Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

સોમવારે શનિજયંતિ

વ્યકિત જેવું કર્મ કરે તેવો ન્યાય કરે છે, તેવું ફળ પ્રદાન કરે છે શનિદેવ

નીલાંજન સમાભાસં રવિ પુત્રમ યમાગ્રજં છાયા માર્તંડસંભુતમ તં નમામિ શનૈશ્ચરમ

વિક્રમ સવંત ૨૦૭૫ ના વૈશાખ માસમાં આવતી અમાવસ્યાનો દિવસ એટલે નવગ્રહમાં ન્યાયના અધિપતિ શનિદેવની ઉપાસનાનો દિવસ એટલે શનિ જયંતિ, આ દિવસે પૃથ્વી પર સાક્ષાત દર્શન આપતા સૂર્યનારાયણ દેવ તથા માતા છાયાના ઘરે પુત્ર શનિનો જન્મ થયો હતો, ત્યારથી આ દિવસને શનિ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભકતો આ દિવસે ખુબ શ્રદ્ઘાપૂર્વક શનિદેવના મંદિરે જઈ શીશ નમાવી અઢળક આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

તમામ નવગ્રહોમાં શનિદેવને ન્યાયના અધિપતિ તેમજ કર્મફળ દાતા માનવામાં આવે છે. ન્યાયના સિંહાસનનું પદ સ્વયં ભગવાન શિવે એટલે કે દેવાધિદેવ મહાદેવે આપ્યું છે. કર્મફળ દાતા એટલા માટે કે શનિદેવનો ન્યાય એમ કહે છે જયારે તમારો સમય સારો હોય ત્યારે થોડો પણ રૂપિયો દાન, પુણ્ય કે ધાર્મિક કાર્યમાં ઉપયોગ કરવો જોઈએ. સારા સમય દરમ્યાન કોઈ એવા સારા કર્મ નથી કર્યા માટે એની પ્રતીતિ કરાવા અર્થે શનિદેવ એ પ્રકારની પીડા આપી યોગ્ય ન્યાય આપે છે. અને તે મનુષ્યને સુવર્ણસમાન એકદમ ચળકાટ ભર્યો તથા નિખાલસ હૃદયવાળો બનાવી જીવનનું તમામ  સુખ આપે છે.શનિદેવની ઉપાસનાથી ગૃહકલેશનો નાશ થાય છે.

શની જયંતીના આ પાવન તથા પવિત્ર દિવસે વહેલી સવારે ઉઠી નાહિ ધોઈ, સ્વચ્છ વસ્ત્રો પહેરી શનિદેવના મંદિરે જવું, સાથોસાથ તલનું તેલ, કાળાતલ, અડદ, કાળું પીસ(વસ્ત્ર), આંકડાની માળા, રૂ ની વાટ, નાનું કોડિયું સાથે લઇ જવું. આ બધી વસ્તુ ભગવાનને ભાવપૂર્વક અર્પણ કરવી. ઉપરાંતમાં આ દિવસે પીપળાના ઝાડને પાણી રેડવું, રૂની વાટ સાથે તેલનો દીવો પીપળાના ઝાડ નીચે કરવાથી કોઈપણ પ્રકારનો દોષ હોય તો તે દુર થાય છે. સાથોસાથ આ દિવસે હનુમાનજીને પણ તેલ ચડાવવાથી શનિદેવ ખુબ પ્રસન્ન થાય છે.

શનિ જયંતિના આ શુભ દિવસે કયું કર્મ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે તેના વિષે જાણીએ તો શનિદેવના ક્રમશઃ દસ નામ છે કોણસ્થ, પિંગલ, બભુ, કૃષ્ણ, રોંદ્રાંતક, યમ, સૌરી, શનૈશ્વર, મંદ, પિપ્પલાશ્રય, એમ આ દસેદસ નામનું સ્મરણ કરવાથી શનિદેવનો અનેરો આશીર્વાદ મળે છે, જે કોઈ પણ મનુષ્યને શનિદેવની અંતરદશા, મહાદશા તેમજ સાડાસાતી ચાલતી હોય તે સમય દરમ્યાન શનિદેવના ''ઓમ શં શનૈશ્ચરાય નમઃ'', ''ઓમ સૂર્યપુત્રાય નમઃ'' નામના બીજમંત્રની ઉપાસના કરવી, શનિ ચાલીસા વાંચવી. જીવનની દરેક કઠણાઈનો સામનો કેવી રીતે કરવો તેની ક્ષમતા મળે છે તથા ધંધાકીય એકમમાં કોઈપણ બાધા કરતુ પરિબળ હોય તો તેનો નાશ થાય છે. ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ''ઓમ નમઃ શિવાય''ની ઉપાસનાથી શનિદેવનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

ન્યાયના અધિપતિ , કર્મફળ દાતા શનિદેવની ક્ષમાનો પણ એક મંત્ર છે,

।। અપરાધસહસ્ત્રાણીક્રીયન્તેહર્નીશં મયા, દાસોયમિતિ માંમત્વાક્ષમસ્વ પરમેશ્વર

ગતં પાપં ગતં દુઃખં ગતં દારિદ્રયમેવ ચ આગતા સુખ સંપતિ પુણ્યોહમ તવ દર્શનાત।।

ક્ષમા પ્રાર્થનાના આ મંત્રની ઉપાસના કરવાથી શનિદેવ દરેક મનુષ્યના જીવન દરમ્યાનના જે કાઈ પાપકર્મ, અપરાધ હોય તેમાંથી મુકિત આપે છે, અને દુઃખ તથા દરિદ્રતાનો નાશ કરી , આવનારા આગળના સમયમાં સુખ, શાંતિ, સંપતિ અને ખુબ સમૃધ્ધિ આપે છે.

ન્યાયના દેવ , કર્મફળ દાતા શનિ જયંતિનો આ દિવસ ખુબ જ ફળદાયક છે. વિશેષમાં આ દિવસે દેવાધિદેવ મહાદેવ તથા અંજનીપુત્ર હનુમાનજીની ઉપાસના કરવાથી શનિદેવ ખુબ પ્રસન્ન થાય છે. આ દિવસે બ્રાહ્મણને, સાધુને તથા ભિક્ષુકને ભોજન કરાવી દાન  કરવું. લુલા-લંગડા લોકોની સેવા કરવાથી શનિદેવના અનેરા આશીર્વાદની પ્રાપ્તિ થાય છે જીવનના દુઃખો તથા પીડામાંથી મુકિત મળે છે અને શનિદેવાના આટલું કર્મ કરવાથી શનિદેવ અત્યંત પ્રસન્ન થાય છે. ઓમ શનિદેવાય નમઃ(૩૦.૮)

લી.શાસ્ત્રી રાજેશ શશીકાંતભાઈ ત્રિવેદી,

કર્મકાંડ -જયોતિષ (થોરિયાળી વાળા), ઈમેલઃ r.s trivedi55@gmail.com

(3:54 pm IST)