Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

ત્રંબા પાસે એકટીવા સ્લીપ થઇ જતાં બજરંગવાડીના ચિરાગગીરીનું મોતઃ એક વર્ષ પહેલા જ લગ્ન થયા'તા

જીઇબીમાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતો'તોઃ દહીંસરાથી રાજકોટ આવતી વખતે બનાવઃ મોટા ભાઇએ હોસ્પિટલે ખસેડ્યો પણ જીવ બચી શકયો નહિઃ ગોસ્વામી પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા.૧: ત્રંબા નજીક ગઇકાલે એકટીવા સ્લીપ થતાં ચાલક બજરંગવાડીના બાવાજી યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે. આ યુવાનના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં.

જાણવા મળ્યા મુજબ બજરંગવાડી શેરી નં. ૩માં રહેતો અને નિકાવા ગામે જીઇબીમાં કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરતો ચિરાગગીરી હર્ષદગીરી ગોસ્વામી (ઉ.૨૭) ગઇકાલે પોતાનું એકટીવા જીજે૩કેએફ-૧૩૯૮ લઇને જસદણના દહીંસરા ગામે ગયો હતો. ત્યાંથી પરત સવારે રાજકોટ આવી રહ્યો હતો ત્યારે ત્રંબા પાસે પહોંચતા એકટીવા સ્લીપ થતાં ગંભીર ઇજા થઇ હતી.

તેના મોટાભાઇ મયુરગીરી હર્ષદગીરી ગોસ્વામી પાછળ બીજા વાહન પર આવતાં હોઇ તે જોઇ જતાં તેણે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. માથા અને શરીરે ચિરાગગીરીને ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર કારગત ન નિવડતાં તેનું મોડી રાત્રે મોત નિપજ્યું હતું.

આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર. વી. કડછાએ મયુરગીરીની ફરિયાદ પરથી મૃતક સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી. ચિરાગગીરી બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને એક વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતાં. યુવાન દિકરાના મોતથી સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે.

(11:22 am IST)