Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

જય જલીયાણના જયઘોષ સાથે રવિવારે જલારામ જયંતિ ઉજવાશે

રઘુવંશી યુવા કલબ (ગાંધીગ્રામ) દ્વારા મહાઆરતી-મહાપ્રસાદ - શ્રીનાથજીની ઝાંખી - રકતદાન કેમ્પના કાર્યક્રમો

રાજકોટ, તા. ૧ : સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જલારામબાપાના ૨૨૦મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. જયાં ટુકડો ત્યાં હરિ ઢુકડોને જીવનમંત્ર બનાવનાર પ.પૂ.જલારામબાપાની જન્મ જયંતી દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવાશે. જવલંત જયોત જગત કલ્યાણી જલિયાણ-જીવન એવું જીવી ગયા ભજન અને ભોજનની સુગંધીથી ભરી ગયા. જયા રોટીનો ટુકડો ત્યાં હરી ઢુકડો જેવા માનવતાના મહામુલા મંત્ર સ્નેહ, સેવા અને સમર્પણી એવા અબાલ વૃદ્ઘોના હૈયાના સિંહાસને બિરાજમાન જલારામ બાપાનું પ્રાગટય સવંત ૧૮૫૬ના કારતક સુદ સાતમને સોમવારે તા.૪/૧૧/૧૭૯૯ના વિરપુર ગામે માતા રાજબાઈના કુખે જન્મેલા રઘુવંશી સંત શીરોમણી પરમ પૂજય જલારામબાપાની આગામી ૨૨૦મી જન્મજયંતી કારતક સુદ સાતમ તા.૩/૧૧ને રવિવારના રોજ દેશ સાથે પરદેશમાં પણ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે.

રઘુવંશી સંત શિરોમણી પ.પૂ. જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતિ નિમિતે રઘુવંશી યુવા કલબ દ્વારા જલારામ જયંતી ધામધૂમથી ઉજવવામાં આવશે. રઘુવંશી યુવા કલબ (ગાંધીગ્રામ) દ્વારા ગાંધીનગર ૧ સર્વેશ્વર ચોક, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સાંજે ૭ કલાકે મહાઆરતી, મહાપ્રસાદ સાંજે ૭.૩૦ કલાકે, શ્રીનાથજીની ઝાંખી અને બ્લડ કેમ્પ જેવા કાર્યક્રમો યોજાયા છે.

આયોજનને સફળ બનાવવા ગાંધીગ્રામ રઘુવંશી સેવા સમાજ સમિતિ અને રઘુવંશી મૈત્રી મહિલા મંડળ ગાંધીગ્રામ તેમજ  રવિ માણેક, સચીન ચંદારાણા, ભાવેશ અઢીયા, નિખિલ રાજાણી, વિવેક ચોલેરા, રોનક સેજપાલ, નિખીલ છાગાણી અને ચંદ્રેશ રાચ્છ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે મો. ૯૦૩૩૧ ૫૧૧૧૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા કાલે રાત્રે સંકલન મીટીંગ

રાજકોટ તા. ૧ : પૂ. જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી સાથે યોજવામાં આવેલ શોભાયાત્રાના સંકલન અર્થે તા. ૨ ના શનિવારે રાત્રે ૯.૩૦ વાગ્યે પંચનાથ મહાદેવ મંદિર પાસે મીટીંગ યોજવામાં આવેલ છે. જેમાં વિવિધ કમીટીઓને જવાબદારીઓ સુપ્રત કરાશે. મીટીંગ બાદ બધા માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. રવિવારે રાત્રે પંચનાથ મહાદેવ મંદિર પાસે સંગીત સંધ્યા અને રકતદાન કેમ્પનું આયોજન પણ ઘડી કાઢવામાં આવેલ છે.

(3:30 pm IST)