Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

કલાકારોને પ્રોત્સાહીત કરવા રાજય સરકાર ઉત્સુક : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

રાજકોટ ખાતે તા.૩ સુધી ચાલનારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ચિત્ર પ્રદર્શનને ખુલ્લું મુકતા શિક્ષણમંત્રી

રાજકોટઃ તા.૧, રાજકોટ ખાતે શ્રી શ્યામા પ્રસાદ આર્ટગેલેરી, રેસકોર્સ ખાતે યોજાયેલ ચિત્ર-ફોટો શિલ્પ ક્રાફટસ જેવા વિવિધ માધ્યમોમાં ભારતનાં સિધ્ધહસ્ત ૨૦૦ કલાકારોના હસ્તે તૈયાર થયેલી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પર વિષયાંકન કરેલ ૯૦૦ કૃતિનું પ્રદર્શન રાજયના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ખુલ્લુ મૂકયું હતું.

શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કલાકારોને શુભેચ્છા પાઠવીને કહયું હતું કે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું કદ ખૂબ વધી ગયુ છે. અને નરેન્દ્રભાઇ ગુજરાતના છે તેનું આપણને સવિશેષ ગૌરવ છે. તેઓ હંમેશા સૌ માટે પ્રેરણા સ્ત્રોત્ર રહયા છે.  મંત્રીશ્રીએ વધુમાં કહયું હતું કે સંગીત, કલા, રમત એ જન્મજાત આવડત છે. માતા પિતા અથવા સ્વયં રૂચી કેળવી વ્યકિત સારા કલાકાર, ખેલાડી, સંગીતકાર બની શકે છે. કલા અને કલાકારોને પ્રોત્સાહીત કરવા રાજય સરકાર ઉત્સુક છે. કલાકારોને કદરરૂપે રાજય સરકાર દ્વારા સહાય અપાય છે. જેથી તેમને આગળ વધવાનું પ્રોત્સાહન મળશે.

 સૌરાષ્ટ્ર-કચ્છના ભાજપના પ્રવકતા  શ્રી રાજુભાઇ ધ્રુવે કહયુ હતું કે, ગાંધીજી પછી લોકમત કેળવનાર, પ્રજામાં લોકપ્રિય થનાર નેતા નરેન્દ્રભાઇ મોદી છે. તેમના ચિત્રો કલાકારો અને લોકોને પ્રેરણા આપે છે. ગુજરાત કલાક્ષેત્રે અગ્રીમ હરોળમાં આવે તે માટે રાજય સરકાર હકારાત્મક છે.

 આ પ્રદર્શનમાં યુ.પી. મહારાષ્ટ્ર, રાજસ્થાન,  છતીસગઢ,  દિલ્હી, મધ્યપ્રદેશ, તેમજ ગુજરાત માંથી રાજકોટ, ભાવનગર, જામનગર,  પોરબંદર, જુનાગઢ, ગોંડલ, અમદાવાદ, ધોરાજી,  બોટાદ, ગાંધીનગર, સુરત,વાપી,આણંદ,ભૂજ,સુરેન્દ્રનગર, મોરબી,ધાંગધ્રા, ઉના,વગેરેના કાલાકારોએ પોતાની કૃતિ પ્રદર્શીત કરેલ છે.

 આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કમલેશભાઇ મિરાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, નાગદાનભાઇ ચાવડા, રીવાબા જાડેજા, રામભાઇ મોકરીયા ડો. યોગરાજસિંહ જાડેજા, નારી શકિતના તૃપ્તીબા રાઓલ, કલાકારો તથા કલાપ્રેમીઓ ઉપસ્થિત રહેલ

 આ કાર્યક્રમમાં ભારતભરના કાલાકારોને પ્લેટફોર્મ મળી રહે તે માટે આયોજકો સર્વશ્રી  ડો. અજયભાઇ જાડેજા, ચિત્રકાર ડો.અશોક પટેલ અજયભાઇ ચૌહાણ તથા ડો. અમિતભાઇ માણેકે જહેમત ઉઠાવી હતી.  (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪૦.૧૦)

(4:03 pm IST)