Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

પરસેવાનાં પૈસાને પર સેવામાં વાપરનાર શ્રેષ્ઠ હોય છેઃ પૂ.નમ્રમુનિ મ.સા.

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ના ૪૮મા જન્મોત્સવ નિમિતે માનવતા મહોત્સવમાં જૈનદર્શનના આગમ ગ્રંથો અને એનસાઈકલોપીડિયા સ્વરૂપ : જૈન વિશ્વકોશ ભાગ ૩-૪નું વિમોચનઃ સૌરાષ્ટ્રની જૈન શાળાના શિક્ષકોના સન્માન સાથે ૪૮ સંસ્થાઓને અનુદાન અર્પણ : સંઘ- સમાજ- ધર્મ પ્રત્યે યોગદાન આપનાર મહાનુભાવોને પરમ એવોર્ડઃ ૩૦ હજારથી વધુ સ્થા.જૈનોએ સંઘ જમણનો લાભ લીધો

રાજકોટ,તા.૧: રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ૪૮ માં જન્મોત્સવ નિમિતે છેલ્લા સાત દિવસથી રોયલપાર્ક ઉપાશ્રય જીવદયા અને માનવતાના સત્કાર્યોથી ધમધમી રહ્યો છે ત્યારે માનવતા મહોત્સવના અંતિમ દિવસે ડુંગર દરબારમાં એક સાથે ૭૫ સંત-સતીજીઓ તેમજ ચૈન્નઈ, હૈદરાબાદ, મુંબઈ, અમરાવતી,  કોલકાતા, અમદાવાદ, બરોડા તેમજ સૌરાષ્ટ્રનાં જામનગર, જૂનાગઢ, જેતપુર, ધારી, ગોંડલ, સાવરકુંડલા, વિસાવદર, અમરેલી, લાઠી, વેરાવળ જુનાગઢ આદિ અનેક અનેક ક્ષેત્રોથી પધારેલાં શ્રીસંઘો, શ્રેષ્ઠીવર્યો અને હજારોના માનવ મહેરામણે અત્યંત ભકિતભાવે રાષ્ટ્રસંત પૂજયશ્રીને જન્મદિવસે વંદના અને અભિવંદના અર્પણ કરી હતી.

રાષ્ટ્રસંત પૂજયશ્રીએ અત્યંત પ્રભાવક શૈલીમાં ફરમાવ્યું હતું કે, જન્મોત્સવનો આ અવસર સર્વના હદયમાં પ્રભુ ભકિત, માનવતા-પ્રેમ અને શ્રધ્ધાને જન્માવવાનો અવસર છે. દિવસ નામની દીવાસળી ધારે તો કોઈના જીવનમાં સુખ અને માનવતાનો દિપક પણ પ્રજવલિત કરી શકે છે અને ધારે તો કોઈના જીવનમાં દ્વેષ અને દુઃખનો ભડકો પણ સર્જી શકે છે. દીવાસળી તો એકની એક છે પરંતુ મગજના કોડિયામાં દ્યી છે કે કેરોસીન છે એનો લેબોરેટરીથી ટેસ્ટ કરાવવાનો આજનો અવસર છે.

આપણને મળેલાં આ હાથનો ઉપયોગ બીજાના અવગુણ અને ટીકા કરવામાં પણ વપરાઈ શકે છે અને ચાહે તો બીજાની સેવા કરવામાં પણ વપરાઈ શકે છે. થઈ શકે તો કોઈની હેલ્પ કરવી પરંતુ કોઈની હેટ કરીને એના તરફ આંગળી ચીંધવા માટે આ હાથનો ઉપયોગ ન કરવો, એ જ માનવતા મહોત્સવનો સંદેશ છે.

વિશેષમાં આ અવસરે ત્રણ તબક્કામાં મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની સંકલ્પ સિદ્ઘિ કરાવનારી વિશિષ્ટ જપ સાધના રાષ્ટ્રસંત પૂજયશ્રીના બ્રહ્મનાદથી વિશેષ પ્રકારના મંત્રોચ્ચાર સાથે કરાવવામાં આવતા સમગ્ર સમુદાય જપ સાધનામાં લીન તલ્લીન બની ગયો હતો. સાધનાથી અભિમંત્રિત મંગલકુંભને ઘરે લઈ જવાનો લાભ કાંતિભાઈ શેઠ, નટુભાઈ શેઠ,  કેતનભાઈ મહેતા, રશ્મિકાંતભાઈ દેસાઈ, કલ્પેશભાઈ દડીયા આદિ અનેક ભાવિકોએ લીધો હતો.

આ ઐતિહાસિક ચાતુર્માસના ઉપલક્ષે રાષ્ટ્રસંત પૂજયશ્રીના જન્મોત્સવ નિમિતે આયોજિત શ્રી સમસ્ત રાજકોટ સ્થા.જૈન સંઘોના સામુહિક સંઘ જમણ - સાધર્મિકોને ભોજન કરવાનો લાભ લેનારા પ્રમુખ લાભાર્થી મુંબઈથી  પધારેલાં  કમલેશભાઈ ઠોસાણીનું તેમજ સંઘજમણ મંડપના અન્ય લાભાર્થીનંુ ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું.

સંઘ-સમાજ અને ધર્મ પ્રત્યે તન-મન અને ધનથી અનન્ય યોગદાન પ્રદાન કરનાર એવા મુંબઈની લીલાવતી હોસ્પીટલના ટ્રસ્ટી શ્રી રેખાબેન શેઠ, શેઠ બિલ્ડર્સ ગ્રુપના ચેરમેન શ્રી મુકેશભાઈ શેઠ, અમદાવાદની શેલબી હોસ્પીટલના ડો. શ્રી વિક્રમભાઈ શાહ, ટ્રાન્સમીડિયાના શ્રી જાસ્મીનભાઈ શાહ, ચેન્નઈના અનન્ય ગુરૂભકત શ્રી હિતેનભાઈ કામદાર, સુરતના સુવિખ્યાત શ્રી સવજીભાઈ ધોળકિયા, રીલાયન્સના શ્રી પરિમલભાઈ નથવાણી, લંડનના શ્રી નટુભાઈ શાહ અને ચેન્નઈના શ્રી જય અસવાણીની સમાજ- સંઘ પ્રદાનની શ્રેષ્ઠ ભાવનાની અનુમોદના કરતા આ અવસરે તેમને પરમ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

વિશેષ રૂપે આ અવસરે પ્રથમવાર સમગ્ર સૌરાષ્ટ્રની જૈન શાળામાં બાળકોને ધર્મનું જ્ઞાન શીખવી સંસ્કાર આપનાર જ્ઞાનદાતા શિક્ષકોનું સન્માન દરેકને દ્રવ્યથી તેમજ સોનાની ગીની અર્પણ કરીને કરવામાં આવતા જ્ઞાનદાનની અનુમોદના કરવામાં આવી હતી. આ અવસરે સૌરાષ્ટ્રભરની ૪૮ સંસ્થાઓના પદાધિકારીઓને રૂ.૪૮૦૦૦ નો ચેક અર્પણ કરીને માનવતાના એક મહાકાર્યના મંડાણ થયા હતાં.

માનવતા મહોત્સવના આ અવસરે રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબને ઉપસ્થિત રહેનારા સંઘોએ ભાવભરી વિનંતિ કરતા સંત-સતીજીઓના ૨૦૧૯ના આગામી ચાતુર્માસ રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે જાહેર કર્યા હતાં. ચાતુર્માસની ઉદઘોષણા સાથે દરેક સંઘના અગ્રણીઓએ પોતાના સંઘમાં પધારનાર સર્વ સંત-સતીજીઓની સંપૂર્ણ સેવા અને વૈયાવચ્ચ કરવાની શપથવિધિ કરી હતી. શપથ ગ્રહણ કર્યા બાદ અહોભાવપૂર્વક રાષ્ટ્રસંત પૂજયશ્રીના કરકમલમાં શપથપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રસંત પૂજયશ્રીની પેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા રસ્તે રઝળતાં અસ્થિર મગજના તિરસ્કૃત એવા ગરીબ લોકોને સહારો આપવા માટેના ''સહારો'' પ્રોજેકટના પ્રારંભની આ અવસરે ઘોષણા કરવામાં આવતા સમગ્ર વાતાવરણ સંવેદનશીલ બની ગયું હતું.

આ અવસરે રાષ્ટ્રસંત પુજયશ્રીની પ્રેરણાથી  જૈન દર્શનના સમગ્ર ઇતિહાસને વણી લેતા, જૈન દર્શનની નાનામાં નાની વિગતોને આવરતા જૈન એનસાઈકલોપીડિયા સ્વરૂપ ''જૈન વિશ્વકોશ'' ગ્રંથ તેમજ સૌરાષ્ટ્ર કેસરી ગુરૂ પ્રાણ આગમ બત્રીસીની ચતુર્થ આવૃત્તિનું વિમોચન કરવામાં આવતાં જ્ઞાનપ્રેમી સમાજ ખૂબ જ ઉલ્લાસિત થયો હતો. વિમોચનની આ હારમાળામાં પૂજયશ્રીના શાસન સેવા અને માનવતાના સત્કાર્યોનું દર્શન કરાવતા 'ગુરૂદેવ શ્રી' મહાગ્રંથનું વિમોચન  કરવામાં આવ્યું હતું. વિવિધ મિશનના સભ્યોએ પ્રદક્ષિણા વંદના કરીને આ મહાગ્રંથને ગુરૂ ચરણમાં અર્પણ કર્યો હતો.

શ્રી બૃહદ રાજકોટ સ્થા. જૈન સંઘો તરફથી ઈશ્વરભાઈ દોશી, પ્રવીણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠે સહુનું ભાવભીનું સ્વાગત અને શુભેચ્છા ભાવ પ્રગટ કર્યા હતું. એ સાથે જ, અનન્ય ગુરૂભકત  હેમાબેન હિતેનભાઈ કામદારે અત્યંત અહોભાવ પૂર્વક રાષ્ટ્રસંત પૂજયશ્રીને શાલ અર્પણ કરતાં સમગ્ર સમુદાયમાં જયકાર ગૂંજી ઉઠ્યો હતો

ઉપસ્થિત હજારોના સમુદાયને શાક પુરી અને ગુલાબજાંબુની પ્રભાવનાના બોકસ ગરીબ સાધર્મિકને આપવા માટે આપવામાં આવતા માનવતાના આ મહોત્સવમાં એક ઓર સત્કાર્ય ઉમેરાયું હતું. સમસ્ત રાજકોટના ભાવિકોના સંઘ જમણનો લાભ રેસકોર્ષના પુણ્યા નગરીમાં હજારો ભાવિકોએ લઈ સ્થાનકવાસી જૈન સમાજની એકતાનું દર્શન કરાવેલ.

ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારના સંત- સતીજીઓનું આગામી ૨૦૧૯નું ચાતુર્માસ જાહેર

માનવતા મહોત્સવના અવસરે રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.દ્વારા

રાજકોટઃ રાજકોટના શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના આંગણે, ડુંગર દરબારના પ્રાંગણે ગુજરાતરત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ એવમ્ રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે માનવતા મહોત્સવના અવસરે રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબને ઉપસ્થિત રહેનારા ૬૦ સંઘોએ ભાવભરી વિનંતિ કરતા તેમાંથી  ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારના સંત-સતીજીઓના ૨૦૧૯ના આગામી ચાતુર્માસની રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે ઉદઘોષણા કરતાં લાભાર્થી ભાગ્યશાળી સંઘો દ્વારા સર્વત્ર જય-જયકાર છવાઈ ગયો હતો.

(૧) ગુજરાતરત્ન  પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ ઠાણા ૧ - શ્રી મનહર પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ, (૨) રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ઠાણા ૫ - શ્રી પારસધામ - કોલકત્તા, (૩)પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજી, પૂજય શ્રી સુનિતાબાઈ મહાસતીજી - શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, (૪)પૂજય શ્રી તરૂલતાબાઈ મહાસતીજી, પૂજય શ્રી જશુબાઈ મહાસતીજી - શ્રી બોરિવલી સ્થાનકવાસી જૈન સંઘ, (૫)પૂજય શ્રી ભદ્રાબાઈ મહાસતીજી – શ્રી બેંક કોલોની સ્થાનકવાસી જૈન સંઘ, જામનગર, (૬) પૂજય શ્રી સરલાબાઈ મહાસતીજી - શ્રી વડિયા સ્થાનકવાસી જૈન સંઘ, (૭) પૂજય શ્રી વીરમતિબાઈ મહાસતીજી - શ્રી વિલેપાર્લે સ્થાનકવાસી જૈન સંઘ, (૮) પૂજય શ્રી મિનળબાઈ મહાસતીજી - શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન સ્થાનકવાસી જૈન સંઘ, (૯) પૂજય શ્રી મનિષાબાઈ મહાસતીજી - શ્રી ધારી સ્થાનકવાસી જૈન સંઘ, (૧૦) પૂજય શ્રી હસ્મિતાબાઈ મહાસતીજી - શ્રી સાવરકુંડલા સ્થાનકવાસી જૈન સંઘ, (૧૧) પૂજય શ્રી કિરણબાઈ મહાસતીજી - શ્રી યોગીનગર સ્થાનકવાસી જૈન સંઘ, (૧૨)પૂજય શ્રી રૂપાબાઈ મહાસતીજી - શ્રી વેરાવળ સ્થાનકવાસી જૈન સંઘ, (૧૩)પૂજય શ્રી પૂર્વીબાઈ મહાસતીજી - શ્રી મીરારોડ સ્થાનકવાસી જૈન સંઘ, (૧૪)પૂજય શ્રી પુનિતાબાઈ મહાસતીજી - શ્રી કોલકત્તા સ્થાનકવાસી જૈન સંઘ, (૧૫) નવદીક્ષિત મહાસતીજીઓ - શ્રી કોલકત્તા સ્થાનકવાસી જૈન સંઘ સંત-સતીજીઓના ચાતુર્માસ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના આગાર સાથે સર્વ ઉપકારી ગુરૂદેવોના ભાવ સ્મરણ સાથે સર્વ ક્ષેત્રના ભાવિકોમાં ધર્મની અભિવૃદ્ઘિ થાય તેવા આશિર્વાદની યાચના અને ભાવિકોના હર્ષોલ્લાસથી  જય-જયકારના ગુંજતા નાદ સાથે જાહેર થયાં હતાં.

ચાતુર્માસની ઉદઘોષણા સાથે દરેક સંઘના અગ્રણીઓએ પોતાના સંઘમાં પધારનાર સર્વ સંત-સતીજીઓની સંપૂર્ણ સેવા અને વૈયાવચ્ચ ભકિતભાવ પૂર્વક કરવાની શપથવિધિ કરી હતી. શપથ ગ્રહણ કર્યા બાદ શપથપત્રને સંઘના અગ્રણીઓએ અહોભાવપૂર્વક રાષ્ટ્રસંત પૂજયશ્રીના કરકમલમાં અર્પણ કર્યું હતું.

(3:47 pm IST)