Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

કામ, ક્રોધ, લોભ,મોહ જેવા સ્વભાવનો ત્યાગ કરોઃ પૂ.મહંત સ્વામી

પૂ.સ્વામીજીના આગમન નિમીતે યુવાઓ- મહિલાઓ- હરિભકતોએ ૧૫૦થી વધુ કલાકના નિર્જળા ઉપવાસ કર્યા : ભગવાન પાસે દંભ, ડોળ કે દેખાવ નહિં ચાલેઃ બીએપીએસ મંદિરે સત્સંગનો લાભ લેતા હજારો સત્સંગીઓ

રાજકોટઃબી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, (કાલાવડ રોડ રાજકોટ) ના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી  પૂજય મહંતસ્વામી મહારાજ ૧૨ દિવસના રોકાણ દરમ્યાન સત્સંગલાભ આપી રહ્યા છે.

પૂજય મહંતસ્વામી મહારાજના આગમન નિમિત્તે તેમજ તેમને ભકિતઅર્ધ્ય અર્પણ કરવા હરિભકતોએ વિશિષ્ટ તપ વ્રત કર્યા હતા. જેમાં અનેક યુવકોએ લીકવીડ ઉપવાસ તેમજ ૧૫૦થી પણ વધુ કલાકના નિર્જળા ઉપવાસ પણ કર્યા હતા. મહિલા હરિભકતો દ્વારા પણ તપ-વ્રત રૂપી ભકિત અર્પણ કરવામાં આવી, જેમાં મહિલાઓએ પ્રદક્ષિણા-પંચાંગ પ્રણામરૂપી ભકિત અર્પણ કરી હતી. આ રીતે ગુરૂહરિ મહંતસ્વામી મહારાજના આગમનને વધાવવા મહિલા હરિભકતોએ તપ-વ્રત અને જ્ઞાનરૂપી વિશિષ્ટ ભકિતઅર્ધ્ય અર્પણ કર્યું હતું.

વહેલી સવારે ૫ વાગ્યાથી જ હજારો હરિભકતો પૂજય મહંતસ્વામી મહારાજની પ્રાતઃ પૂજા દર્શનના લાભ માટે ઉમટી પડે છે.આ પ્રાતઃ પૂજામાં સ્વામીશ્રી સમક્ષ નાના બાળકો વચનામૃત ગ્રંથમાંથી વિશિષ્ટ રજુઆતો કરે છે. આજનો દિવસ પ્રાપ્તિ દિવસ તરીકે ઉજવાયો હતો જેમાં સાયંસભામાં યુવકો દ્વારા સંવાદ 'અલૌકિક પ્રાપ્તિ'ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આજના દિવસે  પરમ પૂજય મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે, આપણને ભગવાનની મોટી પ્રાપ્તિ થઇ છે,આ પ્રાપ્તિ સમજાય જાય તો સર્વ કાર્ય સિદ્ધ જ છે. કામ, ક્રોધ, લોભ, મોહ જેવા સ્વભાવોનો ત્યાગ કરવો જોઈએ. દાસભાવ,મહિમા જેવા સદગુણો રાખવા જોઈએ. ભગવાનના વચન જે પાળે છે તેની પાસે ભગવાન વચનરૂપે રહે છે. ભગવાન પાસે દંભ,ડોળ કે દેખાવ ચાલે નહિ. ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય,ભકિત એમાં બધું આવી જાય છે. ભગવાનની ભકિતમાં મોક્ષરૂપી ફળ જ ઇચ્છવું. આજે સાંજે સભામાં પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે વિશેષ કાર્યક્રમની પ્રસ્તુતિ થશે.

(1:03 pm IST)