Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

છેલ્લા દોઢ મહિનામાં પાણી ચોરીમાં ૨૮૦ મકાનધારકો ઝડપાયાઃ ૩ લાખનો દંડ

વોર્ડ નં.૧૬નાં ભોજલરામ વિસ્તારમાં ડાયરેકટ પમ્પિંગ કરતા ૪ ને નોટીસ

રાજકોટ, તા.૧: શહેરમાં પાણી ચોરીની પ્રવૃતિ અટકાવવા મ્યુ.કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં.૧૬ની ટીમ દ્વારા શહેરમાં ભોજલરામ સોસાયટી વિસ્તારમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેકટ પમ્પીંગ કરતા ૦૪ આસામીઓને ડાયરેકટ પમ્પીંગનો દંડ રૂપિયા બે હાજર ભરી જવા અંગેની નોટીસ આપવામાં આવી હતી તેમજ છેલ્લ દોઢ મહિનામાં પાણી ચોરી કરતા ૨૮૦ મકાનધારકો ઝડપાતા ૩ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.

મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ વોર્ડ નં.૧૬માં પાણી ચોરી અટકાવવા ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. આ ચેકીંગ દરમ્યાન તેમાં ડાયરેકટ પમ્પીંગ કરતા બળવંતભાઇ પી.સોલંકી, કેશુભાઇ પી.પાનસુરીયા, અમીનભાઇ આર.કાપડીયા, દેવેન્દ્રભાઇ પુજારા ઝડપાયા હતા. તેઓને નોટીસ ફટકારી છે.

આ કામગીરી મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અન્વયે ટીમ લીડર અમિત ચોલેરા ડે.એન્જી.કે.કે.મેહતા જતીન પંડયા વોર્ડ ઓફીસર ભાવેશ સોનીગ્રા આસી.એન્જી. વસાવા પેટ્રોલર હંસરાજભાઇ હરેશભાઇ તથા જયેશભાઇની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી.

છેલ્લા દોઢ મહિનામાં ૨૨ હજારનો દંડ

રાજકોટ મહાનગરપાલિકાની ટીમો દ્વારા ૧૩ માર્ચથી ૩૦ એપ્રિલ સુધીમાં શહેરમાં હાથ ધરાયેલ ચેકીંગ દરમ્યાન ડાયરેકટ પમ્પીંગનાં ૨૩૯ કિસ્સા અને ૪૧ ભૂતિયા નળ જોડાણ ઝડપાયા હતા. ડાયરેકટ પમ્પીંગ અને ભૂતિયા નળ જોડાણ ઉપરાંત પાણીનો બગાડ કરનારા લોકો પાસેથી કુલ મળીને રૂ.૩,૦૭,૨૬૦/નો દંડ વસૂલ કરાયો હતો.

(4:00 pm IST)