Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

બોર્ડમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન સંપન્નઃ પ્રેરણાદાયી પ્રવચન

પૂ. યશોવિજયજી તથા સ્વામી નિખીલેશ્વરાનંદજીની નિશ્રામાં:નેમ આર્ટસ કલ્ચર કનેકટ અને રામકૃષ્ણ આશ્રમના સંયુકત ઉપક્રમે અનોખુ આયોજન યોજાતુ

રાજકોટઃ ૧૨૫ વર્ષ પહેલા ૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે અને જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે વીરચંદ રાઘવજી ગાંધી એક જ મંચ પર ઉપસ્થિત હતા. બુધવારે પણ રાજકોટના શ્રીરામ કૃષ્ણ આશ્રમના વિવેક હોલ માં સ્વામી નિખિલેશ્વરાનંદજી અને જૈન ધર્મના આચાર્ય પરમ પૂજય શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજ સાહેબ બંને એક મંચ પર ઉપસ્થિત હતા અને તેઓએ વિદ્યાર્થીઓને પડકારોનો સામનો વિષય પર માર્ગદર્શન આપ્યું હતું.

  આચાર્ય શ્રી એ પોતાના વકતવ્યમાં વિવિધ ક્ષેત્રમાં  સફળ થયેલા અને અભ્યાસમાં પ્રારંભમાં કોઈકને કોઈક રીતે નિષ્ફળ ગયેલા વ્યકિતઓના ઉદાહરણો ટાંકયા હતા.  એક વખત બારમા ધોરણમાં નિષ્ફળ નિવડેલ અને બેંગકોકની હોટલમાં વેઇટર તરીકે નોકરી કરનાર યુવક સો કરોડની સંપત્ત્િ। વારંવાર મેળવે અને છતાં લોકપ્રિય હોય એવા અક્ષય કુમાર, મહાન વૈજ્ઞાનિકો થોમસ આલ્વા એડિસન આલ્બર્ટ આઈન્સ્ટાઈન લૂઈ પાશ્ચર વગેરેના ઉદાહરણો ટાંકયા હતા. જે લોકોને નાનપણમાં અભ્યાસમાં નિષ્ફળતા મળી હતી અનેક વૈજ્ઞાનિક પ્રયોગો મા નિષ્ફળતા મળી હતી છતાં પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા અને સફળતાના શિખરો સર કર્યા.

સ્વામી નિખિલેશ્વરાનંદજી એ અલીબાબા ડોટ કોમ ના સ્થાપક જેક મા ,એપલના સ્થાપક  સ્ટીવ જોબ્સ,અને માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ ની શૈક્ષણિક કારકિર્દીની નિષ્ફળતાઓ અને ત્યારબાદ મળેલી વ્યવસાયિક સફળતા ની વિગતો આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

 આ કાર્યક્રમમાં ભૂતકાળમાં બારમા ધોરણમાં એક વિષયમાં ફેલ થયેલા પરંતુ રામકૃષ્ણ આશ્રમ ના યુથ સ્ટડી સર્કલ માં રહીને સતત અભ્યાસ કરી હાલ પ્રબળ પુરૂષાર્થ વડે રહેવર સ્કૂલ સ્થાપનારા જયરાજસિંહ રેવર અને ભૂતકાળમાં  બારમા ધોરણમાં ઓછા પર્સન્ટેજ ધરાવનાર  પરંતુ હાલ વિવેકાનંદ ઇન્સ્ટિટયૂટ ના સ્થાપક અતુલભાઇ બળદેવ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પરમાણુ એકેડેમીના મોહિત ભાઈ નથવાણી દ્વારા આ બધા જ વિદ્યાર્થીઓ ને ફ્રી ઓફ ચાર્જ કોચિંગ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે આયોજક મનીષભાઈ પારેખે જણાવ્યું હતું કે જયારથી ધોરણ ૧૦ ૧૨ ના નપાસ  વિદ્યાર્થીઓના સન્માનના સમાચાર મીડિયા દ્વારા દેશભરમાં પહોંચ્યા છે ત્યારથી સતત ગામેગામથી લોકોએ ફોન કરીને વિદ્યાર્થીઓની આ સમસ્યા ને વાચા આપવા બદલ અને આ પ્રકારના અભિગમ  બદલ અભિનંદન પાઠવ્યા હતા   સમાચાર વાંચીને મુંબઈથી ડોકટર કામદાર અને શૈલેષભાઈ શાહ બંનેએ આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવા વિનંતી કરી હતી. જેથી વધુમાં વધુ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે.  

સંગીતકાર શાંતિલાલ રાણીગા એ જણાવ્યું હતું કે, તેમના સુપુત્ર ધોરણ ૧૨ના  અભ્યાસ છોડીને ૩૦ વર્ષ પહેલા મુંબઈમાં સંગીતકાર તરીકે પોતાનું નસીબ અજમાવવા પહોંચી ગયા હતા. અને એ ક્ષેત્રમાં પ્રબળ પુરુષાર્થ અને મહેનત દ્વારા એ મુકામ પર પહોંચી ગયા છે કે સમગ્ર વિશ્વ એ તેમની નોંધ લેવી પડે.તાજેતરમાં અભિનેતા સંજય દત્ત્।ના જીવન પર બનેલી ફિલ્મ સંજુ અને ૩ idiots ના બેકગ્રાઉન્ડ મ્યુઝીક જેમનું હતું, એવા એ સંગીતકાર એટલે રાજકોટના પનોતાપુત્ર અતુલ રાણીંગા.

 કાર્યક્રમ નો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવ્યો હતો .સ્વાગત પ્રવચન દરમિયાન સ્વામી વેદનિષ્ઠાનંદજી એ વિદ્યાર્થીઓ વાલીઓ અને ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા . સમગ્ર કાર્યક્રમનું સંચાલન  આયોજક સંસ્થા ઙ્ગનેમ આર્ટસ કલ્ચરલ કનેકટના સ્થાપક મનીષભાઈ પારેખે કર્યું હતું ,આભાર વિધિ ગૌરવભાઈ દોશીએ કરી હતી.

 વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના પુસ્તકો, પ્રેરણાદાયી સુત્રો ધરાવતું ડેસ્ક કેલેન્ડર, ફુલ  સ્કેપ બુક અને યશોવિજય સુરીશ્વરજી ના પુસ્તક પોલીસી ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ બધાને આશ્રમ તરફથી ચા નાસ્તા નો પ્રસાદ આપવામાં આવ્યા હતા. 

(4:04 pm IST)