Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

વ્યાજે રૂપીયા આપી અતિ કિંમતી જમીનના બળજબરીપૂર્વક દસ્તાવેજ કરાવી લેવાના ગુન્હામાં નરેન્દ્ર ગોંડલીયાના આગોતરા જામીન મંજુર

ધારાશાસ્ત્રી શ્યામલભાઇ સોનપાલની દલીલો ધ્યાને લઇ સેશન્સ કોર્ટનો હુકમ

રાજકોટ, તા.૧: તાજેતરમાં રાજકોટ પોલીસ દ્વારા વગર લાયસન્સે નાણાં ધીરનાર શખ્સો વિરૂધ્ધ ભોગ બનનાર વ્યકિતઓનો એક કેમ્પ યોજવામાં આવેલ જે સંદર્ભે રાજકોટનાં ન્યુ ગાંધી સોસાયટીમાં રહેતા વિમલભાઇ દામજીભાઇ ભાલાળાએ રેસકોર્ષ રીંગ રોડ પર રહેતા નરેન્દ્રભાઇ ગોબરભાઇ ગોંડલીયા વિરૂધ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં વગર લાયસન્સે ઉંચા વ્યાજે નાણાં આપી વ્યાજ માટે મારી નાખવાની ધમકી આપી બળજબરીપુર્વક મિલ્કતનો દસ્તાવેજ કરાવી લીધાના આરોપસર ફરીયાદ દાખલ કરતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધતા આરોપી નરેન્દ્ર ગોંડલીયાએ રાજકોટની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરતા કોર્ટ એ આરોપી નરેન્દ્ર ગોંડલીયાને આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

 

આ કેસની ટૂકમાં વિગત એવી છે કે, ફરીયાદી વિમલ દામજીભાઇ ભાલાળાને ત્યાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા નરેન્દ્ર ગોબરભાઇ ગોંડલીયા પાસેથી માસીક ર.૫%ના વ્યાજે રૂ.૨૦,૦૦,૦૦૦/ અંકે રૂપીયા વીસ લાખ લીધેલ હતા. જે વ્યવહાર પેટે ફરીયાદી આરોપી નરેન્દ્ર ગોંડલીયાને ચાર વર્ષ સુધી મહીને રૂ.૪૬,૦૦૦/ વ્યાજ આપતો હતો, તેમ છતાં આરોપીએ ફરીયાદીને ધાક ધમકી આપી તા.૧૪-પ-૨૦૧૩ના રોજ ફરીયાદીની માલીકીનો અતિ કિંમતી પ્લોટનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધેલ હતો. તેમજ ફરીયાદી પાસેથી રૂ.૧૦ લાખનો ચેક બળજબરીપૂર્વક લઇ તે ચેક બેંકમાં વટાવવા નાખતાં રીટર્ન થતા ફરીયાદી વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં નેગોશ્યેબલ ઇન્સ્ટુમેન્ટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ. જે કેસ પેન્ડીંગ હોવા છતાં આરોપી અવારનવાર ફરીયાદીના ઘરે જઇ ફરીયાદીને ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપે છે તેવી ફરીયાદ ફરીયાદીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરતા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના અમલદારે આરોપી નરેન્દ્ર ગોંડલીયા વિરૂધ્ધ ઇ.પી.કો.કલમ ૩૮૫, ૩૮૬, ૩૮૭, ૫૦૬(ર), ૫૦૪ તથા ગુજરાત મની લોન્ડરીંગ એકટની કલમ પ, ૪૦,૪૨ મુજબનો ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતીમાન કરેલ. જે સામે આરોપી નરેન્દ્ર ગોંડલીયાએ રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ.

સદરહુ આગોતરા જામીન અરજી સુનાવણી ઉપર આવતા આરોપીના એડવોકેટ શ્રી શ્યામલભાઇ સોનપાલએ ફરીયાદીએ આરોપી ઉપર પ્રેસર ટેકનીક લાવવા પોલીસ એજન્સીનો સાથ લઇ ખોટા ગુન્હામાં સંડોદી દીધેલ હોવાનું રજુઆત કરી નામ.સર્વોચ્ચ અદાલતના લેન્ડમાર્ક ચુકાદાઓ રજુ કરી આરોપીને આગોતરા જામીન પર મુકત કરવા રજુઆત કરેલ.

ફરીયાદ પક્ષે સરકારી વકીલશ્રીએ એવી રજુઆત કરેલ કે, આરોપી સામે ફરીયાદીએ નામ જોગ આક્ષેપ કરેલ છે. ફરીયાદીનો પ્રાઇમાફેસી કેસ છે તેમજ ફરીયાદ પક્ષના અન્ય સાહેદોના નિવેદનો પરથી પણ ફરીયાદને સમર્થન મળે છે. તેમજ હાલ પોલીસ ઇન્વેસ્ટીગેશન ચાલુ હોય તેમજ જો આરોપીના આગોતરા જામીન મંજુર કરવામાં આવશે તો સાહેદોને ટેમ્પરવીથ કરે તેવી શકયતા છે. જેથી આગોતરા જામીન અરજી નામંજુર કરવી જોઇએ.

બંને પક્ષોની રજુઆતો ધ્યાને લઇ રાજકોટના એડી.સેસન્સ જજશ્રીએ આરોપીના એડવોકેટ શ્રી સોનપાલે રજુ કરેલ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ આરોપી નરેન્દ્ર ગોંડલીયાને આગોતરા જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે તેમજ તપાસ કરનાર પોલીસ અધિકારીને નામ.સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં ઠરાવેલ માર્ગદર્શીકાનો ચુસ્ત રીતે પાલન કરવું તેવો આદેશ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી નરેન્દ્ર ગોંડલીયા વતી પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી શ્યામલભાઇ સોનપાલ, મલ્હાર સોનપાલ, મનોજ તંતી, નિલેશ વેકરીયા, હેમલ ગોહેલ, વિશાલ સોલંકી, હિતેષ ભાયાણી તેમજ અજય દાવડા રોકાયેલ.

(3:50 pm IST)