Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

નામચીન ઇબ્રાહીમ ઉર્ફ ઇભલા ખાટકીની રાજકોટ જેલમાંથી કબ્જો લઇ ધરપકડ

મોરબી પોલીસે તમંચા સાથે પકડી લીધા બાદ જેલહવાલે થયો'તો : લૂંટ, ફાયરીંગ, હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળના ગુનામાં કાર્યવાહીઃ બીજુ ગેરકાયદે હથીયાર છે કે કેમ? તે સહિતના મુદ્દે રિમાન્ડ મેળવવા તજવીજ

રાજકોટ તા. ૧: મોરબી રોડ પર ચામડીયા ખાટકી વાસમાં દિવાળીના તહેવાર પહેલા નામચીન ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો ખાટકી અને તેના પરિવારજનોએ વેપારીઓ પાસે ખંડણી માંગી ફાયરીંગ કરી આતંક મચાવી હત્યાની કોશિષનો ગુનો આચર્યો હતો. આ મામલે બી-ડિવીઝન પોલીસે કુલ ૨૭ જણા સામે ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં ફરાર નામનીચ ઇભલો અને તેના બે ભાઇઓને રાજકોટ બી-ડિવીઝન પોલીસની બાતમી પરથી મોરબી એલસીબીની ટીમે ગેરકાયદે હથીયાર સાથે ૧૬/૧૧ના રોજ ઝડપી લીધો હતો. ત્યાંના ગુનામાં જેલહવાલે થયેલા ઇભલાનો હવે રાજકોટના ગુનામાં બી-ડિવીઝન પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવી ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ આદરી  છે.

બી-ડિવીઝન પોલીસે ગત ૧૨/૧૧ના રોજ ઇભલાના ભાઇ મહેબુબ ઉર્ફ મેબલો કરીમભાઇ કાથરોટીયા (ઉ.૨૧-રહે. મોરબી રોડ ખાટકી વાસ શાળા નં. ૭૭ પાસે) મોરબીથી રાજકોટ આવ્યો હોવાની બાતમી મળતાં તેને દબોચી લીધો હતો.  કુલ છ ગુનામાં મેબલો ફરાર હતો. પકડાયો તેના ચાર દિવસ પછી તેની શાદી થવાની હતી. પણ એ પહેલા તે પોલીસે તેને પકડી લીધો હતો.

 એસીપી બી.બી. રાઠોડ સહિતના માર્ગદર્શન હેઠળ બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકર, પી.એસ.આઇ. આર.એસ. પટેલ, એએસઆઇ મહેશગીરી ગોસ્વામી, કોન્સ. અજીત લોખીલ, નિશાંત પરમાર, મહેશ મંઢ, મહેશ ચાવડા, ચંદ્રસિંહ ઝાલા સહિતની ટીમે ઇભલાનો રાજકોટ જેલમાંથી કબ્જો મેળવ્યો છે. તેના વિરૂધ્ધ ૩૦૭, ૩૯૨, ૫૦૪, ૫૦૬ (૨), ૧૪૭, ૧૪૮, ૧૪૯ જીપીએકટ ૧૩૫ (૧) તથા આર્મ્સ એકટ ૨૫ (૧) બી મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તેની ધરપકડ થઇ છે. એક ગેરકાયદે હથીયાર મોરબી પોલીસે કબ્જે કર્યુ હતું. બીજુ કોઇ હથીયાર છે કે કેમ? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. આ ગુનામાં કુલ ૧૯ની ધરપકડ થઇ છે.

(12:54 pm IST)