Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

રાજકોટ જિલ્લામાં ખેતીમાં નુકશાનીના સર્વે માટે ૩૦થી વધુ ટીમો ઉતારાશે

કપાસ-મગફળી વગેરેને નુકશાન વગેરેને નુકશાન અંગે સરકારને અહેવાલ અપાશે : હાલ એક પણ ગામ અછત કે કિસાન સહાય યોજનાના લાભ પાત્ર નહિ

રાજકોટ, તા., ૧: જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી આર.આર. ટીલવાએ ભારે વરસાદથી જિલ્લાના ગામોમાં ખેડુતોને ખેતીમાં થયેલ નુકશાનીના સર્વે માટે ૩૦ થી વધુ  ટુકડીઓની રચના કરી છે. જયાં ખેતરોમાં પાણી નથી ત્યાં સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. બાકીના વિસ્તારોમાં પાણી ઉતર્યા પછી સર્વે કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે મગફળી, કપાસ અને તલીનું વાવેતર થયું છે. ઓગષ્ટ ઉતરાર્ધના ભારે વરસાદથી થયેલ નુકશાનીનો સર્વે કરી સરકારને મોકલવામાં આવશે. સહાય અંગેનો નિર્ણય સરકાર કરશે.

રાજકોટ જિલ્લામાં પ૯પ જેટલા ગામો આવેલા છે. ૧૦ ટકા જેટલા વિસ્તારમાં વરસાદથી વાવેતરને નુકશાન થયાનો પ્રાથમિક અંદાજ છે. સર્વે થયા બાદ સાચો આંકડો સામે આવશે. તલાટી, સરપંચ, વિસ્તરણ અધિકારી વગેેરેને આ કામગીરીના સંકલનમાં રાખવામાં આવશે. દરેક તાલુકામાં ૧૦ ઇંચથી વધુ નુકશાન થઇ ગયું હોવાથી એકેય તાલુકામાં અછતનો લાભ મળવા પાત્ર નથી. કિસાન સહાય યોજના માટે ૪૮ કલાકમાં ૨૫ ઇંચ કે તેથી વધુ વરસાદ પડયો હોય તો અતિવૃષ્ટિ ગણી સહાય મળી શકે. રાજકોટ જિલ્લાના કોઇ ગામમાં આ વ્યાખ્યામાં આવતી અતિવૃષ્ટિ થયેલ નથી. સરકાર સર્વે પછી કઇ રીતે લાભ આપે છે તે જોવાનું રહયું.

જિલ્લામાં પડધરી, ગોંડલ, ઉપલેટા, ધોરાજી, કંડોરણા વગેરે વિસ્તારોમાં તાજેતરના વરસાદથી વાવેતરને વ્યાપક નુકશાન થયાના વાવડ છે.

(3:19 pm IST)