Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

ચાર સોની વેપારી સાથે ઠગાઇ કરવાના ગુનામાં ૭ વર્ષથી ફરાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ પાલા પકડાયો

'સોનાનો ધંધો કરૂ છુ' કહી નાગેશ્વર ફલેટમાં પાડોશી વિજયસિંહને સોનુ ખરીદવાના બહાને ૧.૭પ લાખ ખંખેર્યા'તાઃ ચાર સોની વેપારીને પણ ૬પ.૮૩નો ધૂંબો માર્યો'તોઃ ફરલો સ્કવોડની ટીમે સોની શખ્સને મેઘપરથી દબોચ્યો

રાજકોટ તા. ૧ :.. ગાંધીગ્રામ વિસ્તારમાં નાગેશ્વર ફલેટમાં પાડોશીને સોનું ખરીદવાના બહાને રૂ. ૧.૭પ લાખની અને સોની બજારમાં ચાર સોની વેપારી સાથે જાંગડમાં સોનાનો માલ વેચવાના બહાને નમુના લઇ જઇ રૂ. ૬પ,૮૩,૭૧૧ ની છેતરપીંડી આચરવાના ગુન્હામાં સાત વર્ષથી ફરાર સોની શખ્સને પેરોલ ફરલો સ્કવોડની ટીમે લાલપુરના જોગવડ ગામેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા એસીપી જયદીપસિંહ સરવૈયાએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપતા પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ બી. કે. ખાચરના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, બકુલભાઇ વાઘેલા, બાદલભાઇ દવે, હેડ કોન્સ. દીગ્વીજયસિંહ જાડેજા, મધુકાંતભાઇ, ધિરેનભાઇ, મયુરસિંહ, મહંમદ અઝરૂદીન, જયપાલસિંહ, જયદેવસિંહ, જગદીશભાઇ, તથા કિશોરદાન સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે ધર્મેન્દ્રસિંહ, બકુલભાઇ, દીગ્વીજયસિંહને મળેલી બાતમીના આધારે વિશ્વાસઘાત, છેતરપીંડીના  ગુનામાં સાત વર્ષથી ફરાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ રતીલાલ પાલા (ઉ.૪૬) (રહે. જોગવડ ગામ રાણીશીપ  વિસ્તાર ગીતાબા દરબારના મકાનમાં ભાડેથી આશાપુરા હોટલ પાછળ, તા. લાલપુર, જામનગર) ને જોગવડ ગામ પાસેથી ઝડપી લીધો હતો. પકડાયેલો જીતેન્દ્ર ઉર્ફે જીતુ પાલા સાત વર્ષ પહેલા ગાંધીગ્રામ  નાગેશ્વર ફલેટમાં રહેતો હતો. અને ત્યારે તે જ એપાર્ટમેન્ટમાં રહેતા વિજયસિંહ અમરસિંહ ઠાકોરને પોતે સોનાનો ધંધો કરે છે. તેમ કહી વિશ્વાસમાં લઇ રૂ. ૧.૭પ લાખનું સોનું ખરીદ કરવા જણાવી તે રૂપિયા લઇ અને વિજયસિંહને સોનું આપેલ પરંતુ વિજયસિંહ પાસે જે તે વખતે લોકરમાં જગ્યા ન હોઇ, જેથી જીતેન્દ્ર ઉર્ફે જીતુએ પછી સોનું આપશે તેમ કહી સોનું પરત ન કરી છેતરપીંડી કરી ભાગી ગયો હતો આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ થઇ હતી.

જયારે અન્ય બનાવમાં સાત વર્ષ પહેલા સોની વેપારી જીજ્ઞેશભાઇ રજનીકાંતભાઇ શાહ (ઉ.૪૩) (રહે. પ્રહલાદ પ્લોટ-૩), રજનીકાંતભાઇ ચુનીલાલભાઇ લોઢીયા, સમીરભાઇ પ્રફુલભાઇ પાલા તથા ભરતભાઇ ચુનીલાલભાઇ નાંઢા નામના વેપારીઓની દુકાનેથી સોનાનો માલ જાંગડમાં વેચાણ તેમજ વેચાણ માટે નમુના બતાવવા માટે લઇ જવાનું કામ કરતો હતો. ત્યારે જીતેન્દ્ર ઉર્ફે  જીતુ અને તેની પત્ની વેપારીઓ પાસેથી રૂ. ૬પ,૮૩,૭૧૧ ની કિંમતના સોનાના દાગીના લઇ જઇ વિશ્વાસઘાત છેતરપીંડી આચરી હતી. 

આ અંગે ર૦૧૩ માં એ. ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે. પકડાયેલો જીતેન્દ્ર ઉર્ફે જીતું રાજકોટથી ભાગીને જોગવડ ગામમાં રહી સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.

(4:08 pm IST)