Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

તંત્રની આંખે પાટા

મચ્છરોનો ભયંકર ઉપદ્રવ છતાં આરોગ્ય વિભાગને મેલેરિયાનો માત્ર એક જ દર્દી દેખાયો!!

અઠવાડિયામાં શરદી - ઉધરસ - ઝાડા - ઉલ્ટી - તાવના ૩૫૦ દર્દીઓ નોંધાયાઃ મેલેરિયા વિભાગે પ્રદર્શન યોજી મચ્છરો માર્યાનો સંતોષ માની લીધો

રાજકોટ તા. ૧ : શહેરમાં છેલ્લા ૧ મહીનાની મચ્છરોનો ભયંકર ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે તાવ સહિતનો રોગચાળો વકર્યો છે છતાં કોર્પોરેશનના આરોગ્ય તંત્રના ચોપડે મેલેરિયાનો માત્ર ૧ દર્દી જ નોંધાયો છે. આ બાબત ખુદ આરોગ્ય તંત્રએ સત્તાવાર જાહેર કર્યું છે.

આ અંગેની વિગતો મુજબ આરોગ્ય શાખા દ્વારા છેલ્લા અઠવાડિયામાં નોંધાયેલ રોગચાળાના જે આંકડાઓ જાહેર થયા છે તેમાં મેલેરિયાનો માત્ર ૧ દર્દી નોંધાયો છે. મરડાના ૮, કમળાનો ૧, શરદી - ઉધરસ - તાવનાં ૨૨૮, ઝાડા - ઉલ્ટીના ૧૦૯, ટાઇફોઇડના ૧ સહિત કુલ ૩૫૦ જેટલા દર્દીઓ નોંધાયા છે.

નોંધનિય છે કે, શહેરના નદીકાંઠાના વિસ્તારો ઉપરાંત જુના રાજકોટના સદર, જાગનાથ, મનહર પ્લોટ, મોરબી રોડ, મવડી, કોઠારીયા રોડ સહિતના વિસ્તારોમાં મચ્છરોનો ભયંકર ઉપદ્રવ હોવાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠવા પામી છે.

આમ, છતાં મેલેરિયા વિભાગે એવો દાવો કર્યો છે કે, છેલ્લા અઠવાડિયામાં મચ્છરો અંગે ૨૨,૭૮૧ મકાનોનો સર્વે કરી ૯૮૮ મકાનોમાં દવા છંટકાવ કર્યો છે. ૮૬ મકાનોમાં મચ્છરો દેખાતા નોટીસો અપાઇ હતી અને ગંદા પાણીના ૨૧ ખાડાઓમાં દવા છાંટવામાં આવી હતી.

આમ, આ તમામ કાર્યવાહી તંત્ર દ્વારા થઇ રહી છે છતાં મચ્છરોનો ઉપદ્રવ ઘટયો નથી અને મેલેરિયા વિભાગે વોર્ડ નં. ૬માં પ્રજાસત્તાક પર્વ નિમિતે મહારાણા પ્રતાપ હોલ ખાતે પ્રદર્શન યોજી અને ૫૨૬ લોકોને મેલેરિયા બાબતે જાગૃત કરીને સંતોષ માની લીધો.

૭૮૫ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ

જ્યારે ફુડ વિભાગે છેલ્લા અઠવાડિયામાં ૨૧૮ જેટલા ખાણીપીણીના સ્થળોએ ચેકીંગ કરીને કુલ ૭૮૫ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરી ૩૮ વેપારીઓને નોટીસ આપી હતી.

(4:11 pm IST)