Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

નવા વર્ષમાં આસો અધિક માસ : છેક ૧૪ નવેમ્બરે દિવાળી

રાજકોટ, તા. ૧ : ગઈ દિવાળી તો ૨૭મી ઓકટોબરે ગઈ, પરંતુ આ વર્ષની નવી દિવાળી છેક ૧૪મી નવેમ્બરના રોજ આવશે. કારણ કે આ વર્ષે અધિકમાસ છે. આ અધિક માસ છેક આસો માસમાં આવશે.

વિક્રમ સંવત ૨૦૭૬નું નવું વર્ષ ૨૮મી ઓકટોબર ૨૦૧૯થી શરૂ થઈ ગયુ છે. નૂતન વર્ષાભિનંદન અને ભાઈબીજ જેવા તહેવારો આપણે ઉજવ્યા. દિવાળીના આ તહેવારોમાં બજારોમાં ઉમટેલી લોકોની ભીડ અને દિવાળીની રાતભર ફૂટેલા ફટાકડાના અવાજો સાંભળીને બધાને પ્રશ્ન થતો હતો કે લાંબા સમયથી બજારોમાં મંદી... મંદીના પોકાર સંભળાય છે, પણ અહિં કયાંય દેખાય છે, મંદી? નવુ વર્ષ આપણને મંદીથી બે વેંત છેટુ રાખે એવી પ્રભુપ્રાર્થના કરીએ.

આ વખતે નવરાત્રી ૧૭ ઓકટોબર-૨૦૨૦ શનિવાર શરૂ થશે. દશેરા - વિજયાદશમી ૨૫મી ઓકટોબર રવિવારે છે. ધનતેરસ ૧૩મી નવેમ્બર શુક્રવારના રોજ શનિવાર તા.૧૪મીએ બાળદિવસ, કાળી ચૌદશ, ધોકો અને દિવાળી સાથે છે.  રવિવાર તા.૧૫મી નવેમ્બરે બેસતુ વર્ષ અને ૧૬ નવેમ્બર સોમવારે ભાઈબીજ છે. તા.૧૯ નવેમ્બર ગુરૂવારે લાભપાંચમ છે. ઉપરાંત નવા વર્ષમાં ઘણા વખતે 'ધોકો' આવશે.

રક્ષાબંધન તા.૩ ઓગષ્ટ સોમવારે છે. જન્માષ્ટમી બુધવાર તા.૧૨ ઓગષ્ટ છે. સ્વતંત્રતા દિન શનિવાર તા.૧૫ ઓગષ્ટના રોજ છે. ગાંધી જયંતિ શુક્રવાર તા.૨ ઓકટોબરના રોજ છે.

વર્ષની શરૂઆતમાં મકરસંક્રાંતિ બુધવાર તા.૧૫ જાન્યુઆરીના રોજ છે પણ આપણે ત્યાં દર વર્ષે ૧૪મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ ઉજવાય છે. પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરી ૨૦૨૦ના રવિવારના રોજ આવે છે. વસંતપંચમી બુધવાર તા.૨૯મી જાન્યુઆરીના રોજ છે.

આ વખતે વરસાદથી થાકી ગયા હશો, છતા કહીએ કે નવા વર્ષમાં ઠંડી, ગરમી અને વરસાદ ત્રણેય જોરદાર પડે એવી સંભાવના છે.

મહાશિવરાત્રી ૨૧મી ફેબ્રુઆરી શુક્રવારના રોજ છે. હોળીકાદહન સોમવાર તા.૯ માર્ચના રોજ અને ધુળેટી મંગળવાર તા.૧૦ માર્ચના રોજ છે. ચૈત્રી નવરાત્રીનો આરંભ ૨૫મી માર્ચ બુધવારથી થશે. ૨૬મી માર્ચ ગુરૂવારના રોજ સિંધી સમાજનો ચેટીચાંદ મહોત્સવ ઉજવાશે.

એપ્રિલ-૨૦૨૦માં તા.૨ના રોજ ગુરૂવારે રામનવમી તા.૮ના રોજ બુધવારે હનુમાન જયંતિ, ૧૪મીના રોજ ડો.આંબેડકર જયંતિ, ૨૬મી રવિવારે અખાત્રીજ ઉજવાશે. એપ્રિલ માસ પછી છેક જૂન માસમાં એ પણ એક જ તહેવાર આવશે. ૨૩મી જૂન મંગળવાર અષાઢી બીજ જગન્નાથજીની રથયાત્રા નીકળશે. જુલાઈ માસમાં તા.૫મીને રવિવારે ગુરૂપૂર્ણિમા છે. ૨૩મીએ હરિયાળી ત્રીજ છે. ૨૫મીએ નાગપંચમીછે.

આ રીતે વિક્રમ સંવત ૨૦૭૬માં વ્રતો, તહેવારો અને રાષ્ટ્રીય પર્વો આવશે.

(8:40 am IST)