Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

રાજકોટના લેબર બાર વકીલ મંડળને ગુજરાતના વિવિધ વકીલ મંડળોનો ટેકો

આજથી લેબર બારના વકીલો દ્વારા પ્રતિક ઉપવાસ

રાજકોટ તા. ૧: રાજકોટ મજુર અદાલત નં.૨ ના ન્યાયધીશ શ્રી બી.ડી. પરમાર સામે તેમની કાર્યપધ્ધતિ અને વર્તણુંક અનુસંધાને લેબર બાર દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ ગુજરાતના પ્રમુખશ્રી દ્વારા આ બાબતે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજુઆત કરી યોગ્ય કરવા ખાત્રી આપવામાં આવેલ. ત્યારબાદ તેઓશ્રી પોતે રાજકોટ આવેલ અને સબંધીત ન્યાયધીશશ્રી ને સુચના આપેલ પરંતુ તેમ છતાં કોઇ બદલાવ જણાયેલ નથી.

આઠ-દસ માસથી દલીલો સાંભળેલ કેસોમાં હવે આંદોલન શરૂ થતા તાત્કાલીક ચુકાદા લખવાના શરૂ કરેલ છે. જેમા રોજ ૧૫ થી ૨૦ ચુકાદો લખવામાં આવે છે. ચુકાદામાં વકિલોના ના નામ ફરી જાય છે, દલીલ કરી હોય તેની ગેરહાજરી દર્શાવે છે.વગેરે અનેક ક્ષતિગ્રસ્ત ચુકાદા આવી રહ્યા છે.

લાંબા સમયથી ચાલી આવતી આ રજુઆત છતાં કોઇ હજુ સુધી નિવેડો ન આવતા આજરોજથી વકીલો દ્વારા પ્રતિક ઉપવાસ પર જવાનું નક્કી કરવામાં આવેલ જેમાં પ્રથમ દિવસે દિપેશભાઇ છાયા(પ્રમુખ) તથા ગીરીશભાઇ ભટ્ટ, બીજા દિવસે સીનીયર ધારાશાસ્ત્રી યોગેશ રાજયગુરૂ તથા પરાગ વોરા, બાદમાં ડી.સી. જોષી તેમજ વિજય ટીંબડીયા ત્યારબાદ સુ.શ્રી સુષ્માબેન વછરાજાની અને શ્રી રાજુ સખરાણી ઓએ ઉપવાસ પર ઉતરશે. જરૂર પડયે અનિશ્ચિત મુદત ના ઉપવાસ શરૂ કરાશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા કર્ણાટક હાઇકોર્ટ વિ. જયતૈન્ય ના કેસમાં ઠરાવાયુ છે કે ખરાબ વર્તણુક વાળા ન્યાયધીશનું સન્માન આપવા યોગ્ય ન કહેવાય, આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઠરાવાયું છે કે, કોર્ટ હંમેશા વકિલો અને ન્યાયધીશો બંન્ને થી શોભે છે. બંન્ને એકબીજા ને માન આપે તે જરૂરી છે.

લેબર કોર્ટ રાજકોટ ના આંદોલન ને રાજકોટ બાર એસો. તેમજ અમદાવાદ લેબર બાર, ગોધરા, વલસાડ, વડોદરા, સુરત, નવસારી, ભરૂચ, કલોલ, સુરેન્દ્રનગર વગેરે તમામ બાર દ્વારા ટેકો આપવમાં આવતા ઠરાવો થયેલ છે. વધારે ગંભીર વણાંક લે તે પહેલા પ્રશ્ન ઉકેલાય જાય તો સારૂ તેમ સીનીયર ચેમ્બરોનું મંત્વય છે.

(11:53 am IST)