Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

સોમવારે સ્ટેન્ડીંગની બેઠકઃ વૃક્ષારોપણ માટે ૬ હજાર ટ્રી-ગાર્ડની ખરીદી

ત્રણ મહિના બ્રેક બાદ વિકાસ કામો વેગવંતા બનશે... : રેસકોર્ષમાં ગારો-કિચડ નહી થાય પેવિંગ બ્લોક નંખાશેઃ લાલપરી, રાંદરડા તળાવના ડેવલપમેન્ટ માટે કન્સલ્ટન્ટઃ શહેરના ૬ રાજમાર્ગો પર ગેન્ટ્રી બોર્ડ નંખાશે તંત્રને ૫૦ લાખથી વધુની વાર્ષિક આવક થશેઃ ચેરમેન ઉદય કાનગડ દ્વારા વિકાસ કાર્યોને લીલીઝંડી અપાશે

રાજકોટ, તા. ૧ :. લોકસભાની ચૂંટણીની આચારસંહિતાને કારણે છેલ્લા ત્રણેક મહિનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં વિકાસ કામોની દરખાસ્તોને મંજુરી આપી શકાતી ન હતી. દરમિયાન હવે આચારસંહિતા પૂર્ણ થયા બાદ આગામી સોમવારને તા. ૩ના રોજ બપોરે ૧૨ વાગ્યે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડે કમિટીની બેઠક બોલાવી છે. આ બેઠકમાં કરોડોની દરખાસ્તો અંગે નિર્ણયો લેવાશે.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટીનો જે એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે તેમા રહેલી કુલ ૪૪ જેટલી દરખાસ્તો પૈકી કેટલીક મહત્વની દરખાસ્તોનો નિર્ણય લેવાશે. જેમાં આગામી ચોમાસાની ઋતુમાં વૃક્ષારોપણ માટે ૬૦૦૦ જેટલા ટ્રીગાર્ડ પ્રતિ નંગ રૂ. ૧૦૯૧ના ભાવથી ખરીદવાની દરખાસ્ત વોર્ડ નં. ૨મા આવેલ શિતલ પાર્કનો જામનગર રોડને જોડતો જે ૧૮ મીટર ટીપી રોડ છે તેને ડેવલપમેન્ટ કરવાની દરખાસ્ત તેમજ આ વોર્ડમાં આવેલ અન્ય ૧૫ મી., ૧૨ મી., ૯ મી. વગેરે ટીપી રોડને ડેવલપ કરવા માટેની દરખાસ્ત છે. જ્યારે શહેરીની ભાગોળે આવેલ કુદરતી સૌંદર્યથી ભરપૂર લાલપરી રાંદરડા તળાવનું ડેવલપમેન્ટ કરવા માટે ખાસ કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની દરખાસ્ત અને શહેરના હાર્દસમા રેસકોર્ષમાં ક્રિકેટ સ્ટેડીયમ સામે આવેલ ચબુતરા પાસે જે ખુલ્લી જગ્યા છે તેમા ચોમાસામાં ગારો-કીચડ કે ગંદકી ન ફેલાય તે માટે પેવિંગ બ્લોક નાખવાની દરખાસ્ત આ તમામ દરખાસ્તોને ચેરમેન ઉદય કાનગડ લીલીઝંડી આપશે.

ડ્રેનેજ અને રસ્તા સહિતના ઝોનલ કોન્ટ્રાકટો અપાશે

જ્યારે આ સ્ટેન્ડીંગ કમિટીમાં આગામી ૨૦૨૦-૨૧ એમ બે વર્ષ માટે રસ્તાના ઝોનલ કામનો કોન્ટ્રાકટ ડ્રેનેજના ઝોનલ કામનો કોન્ટ્રાકટ અને પાણીની લાઈનોના રીપેરીંગના ઝોનલ કામના કોન્ટ્રાકટો તેમજ મેશનરી કામના ઝોનલ કોન્ટ્રાકટો વગેરે મંજુર કરવા પણ નિર્ણય લેવાશે.

૬ સ્થળે ગેન્ટ્રી બોર્ડ નખાશે

સોમવારે મળનાર સ્ટેન્ડીંગ કમિટીમાં શહેરના ૬ રાજમાર્ગો ઉપર ગેન્ટ્રી બોર્ડ એટલે કે રસ્તાની વચ્ચોવચ્ચ ઉંચાઈ ઉપર નાખવામાં આવતા જાહેર ખબરના હોર્ડિંગ્સ બોર્ડનો કોન્ટ્રાકટ વિવિધ એજન્સીઓને આપવાની દરખાસ્ત છે. જેમાં મોરબી રોડ ઉપર (૧) અમદાવાદ બાયપાસ રોડ સર્કલે ૬.૧૨ લાખના વાર્ષિક ભાડાથી ધ સંદેશ લી. (૨) ગોંડલ રોડ જૂના જકાતનાકા પાસે ૪.૪૪ લાખના વાર્ષિક ભાડાથી ધ કેમ્પેઈન એડ. (૩) કાલાવડ રોડ સોની સેન્ટર પાસે ૧૨.૯૯ લાખના વાર્ષિક ભાડાથી ચિત્રા (બી.) પબ્લિસીટી કાું. (૪) બહુમાળી ભવન ચોક, નર્મદા ડેમ મોડલ પાસે ૬.૯૬ લાખના વાર્ષિક ભાડાથી ચિત્રા (બી.) પબ્લિસીટી કાું. (૫) એરપોર્ટ રાજકૃતિ એપાર્ટમેન્ટ પાસે ૩.૪૦ લાખના વાર્ષિક ભાડાથી કામદાર એડ. (૬) કાલાવડ રોડ જૂના જકાતનાકા પાસે ૯.૧૭ લાખના વાર્ષિક ભાડાથી સાકેત એડવર્ટાઈઝીંગ એન્ડ માર્કેટીંગ વગેરેને ૨૦૨૪ સુધીનો ગેન્ટ્રી બોર્ડનો કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત છે. જેમાં દર વર્ષે ભાડામાં ૬ ટકાનો ભાવ વધારો તંત્રને આપવાનો રહેશે. આમ પ્રથમ વર્ષે ઉપરોકત ગેન્ટ્રી બોર્ડથી કોર્પોરેશનને ૫૦ લાખથી વધુની આવક થશે.

(3:58 pm IST)