Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

વધુ ને વધુ ટેસ્ટીંગ કરાવો, ડરો નહિ : ડો.જયંતિ રવિ

શહેરના ત્રણ વોર્ડમાં ઓચિંતુ ચેકીંગઃ સિવિલના કોવિડ સેન્ટરમાં પણ અનેક સુચનો આપ્યાઃ મેડિકલ કોલેજમાં ખાસ બેઠક : મ્યુ. કમિશ્નર, ડે. કમિશ્નર સહિતના અધિકારીઓ સવારથી આરોગ્ય સચિવની સાથે વિસ્તારમાં: વોર્ડ ૧, ૯ અને ૭માં ટેસ્ટીંગ, સર્વેલન્સ સહિતની કામગીરી નિહાળી સુચનાઓ આપીઃ સિવિલ હોસ્પિટલમાં કોવિડ સામેથી બે ૧૦૮ તાકીદે દૂર કરાવી, પોઝિટિવ પેશન્ટને મુકવા આવતી એમ્બ્યુલન્સને તુરત રવાના કરવા સુચનો

જયંતિ રવિ કોવિડમાં અને શહેરના વોર્ડમાં: આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ આજે શહેરના અલગ-અલગ ત્રણ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે જોડાઇને કોવિડને લગતી કામગીરી નિહાળી સુચનાઓ આપી હતી અને લોકોને વધુ ને વધુ રિપોર્ટ કરાવવા અનુરોધ કર્યો હતો જે નીચેની તસ્વીરોમાં જોઇ શકાય છે. એ પછી તેઓ સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં પહોંચ્યા હતાં તેની તસ્વીરો (ઉપર) જોઇ શકાય છે.

રાજકોટ,તા.૧: શહેરમાં કોરોના કહેર વધ્યો છે. રોજબરોજ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે આરોગ્ય સચિવ ડો.જયંતી રવિ ગઇકાલથી પાંચ દિવસ રાજકોટની મુલકાતે આવ્યા છે. આ વખતે એક અઠવાડીયા સુધી રોકાણ કરી તબક્કા વાઇઝ અલગ અલગ તંત્રવાહકો સાથે કોરોના સંદર્ભે બેઠકો યોજી વિવિધ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. આજે ડો. જયંતિ રવિએ શહેરના ત્રણ વોર્ડની મુલાકાત લઇ મ્યુ. કોર્પોરેશન તંત્ર તથા આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાની થઇ રહેલી કામગીરી નિહાળી હતી. તેમણે લોકોને વધુ ને વધુ ટેસ્ટ કરાવવા અને ડર નહિ રાખવા અનુરોધ કર્યો હતો.

આજે સવારથી મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ,  ડે.કમિશ્નર ચેતન નંદાણી, ડે. કમિશનર સિંઘ સહિતનાં અધિકારીઓ, આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સર્વે હાથ ધરાયો હતો. આ કામગીરીનું આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ નિરક્ષિણ કરી જરૂરી સુચના આપી હતી.

 આ ઉપરાંત બપોરે અચાનક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને અનેક મહત્વના સુચનો આપ્યા હતાં. ત્યારબાદ મેડિકલ કોલેજ ખાતે કલેકટર, ડીન, તબિબી અધિક્ષક સહિતની સાથે કલાકો સુધી ગુપ્ત બેઠક યોજી હતી. કોવિડ હોસ્પિટલ સામે બે ૧૦૮ ઉભી હોઇ તેને તાકીદે રવાના કરાવવા સુચન કર્યુ હતું. તેમજ પાછળના ભાગેથી મૃતદેહો લઇ જતી એમ્બ્યુલન્સને પણ લાંબો સમય ઉભી ન રાખવા અને ફટાફટ મૃતદેહને અંતિમવિધી માટે મોકલવાની વ્યવસ્થા કરાવવા પણ સુચનો આપ્યા હતાં.

રાજકોટમાં છેલ્લા એક મહિનામાં ૭૦ થી ૯૦ ની સરેરાશથી કેસ આવ્યા છે. આવતીકાલથી અનલોક-૪ પણ શરૂ થઇ રહ્યુ છે ત્યારે આ બાબતે ધ્યાને રાખી ડો.જયંતી રવિ કલેકટર, મ્યુ.કમિશ્નર તથા સિવિલનાં સતાધીશો, જીલ્લા આરોગ્ય તંત્ર સાથે તબક્કા વાઇઝ કોરોનાના વધતા કેસ, ખાનગી કોવીડ હોસ્પિટલો, ધનવંતરી રથ, દવાઓ સહિતની બાબતો અંગે સમીક્ષા બે દિવસથી કરી રહ્યા છે.

મનપાના સુત્રોના જણાવ્યા મુજબ આજ સવારથી ડો. જયંતિ રવિએ શહેરના વોર્ડ નં. ૧ના ગાંધીગ્રામ તેમજ વોર્ડ નં. ૯ અને વોર્ડ નં. ૭માં રૂબરૂ મુલાકાત લઇ કોરોના સંદર્ભે કોર્પોરેશન તંત્ર દ્વારા થઇ રહેલી ટેસ્ટીંગ, સર્વેલન્સ સહિતની કામગીરી નિહાળી હતી અને ખાસ સુચનાઓ આપી હતી. લોકોને પણ ગભરાયા વગર ટેસ્ટીંગ કરાવવા અનુરોધ કર્યો હતો.

આ પછી બપોરે ડો. જયંતિ રવિ સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતાં અને બાદ મેડિકલ કોલેજ ખાતે કલેકટર રેમ્યા મોહન, ડીન ડો. ગોૈરવી ધ્રુવ, તબિબી અધિક્ષક ડો. પંકજ બુચ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જે બપોરના અઢી સુધી સતત ચાલુ હતી. અંદર મિડીયાને નો-એન્ટ્રી હોઇ શું ચર્ચાઓ થઇ તે જાણવા મળ્યું નથી.

કેન્સર રિસર્ચ સેન્ટરમાં ર૦૦ બેડની હોસ્પીટલ પુનઃ જીવિત થશે

રાજકોટની આરોગ્ય સેવા સદ્રઢ બનાવવા સરકારમાં ધડાધડ નિર્ણયોઃ નવી પાંચ ૧૦૮ એમ્બ્યુલન્સ આવી ગઇ હજુ ૧૦ નવી આવશેઃ કલેકટર તંત્રની જાહેરાત

રાજકોટ તા. ૧: શહેરને આરોગ્ય સેવા વધુ સુદ્રઢ બનાવવા રાજયસરકારે કેટલાક મહત્વનાં નિર્ણયો લેવાયા છે. જેમાં ર૦૦ બેડની હોસ્પીટલ, નવી ૧૦૮ એમ્બ્યુલન્સનો ઉમેરા સહિતનાં પગલા લેવાયા છે.

આ અંગે કલેકટર કચેરીનાં સતાવાર સુત્રોમાં જણાવ્યા મુજબ શહેરનાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલ કેન્સર રિસર્ચ સેન્ટરમાં ર૦૦ બેડની હોસ્પીટલ કાયમી ધોરણે ઉભી કરાશે.

આ ઉપરાંત શહેરમાં વધુ ૪ નવી ૧૦૮ એમ્બ્યુલન્સનો ઉમેરો કરાયો છે અને આવતાં દિવસે વધુ ૧૦ ૧૦૮ રાજકોટને ફાળવાશે. આમ રાજકોટમાં કાયમી ધોરણે આરોગ્ય સેવા વધુને વધુ સુદ્રઢ બને તે માટે સરકાર દ્વારા કેટલાક મહત્વનાં નિર્ણયો લેવાશે તેમ કલેકટર કચેરીનાં સુત્રોએ જણાવેલ.

(3:16 pm IST)