Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

વિના કારણે પત્નીનો ત્યાગ કરનાર પતિને માસીક ર૪ હજારનું ભરણપોષણ ચુકવવા ફેમેલી કોર્ટનો આદેશ

ર૦૧૪ થી ચડત થયેલ અત્યાર સુધીની ૧૪ લાખ ૪૦ હજારની રકમ પતિએ ચુકવવી પડશે

રાજકોટ, તા. ૧ : પત્નીએ કરેલ ભરણપોષણના કેસમાં માસીક રૂ.ર૪૦૦૦/ ભરણપોષણ પેટે ચૂકવવા પતિ વિરૂદ્ધ ફેમીલી કોર્ટે હુકમ ફરમાવીને તેણીના પતિને આજદીન સુધીની ચડત ભરણપોષણની રકમ રૂ. ૧૪,૪૦,૦૦૦/- એક માસમાં ચૂકવી આપવી તેવો કોર્ટે હુકમ કર્યો હતો.

આ અરજીની ટુંક વિગત એવી છે કે, અત્રે રાજકોટ રહેતા આ કામના અરજદાર નિર્મળાબેન ગોવિંદભાઇ સંઘાણીએ મુ. માધાપર (કચ્છ-ભુજ) રહેતા. આ કામના સામાવાળા ગોવિંદભાઇ લાલજીભાઇ સંઘાણી (પતિ) વિરૂદ્ધ ક્રી.પો.કોડ એકટની કલમ ૧રપ નીચે ભરણપોષણ મેળવવા એડવોકેટ અલ્પેશ પોકીયા મારફત ફેમીલી કોર્ટમાં અરજી કરેલ હતી. આ કામના અરજદાર તથા તથા સામાવાળાના લગ્ન તા. ૭-૮-ર૦૦૮ના રોજ રાજકોટ મુકામે થયેલા અને સહલગ્નજીવન વિતાવવાની શરૂઆત મુકામે સામાવાળા સાથે માધાપર મુકામે સામાવાળા સાથે માધાપર મુકામે કરેલી ત્યારબાદ લગ્નજીવનના થોડા સમય બાદ સામાવાળા દ્વારા અરજદારને શારીરિક માનસીક ત્રાસ આપવા લાગેલા તેમજ અનેકવાર બંનેના કુટુંબીજનો દ્વારા સમાધાન પણ કરવામાં આવેલ હોવા છતા સામાવાળાઓના વાણી, વર્તન, વ્યવહારમાં કોઇ પણ જાતનો ફેરફાર પડેલ ન હોય તેથી અરજદાર તેમના પીયર રીસામણે ચાલ્યા ગયેલા હતા.

આ સમયગાળા દરમ્યાન સામાવાળા દ્વારા અરજદારની ભરણપોષણની કોઇ જવાબદારી સામાવાળાએ નિભાવી ન હોઇ તેથી અરજદારે કોર્ટ સમક્ષ સદરહું કાયદા અન્વયે અરજી કરેલ હતી.

અરજદાર તરફે સરકારી તેમજ અર્ઘસરકારી બેંકોના સાહેદો, તેમજ પ્રોપર્ટીને લગત વીગતો રેકર્ડ પર લાવવા માટે વીવીધ સાહેદો તપાસેલ હતા. જેમા સામાવાળા માધાપર મુકામે આવેલ અલગ અલગ બેંકો મા ખાતા ધરાવે છે તેમજ એસ.બી.આઇ., એન.આર.આઇ શાખામા જી.બી.પી. (ગ્રેટ બ્રીટન પાઉન્ડ)મા સારી એવી માતબર રકમો ડીપોઝીટ કરાવેલ હોવાનુ ફલીત થયેલ હતુ.

અરજદારના એડવોકેટ અલ્પેશ પોકીયાએ દલીલમા જણાવેલ કે સામાવાળાએ વીના કારણે પત્નીનો ત્યાગ કરેલ છે, જે હીકકત રેકર્ડ પર આવેલ છે, તેથી અરજદાર ભરણપોષણ મેળવવા કાયદેસર હકદાર બને છે, સામાવાળા અલગ અલગ ધંધાકીય વ્યવહાર કરતા હોય, સામાવાળા આર્થિક રીતે સધ્ધર હોવાની હકીકતો રેકર્ડ પર આવેલ છે, જેથી અરજદાર સામાવાળાની સમકક્ષ જીવન જીવી શકે તે માટે યોગ્ય ભરણપોષણની રકમ મંજુર કરવા વીગેરે અરજદારના એડવોકેટ અલ્પેશ પોકીયાએ અરજી અન્વયે રેકર્ડ પર આવેલ પુરાવા સંદર્ભેની મૌખીક દલીલો કરીને, અરજદારને ભરણપોષણ ચુકવવા સંદર્ભેની દાદો અપાવવા રજુઆતો કરવામાં આવેલ હતી. આમ અરજદારના એડવોકેટ અલ્પેશ પોકીયાની દલીલો ગ્રાહય રાખી ફેમીલી કોર્ટએ અરજદારની અરજી મંજુર કરી ભરણપોષણ પેટે મુળ અરજી દાખલ તારીખ ૨૧-૮-૧૪ થી અરજદાર નિર્મળાબેન સંઘાણીને માસીક રૂ.૨૪૦૦૦ નિયમીત સામાવાળા ગોવીંદભાઇ સંઘાણીએ ચુકવવા તેવો હુકમ આ કામના અરજદારની તરફેણમા કરેલ હતો. જે મુજબ ૧૪ લાખથી વધુ રકમ ચડત થતા કોર્ટે રકમ ચુકવવા હુકમ કરેલ છે.

આ કેસમા અરજદાર નિર્મળાબેન સંઘાણી વતી રાજકોટની પી એન્ડ આર લો ચેમ્બરના એડવોકેટ અલ્પેશ વી.પોકીયા, વંદના એચ.રાજયગુરૂ, અમીત વી.ગડારા, ભાર્ગવ જે.પંડ્યા, કેતન જે. સાવલીયા, પરેશ મૃગ, રીતેષ ટોપીયા, મોહીત રવીયા વીગેરે રોકાયેલ હતા.

(3:55 pm IST)