Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષમાં નુતન પાંચ પ્રકલ્પો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી-ઉપકુલપતિશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજનઃ સિન્ડિકેટ સભ્યશ્રીઓ, કોલેજના આચાર્યશ્રીઓ તથા ભવનના અધ્યક્ષશ્રીઓની ઉપસ્થિતિ

રાજકોટઃ  ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના ભવનો તથા સંલગ્ન કોલેજોમાં નૂતન પાંચ પ્રકલ્પો કાર્યાન્વિત કરવામાં આવેલ હતા. નુતન પ્રકલ્પોમાં ૧) કલાસરૂમ ટીચીંગ વધે તેવા પ્રયત્નો હાથ ધરાશે ૨) મોરલ વેલ્યુઝ પર વ્યાખ્યાનનું આયોજન ૩) વર્ષમાં બે સ્પોર્ટ્સ એકિટવીટીનું આયોજન ૪) પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ( ૫) વ્યસન મુકિત પ્રોગ્રામ વગેરે કાર્યાન્વિત કરવામાં આવશે.આ કાર્યક્રમમાં નૂતન પાંચ પ્રકલ્પોના કો-ઓર્ડીનેટર ડો. મેહુલભાઈ રૂપાણીએ નુતન પાંચ પ્રકલ્પો વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફીઝીકસ ભવનના ૧૧ રિસર્ચ સ્કોલરોને અંતરરાષ્ટ્રીય જર્નલમાં પેપર પ્રકાશિત થવા બદલ પ્રમાણપત્ર તથા પારિતોષિક અર્પણ કરવામાં આવેલ હતા. ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી એ પાંચ પ્રકલ્પોની વિગત આપી માર્ગદર્શન આપેલ હતું. સમારંભના અધ્યક્ષ કુલપતિશ્રી નીતિનભાઈ પેથાણી એ જણાવ્યું હતું કે આ નૂતન પ્રકલ્પો સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત કાર્યરત કરવામાં આવેલ છે અને સમાજ અને  વિદ્યાર્થીઓના હિતમાં આ નૂતન પ્રકલ્પો દ્વારા યુનિવર્સિટી શ્રેષ્ઠ કાર્ય કરશે તેઓ વિશ્વાસ વ્યકત કરેલ હતો. આ કાર્યક્રમનું સુંદર સંચાલન ડો. જયોતિબેન રાજયગુરુ એ કરેલ હતું તથા આભારવિધિ શા.શિ. નિયામક ડો. ધીરેન પંડ્યા એ કરેલ હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યશ્રીઓ, સેનેટ સભ્યશ્રીઓ, ડીનશ્રીઓ, ભવનોના અધ્યક્ષશ્રીઓ, સંલગ્ન કોલેજના આચાર્યશ્રીઓ તથા યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.કોલેજના આચાર્યશ્રીઓ તથા યુનિવર્સિટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(4:16 pm IST)