાહ નજીક ચારેય ફ્રુટના ધંધાર્થી બનીને રહેતાં હતાં અને ફ્રુટ વેંચતા હતાં. રાજકોટ પોલીસે વેશપલટો કરી વોચ રાખી તેને દબોચ્યા છે.

ભરવાડ પિતા-પુત્રોને મોતને ઘાટ ઉતારી નાસી ગયેલા ચારેય સોૈ પ્રથમ જામનગર પહોંચ્યા હતાં. ત્યાંથી કોડીનાર, ઉના, અમરેલી, અમદાવાદ, રાજસ્થાનના પાલી, અજમેર અને છેલ્લે સરવાડ પહોંચ્યા તે દરમિયાન રાજસ્થાન તરફ હોવાની પી.એસ.આઇ. આર. સી. કાનમીયા અને પી.એસ.આઇ. એચ. બી. ધાંધલીયાની ટીમને બાતમી મળતાં છેલ્લા કેટલાક દિવસથી પગેરૂ દબાવી રહ્યા હતાં. અજમેર શરીફ માથુ ટેકવવા આવશે તેવી ધારણા ખોટી પડ્યા બાદ ત્યાંથી ૯૦ કિલોમીટર દૂર સરવટ શરીફ દરગાહ નજીક છુપાવેશે નજર રાખી રહ્યા હતાં. આ દરમિયાન ચારેય ત્યાં પહોંચતા પી.એસ.આઇ. કાનમીયા, પી.એસ.આઇ. એચ. બી. ધાંધલીયા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, ચેતનસિંહ ચુડાસમા, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, જગમાલભાઇ ખટાણા, મયુર પટેલ, કૃપાલસ્િંહ ઝાલા, સામતભાઇ ગઢવી, વિક્રમ લોખીલ, અમીન ભલુર, સંજય રૂપાપરા, જીજ્ઞેશ મારૂ, સંતોષભાઇ મોરી સહિતની ટૂકડીએ પકડી પાડ્યા હતાં.

પોલીસે મહમંદજાવેદ ઉર્ફ મામા મુસાભાઇ કામદાર (મેમણ) તથા તેના પુત્રો મહમદનફીસ ઉર્ફ નજીર ઉર્ફ બાબા મહમંદજાવેદ કામદાર, ફઇમ ઉર્ફ સુલ્તાન ઉર્ફ માનીયા મહમદજાવેદ કામદાર અને એક સગીરને સકંજામાં લઇ કાર્યવાહી કરી છે. હત્યામાં વપરાયેલા હથીયારો અને ભાગવામાં વાપરેલા વાહનો વિશે માહિતી મેળવવા આજે અથવા આવતી કાલે રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે. એસીપી જયદિપસિંહ સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં વિશેષ તપાસ થઇ રહી છે. આ ચારેયને જે દિવસે હત્યા કરી એ દિવસે તેને જામનગર સુધી મુકી આવવામાં મદદ કરનાર હનુમાન મઢી પાસે છોટુનગર હોલ સામે રહેતાં ઇસ્માઇલ ઉર્ફ ઇસલો બસીરભાઇ અલાણા (મેમણ) (ઉ.૨૪)ની અગાઉ ૧૪મીએ યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી રહતી. ઇસ્માઇલે કબુલ્યું હતું કે પોતે ફુવા જાવેદ મેમણ સહિતનાએ જામનગર મુકી આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે હત્યારાઓને તાકીદે ઝડપી લેવાની રજૂઆત અગાઉ ભરવાડ સમાજે કરી હતી. પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલોૈત અને જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીણા, ડીસીપી કરણરાજ વાઘેલા સહિતે આરોપીઓ તાકીદે ઝડપાઇ જશે તેવી ખાત્રી આપી હતી અને ખાસ ટુકડીઓને કામે લગાડી હતી.  સતત દસ દિવસની દોડધામને અંતે ચારેયને ઝડપી લેવામાં સફળતા મળી છે.

જાવેદ મેમણ વિરૂધ્ધ હત્યા, હત્યાની કોશિષના બે અને મારામારીના બે ગુના

તેના પુત્ર નજીર ઉર્ફ બાબા વિરૂધ્ધ પણ હત્યાનો ગુનોઃ એક વર્ષથી બંને પિતા-પુત્ર પેરોલ પર છુટી ફરાર હતાં

. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ભરવાડ પિતા-પુત્રની હત્યામાં પકડાયેલા આરોપીઓ પૈકીનો જાવેદ મેમણ અગાઉ ૧૯૯૫-૯૬માં જુનાગઢમાં મારામારીના ગુનામાં પકડાયો હતો. ત્યારબાદ ૨૦૧૧માં જુનાગઢમાં હત્યાની કોશિષનો ગુનો આચર્યો હતો. એ પહેલા અમરેલીમાં ૧૯૮૫માં મારામારીનો ગુનો હતો. એ વર્ષમાં પાસા તળે છોટાઉદેપુર જેલમાં ધકેલાયો હતો. ૨૦૧૪માં કાગડાપીઠ પોલીસ મથક હેઠળના હત્યાના ગુનામાં પકડાયો હતો. આ ગુના સબબ જેલમાં હોઇ ૨૫/૧/૧૬ના રોજ પેરોલ પર છુટ્યા બાદ ફરાર હતો. જ્યારે તેનો પુત્ર નજીર ઉર્ફ બાબો પણ અમદાવાદના હત્યાના ગુનામાં સામેલ હતો. તે પણ ૧૯/૮/૧૬ના રોજ પેરોલ પર છુટ્યા બાદ ફરાર હતો. આમ ભરવાડ પિતા-પુત્રની હત્યા કરી ત્યારે પણ આ બંને ફરાર હતાં.

દરગાહ પાસે ચારેય બાપ-દિકરા ફ્રુટ વેંચતા'તાઃ પોલીસ ફકીરનો વેશ અને બુરખા ધારણ કરી વોચમાં રહી ને સફળતા મળી

હત્યા બાદ ચારેય ધ્રોલ, જામનગર, કોડીનાર, ઉના, કોડીનાર, સરખેજ, અમદાવાદ, મહેસાણા, પાલી, અજમેર થઇ છેલ્લે સરવાડમાં રોકાયા હતાં

. હત્યાનો ગુનામાં ફરાર જાવેદ અને તેના પુત્રો અજમેર તરફ હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચની ટૂકડીએ અજમેર, પાલી, સરવાડ સહિતના સ્થળોએ મોટે ભાગે દરગાહો નજીક વોચ રાખી હતી. પોલીસે એ વિસ્તારમાં સતત રોકાવાનું હોઇ તે માટે અને આરોપીઓ ઓળખી ન જાય તે માટે ફકીરનો વેશ, બુરખા ધારણ કરવા તેમજ ત્યાંના ભોૈગોલિક વિસ્તાર મુજબના વેશ ધારણ કર્યા હતાં. છેલ્લે અજમેર નજીક સરવાડની દરગાહ પાસે જાવેદ અને તેના દિકરાઓ લારી રાખી ફ્રુટ વેંચતા મળી આવ્યા હતાં. ગુજરાતી લહેકાથી બોલીને તે ફ્રુટ વેંચતા હોઇ તેને ઝડપથી ઓળખી કાઢી સકંજામાં લઇ લીધા હતાં. હત્યા બાદ ચારેય સીધા હનુમાન મઢી પાસે રહેતાં ભત્રીજાના ઘરે ત્યાંથી પરાપીપળીયા, ધ્રોલ, જામનગર, કોડીનાર, ઉના, સરખેજ, અમદાવાદ, મહેસાણા, પાલી, અજમેર થઇ સરવાડ પહોંચ્યા હતાં.

(3:53 pm IST)