Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

રસ્તા બનાવો પછી ખોદકામ કરોઃ મ્યુ. કોર્પો.નીતિ સામે ચેમ્બરનો વિરોધઃ પ્રજાની પીડા સમજો

રાજકોટ ચેમ્બર દ્વારા આડેધડ-ખોદકામ-ડીસ્કો રસ્તા સામે મ્યુ. કમીશનરને રજુઆત : પ્રી પ્લાનીંગથી કામ કરવા તથા રસ્તા સમથળ બનાવવા જરૂરીઃ બીજા શહેરોથી બોધાપાઠ લેવો જરૂરી

રાજકોટ તા. ૧: રાજકોટ શહેર ઝડપી વિકાસ અને સ્માર્ટ સીટી તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેનો હજુ વધુ વિકાસ થાય અને એક રોલ મોડેલ સીટી તરીકે સમગ્ર દેશમાં ઉભરી આવે તે ખાસ જરૂરી છે. રાજકોટ શહેરમાં કોર્પોરેશન દ્વારા વિવિધ રસ્તાઓ લાંબા સમય બાદ નવા બનાવેલ હોય ત્યાં કોર્પોરેશન દ્વારા અવાર-નવાર વિવિધ જગ્યાઓ પર ખોદકામ કરી રસ્તાઓની હાલત ખરાબ કરી નાખેલ છે. ખાસ કરીને શહેરના કાલાવડ રોડ, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ, ૧પ૦ ફુટ રીંગ રોડ, મવડી, તથા ભરચક એરીયા એવા લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, જયુબેલી બાગ, વગેરે વિવિધ રસ્તાઓ પર વારંવાર ખોદકામ કરવામાં આવે છે. હાલમાં સ્ટર્લીંગ હોસ્પિટલ ચોકવાળા રીંગ રોડના બન્ને સાઇડ સાયકલીંગ ટ્રેક રોડ કે જે સીમેન્ટ રોડ હોય ત્યાં અને કાલાવડ રોડ વોકહાર્ટ હોસ્પિટલ પાસે, બાલાજી હોલ, ૧પ૦ ફુટ રીંગ રોડ પર કોર્પોરેશન દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

કોર્પોરેશન દ્વારા અગાઉ કામગીરી કરીને રસ્તાઓ રીપેર કર્યા હોય ત્યાં ફરીવાર ખોદકામ કરીને અન્ય કામગીરી હાથ ધરવામાં આવે છે. જે ખુબ જ આશ્ચર્ય જનક જણાઇ રહ્યું છે. આખું વર્ષ વિવિધ કામો માટે રીપેરીંગ કામ તથા ખોદકામ ચાલુ જ રહે છે. જેથી ત્યાંના રહેવાસીઓ અને અવર જવર કરતા લોકોને ખુબ જ મુશ્કેલીઓ પડે છે અને ટ્રાફીક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. તેથી કોર્પોરેશને અગાઉ પ્રી-પ્લાનીંગ કરીને રસ્તાઓનું ખોદકામ કરવું જોઇસએ અને એક જ વખત ખોદેલ રસ્તાઓ પર સંપુર્ણ કામગીરી એકી સાથે પૂર્ણ થવી જોઇએ. તેમજ કામગીરી પુર્ણ થતા તે રોડને સમથળ કરી વ્યસ્થીત ડામર કામ કરવું જોઇએ જેથી લોકોને મુશ્કેલી ન પડે.

મહારાષ્ટ્રમાં મુંબઇ જેવા ટ્રાફિક ભરેલા શહેરમાં કોઇપણ ખોદકામ થાય છે તો ર૪ કલાકમાં તેનું બુરાણ થઇ રોડ રીપેરીંગ કરવામાં આવે છે. તે સિસ્ટમ રાજકોટમાં લાગુ કરવી જોઇએ જેથી કરીને આમ પબ્લીકની હાલાકી દુર થાય. તેથી આ અંગે તાત્કાલીક પગલા લેવા રાથજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મ્યુનિશીપલ કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલ સમક્ષ ભારપુર્વક રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:07 pm IST)