Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

કાલથી ગુજરાતની ખાદીમાં રપ ટકા વળતર

રચનાત્મક સમિતિ દ્વારા ખાદી વેચાણ ઝૂંબેશઃ રૂ.૧૦૮ કરોડનો વેચાણ લક્ષ્યાંક

સોૈરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ગિરીશભાઇ ભટ્ટ તથા દીપેશભાઇ બક્ષી નજરે પડે છે

રાજકોટ તા.૧: કાલે ગાંધી જયંતિથી ખાદી વેચાણ ઝૂંબેશ શરૂ થશે. ગુજરાતી ખાદીમાં રપ ટક વળતર જાહેર કરાયું છે. સોૈરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ગિરીશભાઇ ભટ્ટ તથા દીપેશભાઇ બક્ષી 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા.

અગ્રણીઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રમાં ''ગાંધીજીના દોઢસો'' વર્ષનું ઉજવણું શરૂ થશે. ગુજરાત રાજય સરકારે અને ભારત સરકારે પણ તા. ૨-૧૦-૨૦૧૮થી તા. ૩૧-૩-૨૦૨૦ સુધી ''મહાત્મા ગાંધીજી-૧૫૦'' ઉજવવા ઠરાવ્યું છે અને રાજય અને કેન્દ્ર કક્ષાએ કમિટી રચી છે. તેની સાથે જગતમાતા કસ્તુરબાના જન્મનું દોઢસોમું વર્ષ પણ બેસશે. દરવર્ષની જેમ રજી, ઓકટોબર-૨૦૧૮થી દેશમાં ગુજરાતમાં ખાદી વેચાણ ઝૂંબેશ શરૂ થશે. આ વર્ષે ગુજરાતની સંસ્થાઓએ નક્કી કર્યુ છે તેમ કેન્દ્ર અને રાજય સરકારની એમ.ડી.એ. યોજનાની મદદ અને સંસ્થાઓના પોતાના વ્યવસ્થા ખર્ચમાંથી ગ્રાહકોને વળતર અપાશે. સુતી, ઉની, રેશમ ખાદી અને પોલીવસ્ત્ર ઉપર ગુજરાતની ખાદી ઉપર રપ% અને પરપ્રાંતની ખાદી ઉપર ૧૦% વળતર તા.૩૧-૩-૨૦૧૯ સુધી આપશે. માન.મુખ્યમંત્રીશ્રીએ ગાંધી ૧૫૦ની ઉજવણીના ભાગરૂપે રાજય સરકારની એમ.ડી.એ.યોજનાનું ૧૦% વળતર ઉત્પાદન ઉપર મળે છે તે અને બીજુ વધારાનું ૧૦% વળતર તા.૨-૧૦-૧૮થી તા ૩૧-૧૨-૧૮ સુધી ગ્રાહકોને આપવાનું નક્કી કર્યુ છે. તેનો આમા સમાવેશ થઇ જાય છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના ખાદી ચાહકો માટે અને કતિન-વણકરોની રોજી સુરક્ષિત અને વધારવા માટે આ રીબેટની જાહેરાત કરી છે તેથી ગુજરાતની તમામ ખાદી ગ્રામોદ્યોગનું કામ કરતી સંસ્થાઓ અને આ સંસ્થાઓનું રચાયેલ ફેડરેશન મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારનો આભાર પ્રદર્શિત કરે છે. સોૈરાષ્ટ્ર રચનાત્મક સમિતિના રાજકોટ, જામનગર, જેતપુર, જૂનાગઢ, વેરાવળ, માંગરોળ, જામખંભાળીયા, લીંબડી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ અને પાલનપુરના ભવન-ભંડારોમાંથી સુતી, રેશમ, અને ગરમ ખાદીની ખરીદી ઉપર આ વળતર અપાશે. અમને વિશ્વાસ છે કે રાજય સરકાર, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સહકારી અને શૈક્ષણિક સંસ્થાઓ, રાજકીય પક્ષો, નાગરિકો, વિદ્યાર્થી ભાઇઓ-બહેનો, નાના-મોટા ઓદ્યોગિક ગૃહો વિગેરે સોૈ અમારા ભવન-ભંડારો પરથી ખાદી ખરીદી આ રાષ્ટ્રીય વિચારને અનુમોદન કરશે.

એક રૂપિયાની ખાદી ખરીદશો તો તેમાંથી ૦.૨૫ પૈસા કપાસ ઉગાડનાર કિસાનોને મળશે, ૦.૫૦ પૈસા કતિન અને વણકરના ખીસ્સામાં જશે. અને ૦.૨૫ પેસા રંગાઇ-ધોલાઇ, ખાદી ઉત્પાદન વેચાણ કરનાર વગેરે આમાં રોકાયેલાને રોજી આપશે. આ એક રૂપિયામાં કોઇ ધનનો સંચય થશે નહિં. સમાન વિતરણ થશે. પર્યાવરણને કોઇ નુકશાન નહિં પહોંચે અને સોૈ કામ કરનાર હાથને કામ અને રોજી મળશે, તેમ અગ્રણીઓએ જણાવ્યું હતું.

ખાદીમાં પણ ડિઝાઇનર બહેનો પાસે વિશેષ કરીને બહેનોના પોષાક સિલાઇ કરાવીને અને નવા આકર્ષક બોક્ષ પેકીંગમાં નવી ડિઝાઇન સાથે મુકીએ છીએ. તેમાં સોૈરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સ્ફૂર્તિ ઉત્પાદનનાં પાંચ-છ કલરના ડેનીમ કલોથના પેન્ટ, કોટી પ્રખ્યાત છે. એપ્રિલ થી સપ્ટેમ્બર સુધીમાં જયારે ગાંધી જયંતિથી ૩૧ માર્ચ સુધી ખાદીના છુટક વેચાણ પુરતુ વિશેષ વળતર અપાતું નથી ત્યારે પણ સમિતિના ભવન-ભંડારોમાં આ ગાળામાં ૨૦% જેવું વેચાણ વધુ રહ્યું છે. તે બતાવે છે કે પર્યાવરણ મિત્ર ખાદી તરફ આમ જનતાનો જોક વધી ગયો છે. તેમાં પણ યુવાન ભાઇઓ-બહેનોની ખરીદી ૬૦ ટકા થી ૭૦ થી વધારે છે.

ગાંધી જયંતિને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેઓની માસિક 'મન કી બાત' માં અપીલ કરતા આગલા વર્ષે જણાવેલું છે કે, આગામી રજી ઓકટોબર મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ છે. સ્વચ્છ ભારત મિશન ને ચાર વર્ષ પુરા થાય છે. હું ગાંધી જયંતિથી દિવાળી સુધી ખાદીની કોઇ ને કોઇ ખરીદી કરવા આગ્રહ કરૃં છૂં. આ વખતે પણ મારો આગ્રહ છે કે દરેક પરિવારમાં કોઇ ને કોઇ ખાદીની ચીજ ખરીદાવી જોઇએ. તો જ ગરીબનાં ઘરમાં દિવાળીનો દિવો પ્રગટી શકે.

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સૌરાષ્ટ્ર - ગુજરાતમાં તેમના ખાદી ભવન અને ભંડારો દ્વારા સમિતિ દ્વારા ઉત્પાદન થતા રૂ. પ.પ૦ કરોડની ખાદી અને એટલી જ કિંમતના ગ્રામોદ્યોગના ન્હાવા-ધોવાના સાબુ, શેમ્પુ, લીકવીડ શોપ, ધાણીનું તેલ, મસાલા, સ્ટીલ વુડન ફર્નીચર અને અન્ય ઉત્પાદનો દ્વારા ર૦૦૦ થી વધુ લોકોને સ્વરોજીનું નિમિત બને છે. તેના ઉત્પાદન અને પ્રમાણિત બીજી ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાઓના ઉત્પાદનો સમિતિના ખાદી ગ્રામોદ્યોગ ભવન-ભંડારોમાં ઉપલબ્ધ છે. પ્રેમ અને ભાઇચારાના પ્રતિકરૂપ અને ગરીબી રેખા નીચે રહેલ વ્યકિતને દૈનિક રૂ. ૧૦૦ થી રૂ. ર૦૦ ની કમાણી આપતી ખાદી ખરીદો એવી અમારી જાહેર જનતાને અપીલ છે. રજી, ઓકટોબર ર૦૧૮ ના અમારા બધા જ ખાદી ભવન-ભંડારો ખૂલા રાખીને વેચાણ કરશે, દિવાળી સુધી સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૮.૩૦ વાગ્યા સુધી વેચાણ ચાલુ રહેશે. એવી જ રીતે દિવાળી સુધીમાં આવતા તા. ૭ અને ર૧ ઓકટોબર તેમજ ૪ નવેમ્બર રવિવારની સાપ્તાહિક રજાના દિવસોએ વેચાણ ચાલુ રાખશે. દશેરાએ સમિતિના અમદાવાદ વિભાગના તમામ ભંડારોમાં રજા રહેશે. જયારે સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના તમામ ભવન-ભંડારોનું કામકાજ ચાલુ રહેશે.

 સોૈરાષ્ટ્ર રચનાત્મક સમિતિએ સને ૨૦૧૭-૧૮ના વર્ષમાં રૂ.૭ કરોડના ખાદી વેચાણનો લક્ષ્યાંક રાખ્યો હતો. તેની સામે રૂ. ૬.૪૭ કરોડ ઉપર વેચાણ થયું છે. એ માટે અમે ખાદી ચાહક અને ખાદી પ્રેમી ગ્રાહકોના આભારી છીએ. સને ૨૦૧૮-૧૯માં અમારો લક્ષ્યાંક ૮.૦૦ કરોડ રૂપિયાના વેચાણનો રાખ્યો છે. તેમ જણાવીને અગ્રીણીઓએ ખાદી ખરીદવા અપીલ કરી હતી.(૧.૨૫)

(4:00 pm IST)