Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

૨૬ લાખની આંગડિયા લૂંટનો ભેદ ખુલ્યોઃ સંપુર્ણ મુદ્દામાલ કબ્જે

મુળ રાજુલાનો હાલ જંગલેશ્વરમાં રહેતો રિક્ષાચાલક શાહરૂખ સુત્રધારઃ રાજુલાના ત્રણ સાગ્રીતો સાથે મળી પ્લાન પાર પાડ્યો'તો : ૧૫ દિવસ સુધી શાહરૂખ અને ભાવેશે રેકી કરીઃ છેલ્લે ૨૩મીએ અંજામ આપ્યોઃ આઇ-વે પ્રોજેકટ ફરી વખત કામ લાગ્યો : રાજુલાનો ભાવેશ ઉર્ફ ભુરો મોચી અને મુસ્તાક ઉર્ફ મુસો ઘાંચી ઝડપાયાઃ શાહરૂખ અને ઝૂબેરની શોધખોળ

બંને લૂટારૂ ભાવેશ ઉર્ફ ભુરો મોચી અને મુસ્તાક ઉર્ફ મુસો ઘાંચી સાથે ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ જોઇ શકાય છે : ગુડ ડિટેકટશનઃ આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો તેની માહિતી આપી રહેલા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, સાથે જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી કરણરાજ વાઘેલા, ડીસીપી બલરામ મીના, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.આઇ. વી. વી. ઓડેદરા, પી.એસ.આઇ. કાનમીયા, પી.એસ.આઇ. રાણા, પી.એસ.આઇ. ઉનડકટ તથા ટીમ અને ઇન્સેટમાં મુદ્દામાલના બોકસ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧: અઠવાડીયા પહેલા ૨૩મીની રાત્રે દસેક વાગ્યે શાસ્ત્રી મેદાનના લીમડા ચોક તરફના ગેઇટ અંદર સોરઠીયા વાડી ચોકની અક્ષર આંગડિયા પેઢીના કર્મચારી મુળ પાટણના અને હાલ સુરત મહિધરપુરા  જયકર બિલ્ડીંગમાં રહેતાં  બાબુજી ઘેમલજી વાઘેલા (ઠાકુર) (ઉ.૪૯)ને ગરદન પાછળ પાઇપ કે બીજુ કોઇ હથીયાર ફટકારી પછાડી દઇ તેની પાસેથી  રોકડ, ડાયમંડ, સોનાના દાગીનાના ૩૫ પાર્સલ ભરેલો થેલો લૂંટી બે લૂંટારા છનનન થઇ ગયા હતાં. આ થેલામાં કુલ રૂ. ૨૫,૯૩,૯૦૦ની મત્તા હતી. લૂંટનો ભેદ શહેર પોલીસે ઉકેલી નાંખી રાજુલાના બે શખ્સો ભાવેશ ઉર્ફ ભુરો ધનજીભાઇ સરવૈયા (મોચી) (ઉ.૨૪) અને મુસ્તાક ઉર્ફ મુસો મહમદભાઇ પાયક (ઘાંચી) (ઉ.૨૧)ને દબોચી લીધા છે. આ લૂંટમાં સુત્રધાર તરીકે રાજુલાના શાહરૂખનું નામ ખુલ્યું છે. તેમજ અન્ય એક શખ્સ ઝુબેર પણ સામેલ હોવાનું ખુલતાં શોધખોળ થઇ રહી છે. સારી બાબત એ છે કે લૂંટનો સંપૂર્ણ મુદ્દામાલ કબ્જે થયો છે. આ લૂંટને અંજામ આપવા ચારેય શખ્સોએ પંદર દિવસ સુધી રેકી કરી હતી અને આખરે અંજામ આપ્યો હતો. લૂંટનો ભેદ ઉકેલવામાં આઇ-વે સીસીટીવી પ્રોજેકટ વધુ એક વખત ઉપયોગી સાબિત થયો છે.

ડિટેકશનની કામગીરીની માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીના, ડીસીપી કરણરાજ વાઘેલા અને પી.આઇ. એચ. એમ. ગઢવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે લૂંટ થઇ એ સાથે જ અમે ઘટના સ્થળના તથા ઘટના સ્થળથી આગળ જતાં રસ્તાઓ પરના સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂ કરાયું હતું. મોટે ભાગે આંગડિયા લૂંટમાં અંદરના જ કોઇ કર્મચારી કે પછી છૂટા થયેલા કર્મચારીઓ કે જાણભેદૂ સામેલ હોવાની શંકા હતી. પરંતુ આ ભેદ ઉકેલાતાં પંદર દિવસ સુધી રેકી કરી બાદમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યાનું ખુલ્યું હતું.

રાજુલા રહેતો અને જંગલેશ્વરની યુવતિ સાથે લવમેરેજ કર્યા હોઇ અહિ પણ પડ્યો પાથર્યો રહતો શાહરૂખ રિક્ષા હંકારતો હોઇ અને હાલ દેણામાં આવી ગયો હોઇ તેણે મનોમન લૂંટનો પ્લાન ઘડ્યો હતો. તે સોરઠીયા વાડી ચોકમાં રિક્ષા લઇને ઉભો રહેતો હોઇ તેની નજર આંગડિયા પેઢી પર પડી હતી. તેનો ઇરાદો ત્રણ-ચાર કરોડની લૂંટને અંજામ આપવાનો હતો. આ માટે તેણે પ્લાન ઘડી પોતાના રાજુલા સ્થિત મિત્રો ભાવેશ મોચી, મુસ્તાક ઘાંચી અને ઝુબેરનો સંપર્ક કરી તેને પ્લાન સમજાવ્યો હતો. આ ત્રણેયને પણ પૈસાની ખુબ જરૂર હોઇ તે પણ પ્લાનમાં સામેલ થઇ ગયા હતાં. લૂંટ કરી એ દિવસના પંદર દિવસ પહેલા સતત આંગડિયા પેઢીએથી નીકળતાં અને શાસ્ત્રી મેદાન સુધી પહોંચતા સુરતના કર્મચારીની રેકી કરવામાં આવી હતી. રિક્ષા લઇને ભાવેશ અને શાહરૂખ પાછળ પાછળ આવતાં હતાં અને કર્મચારી કયાંથી, કઇ રીતે બસમાં બેસે છે તે સહિતની માહિતી મેળવી હતી.

એ પછી ૨૩મીએ રાત્રે સુરતના કર્મચારી સોરઠીયા વાડી સર્કલથી નીકળ્યા ત્યાંથી જ તેનો બાઇક પર પીછો કરાયો હતો. એક કર્મચારી ટિકીટ લેવા ગયા અને જેની પાસે થેલો હતો એ કર્મચારી  શાસ્ત્રી મેદાનના ગેઇટમાં જતાં જ શાહરૂખે ટોમી ફટકારી દીધી હતી અને થેલો ઝૂંટવી લીધો હતો. બાદમાં ચારેય શખ્સો બાઇક પર બેસી ગોંડલ થઇ રાજૂલા પહોંચી ત્યાં ઝુબેરના ઘરે મુદ્દામાલ છુપાવી બધા અલગ-અલગ થઇ ગયા હતાં.

પોલીસે સતત આઇ-વે પ્રોજેકટના સીસીટીવી કેમેરા તેમજ અમુક ખાનગી સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક પછી એક શંકાસ્પદ શખ્સો સામે આવ્યા હતાં અને ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. હાલ પોલીસે રાજુલા સ્વામિનારાયણ મંદિર પાછળ ધાખડાનગર શિવધારા પાનવાળા ખાંચામાં રહેતાં અને પેટ્રોલ પંપમાં નોકરી કરતાં ભાવેશ ઉર્ફ ભુરો ધનજીભાઇ સરવૈયા (મોચી) (ઉ.૨૪) અને રાજુલા વડલી રોડ, ચોથા ખાંચા મફતપરામાં રહેતાં મુસ્તાક ઉર્ફ મુસો મહમદભાઇ પાયક (ઘાંચી) (ઉ.૨૧)ને ઝડપી લઇ લૂંટેલો તમામ મુદ્દામાલ રૂ. ૨૬,૫૩,૯૦૦નો કબ્જે કર્યો છે. જેમાં રિયલ ડાયમંડ તથા સોનાના દાગીના રૂ. ૨૫,૯૦,૦૦૦ના, રોકડા રૂ. ૩૯૦૦ તથા મોબાઇલ ફોન સામેલ છે. આ ઉપરાંત લૂંટમાં ઉપયોગમાં લેવાયેલા બે બાઇક જીજે૧૪એએચ-૮૪૮૪ તથા જીજે૭એએલ-૬૧૮૪ પણ જપ્ત થયા છે.

આ બંને શખ્સોએ કબુલ્યું હતું કે અક્ષર આંગડિયા પેઢી ખાતે સુત્રધાર શાહરૂખના કહેવાથી દસ-પંદર દિવસ સુધી વોચ રાખી રેકી કરી હતી અને બાદમાં લૂંટને અંજામ આપ્યો હતો. શાહરૂખ અને ઝૂબેર હાથમાં આવ્યા નથી. તેની શોધખોળ થઇ રહી છે.

આઠ ટીમોની સખત અને સતત મહેનત લેખે લાગી

. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત અને જેસીપી ડી.એસ. ભટ્ટ તથા ડીસીપી કરણરાજ વાઘેલા, બલરામ મીના, એસીપી જે. એચ. સરવૈયાની રાહબરીમાં પી.આઇ. એચ. એમ. ગઢવી તથા પી.એસ.આઇ. આર. સી. કાનમીયા, એસઓજીના પી.એસ.આઇ. હિતુભા એમ. રાણા, પી.આઇ. વી. વી. ઓડેદરા, જગમાલભાઇ ખટાણા, મયુરભાઇ પટેલ, સંતોષભાઇ મોરી, જયસુખભાઇ હુંબલ, જયંતિગીરી ગોસ્વામી, કુલદીપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, જીજ્ઞેશ મારૂ, રવિરાજસિંહ પરમાર, સ્નેહ ભાદરકા સહિતના સ્ટાફની આઠ ટીમો સતત દોડધામ કરતી હતી અને અંતે સફળતા મેળવી હતી.

શાહરૂખ-ભાવેશ લાખોના દેણામાં ડૂબ્યા'તાઃ કરોડો લૂંટવાનો પ્લાન ઘડ્યો'તો

. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે મુળ રાજુલાના અને રાજકોટ જંગલેશ્વરમાં સાસરૂ ધરાવતો શાહરૂખ આ લૂંટનો મુખ્ય સુત્રધાર છે. તે લાખોના દેણામાં ડુબી ગયો હોઇ અને સોરઠીયા વાડી ચોકમાં રિક્ષા રાખી ફેરા કરતો હોઇ તેણે આ ચોકમાં જ આવલી આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો અને તેમાં મિત્રો રાજૂલાના ભાવેશ ઉર્ફ ભુરો મોચી, ઝુબેર અને મુસ્તાકને સામેલ કર્યા હતાં. ભાવેશ પણ પાંચેક લાખના દેણામાં હોઇ તે આ પ્લાનમાં તુર્ત જ સામેલ થઇ ગયો હતો. આંગડિયા પેઢીમાં મોટો હાથ મારી ત્રણ-ચાર કરોડ લૂંટવાની યોજના આ ચારેયે બનાવી હતી. જો કે તેના હાથમાં ૨૬ લાખની મત્તા જ આવી હતી.

લૂંટારાઓએ કયારે રેકી કરી? કયારે લૂંટ કરી...કયાંથી ભાગ્યા?: સીસીટીવીમાં દેખાયો સમગ્ર ઘટનાક્રમ

. લૂંટનો ભેદ ઉકેલવામાં આઇ-વે પ્રોજેકટ વધુ એક વખત ઉપયોગી સાબિત થયો છે. લૂંટારૂઓએ તા. ૨૧-૪ના રોજ સોરઠીયા વાડી ચોક પાસેની ઓફિસેથી નીકળેલા કર્મચારીની રેકી કરી હતી. જેમાં ગોંડલ રોડ ચોકડીએ સાંજે ૬:૧૭ કલાકે, આજીડેમ ચોકડીએ સાંજે ૬:૨૧ કલાકે, અમુલ સર્કલ ૮૦ ફુટ રોડ પર ૬:૨૩ કલાકે, લીમડા ચોકમાં સાંજે ૦૭:૩૭ કલાકે.

ત્યારબાદ ૨૩/૪ના લૂંટની ઘટનાને અંજામ આપ્યો એ દિવસે રાત્રે ભુતખાના ચોકમાં ૧૦:૧૧ કલાકે, ત્રિકોણબાગ પાસે ૧૦:૧૩ કલાકે, લીંબડા ચોક ઓફિસ ફિકસ કેમેરામાં ૧૦:૪૯ કલાક (લૂંટારાઓએ ફરિયાદીના બાઇકને ઓવરટેક કરેલ), લીમડા ચોક ફિકસ કેમેરા નં. ૪ માં ૧૦:૧૪ કલાકે, કેમરા નં. ૧માં ૧૦:૧૫ કલાકે, કેમેરા નં. ૪માં ૧૦:૧૫ કલાકે (દિવાલ કુદી બહાર નીકળતા), માલવીયા સર્કલ (સ્વામિનારાયણ આર્કેડ પાસે) ૧૦:૧૬:૦૨ કલાક, આરએમસી ચોક થઇ ભુતખાના ચોક કલાક ૧૦:૧૭:૪૬, કેનાલ રોડ થઇ સોરઠીયા વાડી ૧૦:૨૧:૩૦, અમુલ સર્કલ ૮૦ ફુટ રોડ કલાક ૧૦:૨૨:૪૦, આજીડેમ ચોકડી ૧૦:૨૩:૫૭, ગોંડલ રોડ ચોકડી ૧૦:૨૭:૧૩, ગોંડલ રોડ હાઇવે ટોલનાકુ ૧૦:૪૬:૦૨ તથા ગોંડલ ૧૦:૫૩:૨૭ અને રાજુલા તા. ૨૪-૪ના ૦૩:૧૫ કલાકે સીસીટીવી કેમેરામાં લૂંટારા દેખાયા હતાં. આ ઉપરાંત કેવડાવાડી, ગણેશ મંડપ કેવડાવાડી, પતંજલી સ્ટોર, જનતા પેન્ટર કેનાલ રોડના કેમેરા પણ ઉપયોગી થયા હતાં.

ભાવેશ અને મુસ્તાક સામે અગાઉ પણ ગુના નોંધાયા છે

. લૂંટમાં ઝડપાયેલા ભાવેશ ઉર્ફ ભુરો મોચી ૨૦૧૨માં રાજુલામાં મારામારીના ગુનામાં, મહુવામાં બળાત્કારના ગુનામાં તથા મુસ્તાક આજથી વીસ દિવસ પહેલા જ ભાવનગરના મહુવા પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો.

સોનુ અને રોકડ મળશે એવી આશા હતી, પણ નીકળ્યા હીરા...એટલે ઝડપથી વેંચી ન શકયાઃ હીરા ઝુબેરના ઘરમાં ખાડો ખોદીને દાટ્યા હતાં

. શાહરૂખ, ભાવેશ, મુસ્તાક અને ઝુબેરને આંગડિયાને લૂંટવાની મોટી મત્તાનું સોનુ અને રોકડ મળશે તેવી આશા હતી. પરંતુ જે થેલો લૂંટયો તેમાં મોટા ભાગના હીરા જ હતાં. હીરા તાત્કાલીક બજારમાં વેંચી શકાય તેમ ન હોઇ મામલો શાંત પડી જાય પછી ભાવનગર કે સુરત જઇને વેંચવાનો પ્લાન ઘડ્યો હતો અને આ હીરા રાજુલા ઝુબેરના ઘરમાં ખાડો ખોદી છુપાવી દીધા હતાં. જો કે આ હીરા વેંચે એ પહેલા જ રાજકોટ પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો હતો.

પોલીસ શું કરી રહી છે? તે જાણવા સતત અખબાર વાંચતા હતાં: ચારેય અલગ-અલગ રીતે જંગલ

વિસ્તારમાં છુપાઇ ગયા'તા

. લૂંટનો ભેદ ઉકેલવા રાજકોટ શહેર પોલીસની આઠ ટીમો સતત દોડધામ કરી રહી હતી. ત્યારે ચાલાક લૂંટારૂઓ એક સાથે પકડાઇ ન જાય એ માટે ખાંભા-ગીર વિસ્તારમાં અલગ-અલગ રીતે જંગલ વિસ્તારમાં છુપાઇ ગયા હતાં અને દરરોજ સવાર-સાંજે કોઇપણ રીતે અખબારો મેળવીને લૂંટની ઘટનામાં પોલીસ શું કરી રહી છે? તેની વિગતો જાણી લેતાં હતાં.

ક્રાઇમ બ્રાંચની ટૂકડી વિજ કર્મચારી બનીને પહોંચી...

.સીસીટીવી ફૂટેજોને આધારે ક્રાઇમ બ્રાંચની ટૂકડીને લૂંટમાં કોણ-કોણ હોઇ શકે તેની માહિતી મળી ગઇ હતી. જો કે લૂંટારા ખરેખર ભાવેશ, મુસ્તાક, શાહરૂખ અને ઝુબેર જ છે કે કેમ? તે પ્રાથમિક તબક્કે સ્પષ્ટ ન હોઇ ક્રાઇમ બ્રાંચની ટૂકડી ઝુબેર અને શાહરૂખના ઘરે વિજ કર્મચારી બનીને તપાસ કરવાના બહાને ગયા હતાં. પણ આ બંનેને શંકા ઉપજી જતાં તે ફરાર થઇ ગયા હતાં. તો બીજી તરફ ભાવેશ ઉર્ફ ભુરો અને મુસ્તાક ઉર્ફ મુસો દબોચાઇ જતાં અને તેણે લૂંટનો મુદ્દામાલ ઝવેરના ઘરમાં દાટેલો હોવાનું કહેતાં પોલીસે ખાડામાં છુપાવેલા હીરા-સોના-રોકડના બોકસ શોધી કાઢી કબ્જે લીધા હતાં. હીરા કોઇ વેંચવા આવે તો તેના ઉપર પણ પોલીસે સુરત, ભાવનગર તરફ વોચ રખાવી હતી.

(3:08 pm IST)