Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

રૈયા ચોકડી પાસે કેટરર્સનો ધંધાર્થી ભરત સિધ્ધપુરા ૯૭ હજારના દારૂ સાથે પકડાયો

દિલ્હી કેટરર્સનો સામાન લેવા ગયો ત્યાંથી લાવ્યાનું રટણઃ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ અતુલ સોનારા, સમીરભાઇ શેખ, નિલેષભાઇ ડામોર અને અજીતસિંહ પરમાર સહિતનો દરોડો

રાજકોટ તા. ૧: રૈયા ચોકડી પાસે અમૃતા હોસ્પિટલ પાછળ ગંગોત્રી ડેરીવાળી શેરીમાં રહેતાં કેટરર્સના ધંધાર્થી ભરત રમેશભાઇ સિધ્ધપુરા (ઉ.વ.૪૨)એ  પોતાના ઘરમાં વિદેશી દારૂ ઉતાર્યો હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી તપાસ કરતાં ઘરમાંથી રૂ. ૯૭૧૫૦ની દારૂની બોટલો અને ચપલા ૪૬૨ મળી આવતાં કબ્જે કરી તેની સામે ગુનો નોંધી દારૂ, મોબાઇલ ફોન મળી રૂ. ૧,૦૭,૧૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ આર. વાય. રાવલની રાહબરી હેઠળ પીએસઆઇ એ. એસ. સોનારા, એએસઆઇ સમીરભાઇ શેખ, નિલેષભાઇ ડામોર, અજીતસિંહ પરમાર સહિતે આ દરોડો પાડી કાર્યવાહી કરી હતી.

ઝડપાયેલો ભરત સિધ્ધપુરા કેટરર્સનો ધંધાર્થી છે. તેણે એવું રટણ કર્યુ હતું કે કેટરર્સનો સામાન લેવા પોતે દિલ્હી ગયો હતો ત્યાંથી આ સામાન ટ્રાન્સપોર્ટ મારફત રાજકોટ મોકલ્યો હતો. એ સામાનની સાથે દારૂની બોટલો અને ચપલા પણ મોકલી દીધા હતાં. હેડકોન્સ. નિલેષભાઇ વધુ તપાસ કરે છે.

(12:56 pm IST)