Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

ભુખ લાગતાં પંજાબી ફૂડવાળાને કહ્યું વાસણ સાફ કરીશ, જમાડો...ના પાડતાં ચોરી કરી

મા-બાપે કાઢી મુકયો, માસીએ પણ ન સાચવ્યો...પેટનો ખાડો પુરવા સગીર ખોટા રસ્તે ચડ્યો! : અગાઉ પણ એક વખત આવી ભુલ કરી હતીઃ ટોળાએ પકડી ધોકાવતાં સુધરી જઇ મજૂરીએ વળગી ગયો'તોઃ ફરીથી મજબૂરીએ ગુનાખોરી તરફ વાળી દીધાનું રટણઃ ચોરાયેલી રકમ ૧.૯૦ લાખ કબ્જે : કોઠારીયા રોડની શાળામાં થયેલી ફીની રકમની ચોરીનો ભેદ ઉકેલાયોઃ એએસઆઇ સી. એમ. ચાવડા, કરણભાઇ મારૂ અને અશોકભાઇ ડાંગરની સફળ બાતમી

રાજકોટ તા. ૧: 'સાહેબ મેં જ ચોરી કરી છે, પણ શું કામ કરી એ તો સાંભળો...મા-બાપે કાઢી મુકયો છે, માસીએ પણ જાકારો દીધો...ભુખ લાગતાં હું જમવા માટે ભટકતો હતો. કોઠારીયા રોડ પર એક પંજાબી ફૂડની લારી વાળાને કહ્યું કે મને જમાડો, હું તમારી લારીના વાસણ સાફ કરી દઇશ...પણ તેણે પૈસા વગર કાંઇ ન મળે તેમ કહી તગેડી મુકતાં આગળ ગયો હતો અને નિશાળે તાળુ લટકતું જોતાં તેમાં ચોરી કરવા ઘુસી ગયો હતો...મજબૂર હતો, સાહેબ'...આ વાત કરી હતી કોઠારીયા રોડ પર આવેલી માતુશ્રી વિદ્યા મંદિર શાળામાંથી સ્કૂલ ફીની રકમ રૂ. ૧,૯૦,૦૦૦ તથા પ હજારનો મોબાઇલ ફોન ચોરી કરનાર સગીરે. ક્રાઇમ બ્રાંચે ચોરીનો ભેદ ઉકેલી સગીરને પકડી તેની પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને આજીડેમ પોલીસને સોંપ્યો છે.

શનિવારે આજીડેમ પોલીસ મથકમાં શાળામાંથી ચોરી થયાનો ગુનો નોંધાયો હતો. આ ચોરીમાં ક્રાઇમ બ્રાંચના એએસઆઇ સી. એમ. ચાવડા, કરણભાઇ મારૂ, અશોકભાઇ ડાંગરને બાતમી મળતાં સગીરને પીડીએમ કોલેજ પાછળ ડી માર્ટ નજીકથી પકડી લેવાયો હતો. પ્રારંભે તો તેણે આનાકાની કરી હતી. પરંતુ વિશેષ પુછતાછમાં તેણે ગુનો કબુલ્યો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએઅસાઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ બીપીનદાન ગઢવી, સી.એમ. ચાવડા, હેડકોન્સ. સંતોષભાઇ મોરી, જયંતિભાઇ ગોહિલ, અંશુમનભા ગઢવી, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, કરણભાઇ મારૂ, અશોકભાઇ ડાંગર સહિતે આ કામગીરી કરી હતી.

સગીરે શા માટે ચોરી કરી? તેના જવાબમાં એવી કથની વર્ણવી હતી કે તેને માતા-પિતાએ કાઢી મુકયો હોઇ રખડતું જીવન જીવે છે. છુટક મજૂરી કરી લે છે. અગાઉ પણ એક વખત ચોરી કરી હતી. તેમજ અન્ય એકવાર ચોરીનો પ્રયાસ કરતાં પકડાઇ જતાં લોકોએ ધોલધપાટ કરી હતી. એ પછી મજૂરીએ વળગી ગયો હતો. હાલમાં ઘરેથી કાઢી મુકાયા પછી જમવાના પણ પૈસા નહોતાં. કોઠારીયા રોડ પર એક ફાસ્ટફૂડ વાળાની લારીએ જઇ પોતે વાસણ સાફ કરી દેશે, કામ કરશે...તેમ કહી જમવા માંગવા છતાં નહિ અપાતાં આગળ વધ્યો હતો અને બંધ નિશાળ દેખાતા ચોરી કરી હતી.

(4:13 pm IST)