Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

નપાણીયા શાસકો અને કમિશ્નરના પાપે...

સોલીડ વેસ્ટ વિભાગમાં ભ્રષ્ટાચારનું સામ્રાજ્ય

આમા મોદીજીનું સ્વચ્છતા અભિયાન કયાંથી સફળ થાય? : વગર ટેન્ડરે રાત્રી સફાઇ- ટિપરવાનના કોન્ટ્રાકટ મહિનાઓથી ચાલુ ! : કોઇ પણ જાતની મંજુરી વગર કોન્ટ્રાકટની મુદ્દત વધારી દેવાઇ હોવાની ચર્ચા : કોન્ટ્રાકટરોનાં બીલ અટકાવી 'ટકાવારી'નો વહિવટઃ સોલીડ-વેસ્ટ વિભાગની ગંદકી દુર કરવામાં મ્યુ. કમિશ્નર લાચાર ?

રાજકોટ તા.૨૮ : મ્યુ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના આંતરિક વહિવટમાં જબરૂ કારસ્તાન ચાલી રહ્યુ હોવાની ફરિયાદો  ઉઠવા પામી છે.કેમ કે છેલ્લા   ૧૪ - ૧૪ મહિનાથી વગર ટેન્ડરે રાત્રી સફાઇનુ કોન્ટ્રાકટ એકજ એજન્સી પાસે જ હોવાનુ બહાર આવ્યુ છે.

તેવી જ રીતે ટિપરવાનનો કોન્ટ્રાકટ ૮ થી ૯ મહિના અગાઉ પુર્ણ થઇ ગયો હોવા છતા છેક હવે  માર્ચમા ટેન્ડરો બાહર પાડવામાં આવ્યા આમ, આ કોન્ટ્રાકટમાં પણ વગર ટેન્ડરે એક જ એજન્સી પાસે મહિનાઓ સુધી કામ  ચાલુ રખાવવામાં આવતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે.

આ અંગે આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં રાત્રી  સફાઇનું કામ ખાનગી કોન્ટરાકટ પધ્ધતી કરાવવામાં આવી રહ્યુ છે. આ માટે અગાઉ ટેન્ડરો પ્રસિદ્ધ કરી અને કોન્ટ્રાકટ અપાયેલ અને  ત્યારબાદ આ કોન્ટ્રાકટરની મુદ્દત પુર્ણ થઇ ગઇ છતા આજ કોન્ટ્રાકટરની મુદ્દત  કોઇપણ જાતની મંજુરીઓ વગર લંબાવવામાં આવી રહી છે. છેલ્લા ૧૪-૧૪ મહિનાથી આ  એજન્સી પાસે વગર ટેન્ડરે કામ કરાવવામાં આવી રહ્યુ છે.

આમ, ટેન્ડર વગર ૧ વર્ષ સુધી કામ ચાલુ રખાવવામાં આવતા સોલીડ વેસ્ટ, વિભાગના વહિવટ સામે અનેક પ્રશ્નાર્થો ઉભા થયા છે. એટલુજ નહિ કોન્ટ્રાકટરોના  નાના મોટા બીલને પણ અટકાવવામાં આવી રહ્યાની અને ૫ ટકાની ટકાવારીનાં 'વહિવટ' પછી જ બીલ મંજુર થતા હોવાની ફરિયાદો ઉડી રહી છે.આમ 'સોલીડ વેસ્ટ  મેનેજમેન્ટ વિભાગ'ની વહિવટી ગંદકી દુર કરવા તપાસ કરાય તો જબરૂ કૌભાંડ બહાર આવે. મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીને આ સમગ્ર કારસ્તાનની જાણકારી છે છતા જવાબદારો સામે પગલા લેવાતા નથી તેવી જોરદાર ચર્ચા કોર્પોરેશનના વર્તુળોમાં જાગી છે.(૨૮.૩)

કરોડોના કોન્ટ્રાકટ વગર ટેન્ડરે ચાલુ : જવાબદાર કોણ? : વીજીલન્સ તપાસ થશે કે ભીનુ સંકેલાઈ જશે

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનના આંતરીક વહીવટમાં કરોડો રૂપિયાના ગોટાળાની ફરીયાદો ઉઠી રહી છે ત્યારે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના રાત્રી સફાઈના કોન્ટ્રાકટ અને ટિપરવાનનો કોન્ટ્રાકટ વગર ટેન્ડરે કોઈપણ જાતની મંજૂરી વગર મુદ્દત  વધાર્યે રાખી ચાલુ રાખવામાં આવી રહ્યો છે. આમ આ ગોટાળાથી પ્રજાની તિજોરીને કરોડોનું નુકશાન થઈ રહ્યુ છે. એટલુ જ નહિં ટેન્ડર વગર ચાલતી આ કામગીરીને કારણે સફાઈની કાર્યવાહીમાં પણ લોલમલોલ ચાલી રહ્યુ છે. એટલુ  જ નહિં કામગીરી દરમિયાન કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારીની ફેંકાફેકી થવાની શકયતા વધુ રહે અને તંત્રની આબરૂના લીરા ઉડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે ત્યારે આ જબરા કારસ્તાન પાછળ જવાબદાર કોણ? તે અંગે વિજીલન્સ તપાસ થશે કે પછી ભીનુ સંકેલી લેવાશે.

(1:14 pm IST)