Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

શાપર-વેરાવળના હેતની હત્‍યામાં પકડાયેલ નિકુંજના રીમાન્‍ડ પૂર્ણઃ સાંજે કોર્ટમાં રજૂ કરાશે

ખંડણી માટે શ્રમિક પરિવારના બાળકનું અપહરણ કરાઈ ? પોલીસે વાત માની લીધી પરંતુ લોકોમાં અનેક તર્ક-વિતર્કો

રાજકોટ, તા. ૧ :. શાપર-વેરાવળના માસુમ હેત હરેશભાઈ વાઢેર (ઉ.વ. ૪)ના અપહરણ અને હત્‍યા કેસમાં પકડાયેલ અને રીમાન્‍ડ પર રહેલ રાજકોટના નિકુંજભારથી રમેશભારથી ગોસ્‍વામીના આજે રીમાન્‍ડ પૂર્ણ થતા સાંજે કોર્ટમાં રજુ કરાનાર છે. ચર્ચાસ્‍પદ અપહરણ અને હત્‍યા પ્રકરણમાં હત્‍યાના કારણ અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

શાપર-વેરાવળના માસુમ હેતના અપહરણ અને હત્‍યા કેસમાં પકડાયેલ નિકુંજભારથી રમેશભારથી ગોસ્‍વામી રહે. અક્ષરનગર મેઈન રોડ ગાંધીગ્રામ રાજકોટને રૂરલ એસઓજીના પીઆઈ જે.એસ. પંડયા તથા ટીમે ઝડપી લીધા બાદ તેની વિશેષ પુછતાછ માટે બે દિવસના રીમાન્‍ડ મેળવ્‍યા હતા. આ રીમાન્‍ડ દરમિયાન આરોપી નિકુંજભારથી ગોસ્‍વામીએ પોલીસ સમક્ષ એક જ રટણ કર્યુ હતુ કે, તેના પર દેણુ થઈ જતા ખંડણી પડાવવાના ઈરાદે જ માસુમ હેતનુ અપહરણ કર્યુ હતુ. બાદમાં પોલીસની ગતિવિધિઓ શરૂ થઈ જતા પકડાઈ જવાની બીકે હેતને પતાવી દીધો હતો. શરૂઆતમાં પોલીસને આ વાત ગળે ઉતરતી ન હતી પણ આકરી પૂછતાછમાં પણ નિકુંજે આ જ રટણ ચાલુ રાખતા અંતે પોલીસે આ વાત માની લીધી હતી.

જો કે ખંડણી માટે શ્રમિક પરિવારના બાળકનું અપહરણ કરાઈ ? તે અંગે લોકોમાં અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. આરોપી શ્રમિક પરિવારને ઓળખતો ન હોવાનુ રટણ કરે છે. પોલીસે પણ આરોપી નિકુંજના ફોનની કોલ ડીટેઈલ્‍સ ચકાસતા હત્‍યાનો ભોગ બનનાર હેતના પરિવાર સાથે કોઈ સંપર્ક ન હોવાનું ખુલ્‍યુ છે. આરોપી નિકુંજના આજે રીમાન્‍ડ પુરા થતા સાંજે કોર્ટમાં રજુ કરાશે.

 

(1:27 pm IST)