Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

આઇ.એ.એસ.કક્ષાએ એકાદ મહિનામાં બદલીની તૈયારીઃ બંછાનીધિ પાની સહિતના અધિકારીઓ બદલાશે

રાજકોટ, તા., ૧: લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પુરી થતા ફરી વહીવટી કામગીરીથી સચિવાલય ધમધમવા લાગ્યું છે. આઇએએસ, જીએએસ, આઇપીએસ વગેરે કક્ષાએ આવતા દિવસોમાં મોટા પાયે બદલી થવા પાત્ર છે. સનદી અધિકારીઓની બદલી માટે વહીવટી કક્ષાએ પ્રાથમિક કામગીરી શરૂ થઇ ગઇ છે. એકાદ મહિનામાં જ બદલીનો ઘાણવો નીકળે તેવા નિર્દેશ છે.  રાજકોટમાં છેલ્લા અઢી વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા મ્યુનિસીપલ કમિશનર બંછાનીધી પાનીની બદલી નિશ્ચિત માનવામાં આવે છે. કલેકટર રાહુલ ગુપ્તા સવા વર્ષથી રાજકોટમાં ફરજ પર છે. તેમની બદલીની શકયતા નકારાતી નથી.

દર વર્ષે સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનામાં બદલી થતી હોય છે. આ વખતે ર૬ મે સુધી આચારસંહિતા અમલમાં હતી હવે સરકારને બદલીનો મુદ્દો હાથ પર લેવાનો સમય મળ્યો છે. આચારસંહિતા પુરી થયા પછી તુરત બદલીનો ઘાણવો નિકળે તેવી ધારણા હતી પરંતુ સરકાર બહુ ઉતાવળ કરવા માંગતી નથી.ે અછતના દિવસો પુરા થવા તરફ છે. પાણીની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીને બદલીને નવા અધિકારીને મુકવાથી પરિસ્થિતિનો અભ્યાસ કરતા વાર લાગે તેથી હાલ સરકારની ગણતરી એકાદ સારો વરસાદ થઇ જાય પછી બદલીના ઘાણવા કાઢવાની છે. એકાદ મહિનામાં વહીવટી તંત્રમાં મોટા ફેરફારો થાય તેવી શકયતા સરકારના ટોચના વર્તુળો દર્શાવી રહયા છે.

સચિવ, કલેકટર, ડીડીઓ વગેરે કક્ષાએ બદલીઓ અસર કરશે. અમુક ડીડીઓને ૩ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. તેને કલેકટર કક્ષાની જગ્યા પર નિમણુંક અપાશે. આઇએએસ કેડરના ૬ જેટલા મદદનીશ કલેકટરો હવે ડીડીઓ કક્ષાએ નિમણુંક પાત્ર બન્યા છે. અમુક અધિકારીઓની ઇચ્છા મુજબ અને અમુકની સરકારની જરૂરીયાત મુજબ બદલી થશે.

(4:07 pm IST)