Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશ્નરનું સ્થાન હાલ તુર્ત ખાલીઃ ડીસીપી રવિ સૈનીને ચાર્જ

આજે નિવૃત થતા સિધ્ધાર્થ ખત્રીના સ્થાને ગૃહ મંત્રાલયે કોઇ સિનીયર અધિકારીની નિમણુંક ન કરી : ૧પ દિ'ની રજા પર ગયેલ ડીસીપી મનોહરસિંહજી જાડેજાનો ચાર્જ પણ રવિ સૈનીને

રાજકોટ, તા., ૩૧: પોલીસ તંત્રમાં વિવિધ શહેરો અને બ્રાન્ચોમાં પ્રસંશનિય ફરજ બજાવી આજે નિવૃત થનારા રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીના સ્થાને અન્ય કોઇ સિનિયર અધિકારીની નિમણુંક કરવાના બદલે ગૃહ ખાતાએ રાજકોટના ડીસીપી રવિ મોહન સૈનીને સિધ્ધાર્થ ખત્રીનો ચાર્જ આપવાનું નક્કી કરી તે મુજબનું જાણ કરતો હુકમ કર્યાનું સુત્રો જણાવે છે.

એક સમયે કિશોર અવસ્થામાં કોન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં એક કરોડનું ઇનામ મેળવનાર રવિ મોહન સૈની ઓછું બોલી વધુ કામ કરવા માટે પોલીસ તંત્રમાં જાણીતા છે. રાજકોટના અન્ય ડીસીપી મનોહરસિંહ જાડેજા પણ ૧પ દિવસની રજા પર જતા તેઓનો ચાર્જ પણ રવિકુમાર સૈની પાસે રાખવાનું ગૃહ ખાતાએ નિર્ણય લીધાનું ગાંધીનગરના સુત્રો જણાવે છે. આજે નિવૃત થનારા લોકપ્રિય જોઇન્ટ પોલીસ કમિશ્નર અને રાજકોટને ટ્રાફીક સમસ્યામાંથી રાહત આપવા સંનિષ્ઠ પ્રયાસો  કરનાર સિધ્ધાર્થ ખત્રીને આજ દિવસ સુધી ભાગ્યે જ કોઇને અપાયું હોય તેવું અનોખુ વિદાયમાન રીજન્સી લાગુન હોટલ ખાતે સરકારી માનપાન સાથે આપવાનું પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે નક્કી કર્યુ છે. પોલીસ તંત્ર દ્વારા અપાનાર નિવૃતિ વિદાયમાનમાં ડીઆઇજી સંદીપસિંહ, કલેકટર રાહુલ ગુપ્તા અને રૂરલ એસપી બલરામ મીણા પણ ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળે છે.

(3:54 pm IST)