Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

માંડા ડુંગર પાસેથી ૧૫ાા વર્ષનો નિલેષ કોળી ૧૨ દિ'થી ગૂમઃ અપહરણનો ગુનો

પિતા વિહોણો ટેણીયો ગામના વતની હિતેષભાઇ સાથે નવેક મહિનાથી રહી ચાંદીકામ શીખતો'તોઃ ૧૮મીએ ત્યાંથી નીકળી ગયો

રાજકોટ તા. ૧: કોઠારીયા ચોકડી પાસે સિતારામ સોસાયટીમાં રહેતાં મુળ જસદણના દહીંસરાના વનરાજભાઇ ચોથાભાઇ ઝાપડીયા (કોળી) (ઉ.૨૯)નો ૧૫ાા વર્ષનો ભત્રીજો નિલેષ તા. ૧૮/૫ના રોજ માંડા ડુંગર પાસે લક્કીરાજ પાર્ટી પ્લોટ પાછળ બાલાજી કોમ્પલેક્ષ વાળી શેરીમાંથી ગાયબ થતાં શોધખોળ બાદ પણ પત્તો ન મળતાં આજીડેમ પોલીસને જાણ કરતાં અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૬૩ મુજબ અપહરણનો ગુનો નોંધાયો છે.

વનરાજભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું જી.ટી. શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં નોકરી કરુ છું. અમે સાત ભાઇ-બહેન છીએ. મોટા ભાઇ વલ્લભભાઇનું અવસાન થતાં મારા ભાભી મધુબેન અને ભત્રીજી આશા કમળાપુર ભાભીના પિયરે રહેવા ગયા છે. જ્યારે વલ્લભભાઇનો નાનો દિકરો નિલેષ (ઉ.૧૫ વર્ષ ૬ માસ) નવેક મહિનાથી અમારા ગામના હિતેષભાઇ બચુભાઇ સરસણીયા કે જે પાંચેક વર્ષથી માંડા ડુંગર પાસે રહે છે તેને ત્યાં નવેક માસથી રહેવા આવ્યો હતો અને ત્યાં ચાંદીકામ શીખતો હતો.

ગત ૧૮મીએ બપોરે ત્રણેક વાગ્યે હિતેષભાઇએ મને ફોન કરીને વાત કરી હતી કે પોતે સુતા હતાં ત્યારે નિલેષ ઘરેથી કોઇને કંઇ કહ્યા વગર નીકળી ગયો છે. એ પછી ઠેકઠેકાણે શોધખોળ કરી હતી. પરંતુ  તે કયાંય મળ્યો નહોતો. આજ સુધી પત્તો ન મળતાં અંતે પોલીસ ફરિયાદ કરી છે. નિલેષ હિતેષભાઇના ઘરેથી નીકળ્યો ત્યારે બ્લુ રંગનું જીન્સ અને બ્લુ રંગનો આખી બાંહનો શર્ટ પહેર્યો હતો. આ ટેણીયા વિશેષ કોઇને માહિતી હોય તો આજીડેમ પોલીસનો ફોન ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરી જાણ કરવી. પી.આઇ. પી.એન. વાઘેલા અને ટીમે તપાસ હાથ ધરી છે.

(11:21 am IST)