Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

જેમ પક્ષમાં દમ રહ્યો નથી તેમ કોંગી નેતાઓની વાતમાં પણ કોઇ દમ નથીઃ ભંડેરી-ભારદ્વાજ

રસીકરણમાં ગુજરાત સરકારની કામગીરીની આખા દેશે નોંધ લીધી, તો રસીના બગાડમાં કોંગ્રેસ-શાસિત રાજયો મોખરે છે

રાજકોટ : રસીકરણમાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ હોવાના રાજકોટ કોંગ્રેસી નેતાએ હેમાંગ વસાવડા, અશોક ડાંગર, પ્રદીપ ત્રિવેદી, ગાયત્રીબા વાઘેલા, ભાનુબેન સોરાણી, મહેશ રાજપૂત વગેરેના આક્ષેપને પાયાવિહોણા અને પૂર્ણગ્રહયુકત ગણાવતા ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી તેમજ ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની રસીકરણ ઝૂંબેશને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી હૃદયપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. બાવન મિલીયન રસીકરણમાં વિક્રમજનક દેખાવ નોંધાવવા સહિત સૌથી વધુ રસી આપવામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર છે ત્યારે રસીકરણમાં સરકાર નિષ્ફળ હોવાની વાત કોંગ્રેસ કરી પોતાની મંદબુધ્ધિનું પ્રદર્શન કરી રહી છે. જેમ કોંગ્રેસ પક્ષમાં દમ રહ્યો નથી તેમ કોંગ્રેસી નેતાઓની વાતમાં પણ કોઇ દમ નથી.

તર્ક વિનાના તુકકાઓ કરી કોંગ્રેસી નેતાઓ મીડિયા અને માણસોનો સમય બગાડી રહી છે તેમજ સૌને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કોંગ્રેસને વાંધો એ છે કે, વેકિસન ભારતીય છે, બેય વેકિસન અંગે ભ્રમ ફેલાવવામાં કોંગ્રેસી નેતાઓએ કંઇ બાકી રાખ્યું નથી. રસીકરણમાં ગુજરાત સરકારની ઉમદા કામગીરીની આખા દેશએ નોંધ લીધી છે, બીજી તરફ રસીનાં બગાડમાં કોંગ્રેસ શાસિત રાજયો મોખરે છે.

શ્રી ભંડેરી - શ્રી ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં કોવિડ સાર્વજનિક રસીકરણ તા. ૧ લી માર્ચથી શરૂ થયેલું જેને આજે ચાર માસ પુરા થયા છે. ૩૦ મી જૂન સુધી ભારતમાં ૩૩.પ૪ કરોડ કોરોના રસીના ડોઝ અપાયા છે. એટલે સમગ્ર દેશમાં લગભગ ૩૭.રપ ટકા લોકોને એક અથવા બે ડોઝ અપાયા. એ જ રીતે ગુજરાતમાં ૩૦ મી જુન સુધીમાં ૪૧ ટકા લોકોને રસીના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ  માટે પાત્રતા ધરાવતા કુલ ૪,૯૩,ર૦,૯૦૩ લોકોમાંથી ૪૦.૭૭ ટકા એટલે કે ર કરોડ ૬૧ હજાર રપપ લોકોને અત્યાર સુધીમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. ગુજરાતમાં પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા ૩૦ મી સાંજ સુધીમાં બે કરોડ પાર કરી ગઇ છે. ઉપરાંત પ૬ લાખ ૧૬ હજાર ૭૩૬ લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે. કોરોના રસીકરણ વધુ ઝડપી બને તે માટે વિવિધ સંસ્થાઓને પણ કોરોના વેકિસનેશન કેમ્પ યોજવાની મંજૂરી આપવામાં જ આવેલી છે. વેપારીઓને કોરોના રસી લેવાની મુદતમાં પણ દસ દિવસની છૂટ આપવામાં આવી છે. દસ જુલાઇ સુધીમાં  તમામ વેપારીઓ ભાઇઓ-બહેનો ઝડપથી રસી મુકાવે તે તેમની ભલાઇ માટે છે.રાજયમાં ૩૦ જૂનના દિવસે ર લાખ ૮૪ હજાર ૧રપ લોકોને કોરોના રસીથી સાંકળી લેવામાં આવ્યા છે. આમ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશા દર્શનમાં રાજય સરકારના આરોગ્ય વિભાગના સૌ કર્મીઓએ લોકોને કોરોના વેકસીનેશન આપવા માટે આદરેલી ઝૂંબેશના પરિણામે ૩૦ જૂન સુધીમાં ર કરોડ પ૬ લાખ ૭૭ હજાર ૯૯૧ લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

કોંગ્રેસ પહેલા કહેતી હતી કે, સરકાર કોરોના કેસના આંકડા છૂપાવે છે અને હવે કહે છે કે, કોરોના વેકિસનના આંકડા છૂપાવે છે. કોરોના રસી આવી ત્યારે કોંગ્રેસ કહેતી હતી કે, કોરોના રસી સુરક્ષિત નથી અને હવે કહે છે કે, કોરોના રસીની અછત છે. જયારે  હકિકત એ છે કે, ભાજપની પારદર્શક અને નિર્ણાયક સરકારે કોરોનાને લગતી વિગતો કે આંકડાઓ કયારેય છૂપાવ્યા નથી. કોરોના કેસ અને કોરોના વેકિસનને લગતી તમામ માહિતી તથા આંકડાઓ સરકારની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. કોરોના વેકિસન લેવાની તમામ પ્રક્રિયા પારદર્શી છે અને દુનિયાના અન્ય દેશો પણ ભારતમાં કોરોના રસી આપવાની પ્રક્રિયાને અનુસરી રહ્યા હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(3:40 pm IST)