Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

દસ્તાવેજ ઓનલાઇન નોંધાશેઃ સબ રજીસ્ટ્રાર કચેરીએ થોડીવાર માટે જ રોકાણ

નોંધણી પ્રક્રિયામાં ધરખમ ફેરફારો માટે સૂચનો માંગતા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ દિનેશ પટેલ : એકાદ મહિનામાં જ અમલઃ પક્ષકારોએ અગાઉથી મળેલ સમય મુજબ જ કચેરીએ જવાનું રહેશેઃ સમય બચશે, સરળતા વધશે

રાજકોટ તા. ૧ :.. દસ્તાવેજ નોંધણી પ્રક્રિયામાં ધરખમ ફેરફારો સાથે સરળતા લાવવા રાજયના સ્ટેમ્પ્સ અધિક્ષક અને નોંધણી સર નિરીક્ષક શ્રી દિનેશ જી. પટેલે ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો તેમજ નાગરીકો પાસેથી સૂચનો માંગ્યા છે. તેમણે આ અંગે તમામ જિલ્લામાં પત્ર લખ્યો છે. સરકાર ટૂંક સમયમાં દસ્તાવેજ નોંધણી પ્રક્રિયા ઓન લાઇન કરવા માંગે છે. દસ્તાવેજ કરાવવા ઇચ્છતા અરજદારે ઓનલાઇન અરજી કરી સાથે જરૂરી દસ્તાવેજી કાગળો સ્કેન કરીને મોકલવાના રહેશે. સબ રજીસ્ટ્રાર કચેરી દ્વારા દસ્તાવેજ માટે ઓનલાઇન જ સમય અપાશે. તે સમયે દસ્તાવેજ માટે જરૂરી લોકોએ લાગુ પડતી સબ રજીસ્ટ્રાર કચેરીએ જવાનું રહેશે. ત્યાં દસ્તાવેજમાં દર્શાવેલ કાગળોના ઓરીજનલ તપાસવા સહિતની કામગીરી થશે. પક્ષકારોને સબ રજીસ્ટ્રાર કચેરીએ ગણતરીની મીનીટો માટે જ રોકાવુ પડશે. કચેરી પરની ગીર્દી ઘટી જશે. દસ્તાવેજ પ્રક્રિયા સાથે સંકળાયેલા લોકોનો સમય બચશે. સમગ્ર પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે તેવી સરકારને આશા છે.

શ્રી દિનેશ પટેલે પત્રમાં જણાવ્યુ છે કે દસ્તાવેજ નોંધણીનો મૂળભુત હેતુ નાગરિકોને દસ્તાવેજ મુજબના વ્યવહારો થયાની જાહેરાત સાથે ભરોસાપાત્ર માહિતી પુરી પાડી, દસ્તાવેજોના ખરાપણાની ખાત્રી અને અધીકૃતતા આપી, નકલી દસ્તાવેજોથી થતી છેતરપીંડી અટકાવી, આમ જનતાને સુરક્ષા આપવાનો છે.

વર્ષો દહાડે અંદાજીત ૫૦ લાખ જેટલા લોકો સબ રજીસ્ટ્રાર કચેરી અને નાયબ કલેકટર (સ્ટેમ્પ ડયૂટી મૂલ્યાંકન તંત્ર)ની કચેરીઓની મુલાકાત લે છે.

આ કચેરીઓની મુલાકાત લેતા નાગરિકોને યોગ્ય સુવિધા મળે, તેમની કામગીરી સરળતાથી અને ઝડપભેર થાય, તે અંગેના કાયદા-નિયમો-ઠરાવો સ્પષ્ટ અને સરળ હોય, તે હેઠળની જોગવાઇઓની અમલવારી રાજ્યભરમાં યોગ્ય અને એક સરખી રીતે થાય તથા દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ટયૂટી મુલ્યાંકનની કામગીરી પારદર્શક અને જવાબદેયી બને તે ખૂબ જ જરૂરી છે. આ માટે કાયદા-નિયમો ઠરાવોની જોગવાઇઓ અને કચેરીની કાર્યપધ્ધતિ તથા સુવિધાનો સમયાંતરે અભ્યાસ કરી, તેમાં સમયને અનુરૂપ સુધારા,વધારા,ફેરફાર કરવા આવશ્યક બને છે. આથી દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડયૂટી મુલ્યાંકન તંત્રની કચેરી, તેની કામગીરી અને કાર્યપધ્ધતિ સાથે પ્રત્યક્ષ/પરોક્ષ રીતે સંકળાયેલ સહુ કોઇને દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રની કામગીરી, કચેરી વ્યવસ્થા અને સુવિધા, કાર્યપધ્ધતિ, ટેકનોલોજી અને કાયદા-નિયમ-ઠરાવમાં જાહેર જનતા તથા સરકાર એમ બંનેના હિતમાં આજના સમયને અનુરૂપ કરવાપાત્ર સુધારા વધારા ફેરફાર સુચવવા માટે વિનંતી તેમ તેમણે જણાવ્યુ છે.

હાલની નોંધણી પ્રક્રિયા, સ્ટેમ્પ ડયુટી દર, સ્ટેમ્પ પેપર વેચાણ, રીફંડ, મિલકતની બજાર કિંમત નકકી કરવાની પધ્ધતિ વગેરે બાબતે સૂચનો આવકાર્ય છે.

કોઇપણ નાગરિક પોતાના સૂચનો પ જૂન સુધીમાં નજીકની સબ રજીસ્ટ્રાર કચેરી, સ્ટેમ્પ ડયુટી ડેપ્યુટી કલેકટરની કચેરી અથવા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસ, સ્ટેમ્પ અને નોંધણી ભવન, ખ-પ સર્કલ પાસે, સેકટર ૧૪ ગાંધીનગર -૧૬ ખાતે લેખિતમાં મોકલી શકે છે. વોટસઅપ નંબર ૯૮૭૯પ પ૧૭પ૧ ઉપર પણ મોકલી શકાય છે.

અધિક્ષક શ્રી દિનેશ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં ઉપરોકત મુદાઓનો ઉલ્લેખ કરી આવતા એકાદ મહિનામાં જ દસ્તાવેજ નોંધણી ફરજીયાત ઓનલાઇન કરવાની તૈયારીનો  નિર્દેષ કર્યો હતો. 

ઇ-મેઇલ : 

stampd-gnr@gujarat.gov.in  

(4:08 pm IST)