Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

હડતાલની અસર આંશિક, ગુજરાતમાં અન્ય રાજયો કરતા મધ્યાહ્ન ભોજન સંચાલકોનું મહેનતાણુ વધુ

નાસ્તાનો નિર્ણય બાળકોના હિતમાં : કમિશનર આર.જી. ત્રિવેદી : અસરગ્રસ્ત શાળાઓમાં વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા કલેકટરોને સૂચના

રાજકોટ, તા. ૧ : ગુજરાતમાં પ્રાથમિક શાળાઓના બાળકો માટે મધ્યાહ્ન ભોજન બનાવતા સંચાલકો, રસોઇયા, હેલ્પર વગેરેની હડતાલને ધ્યાને રાખીને સંભવિત અસર નિવારવા સરકારે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માટે તમામ કલેકટર તંત્રને સૂચના આપી છે. આજે એલાનના પ્રથમ દિવસે હડતાલની અસર આંશિક (અમુક જિલ્લાઓમાં જ) હોવાનું સરકારી તંત્રનું કહેવું છે. સરકારે વૈકલ્પિક વ્યવસ્થા ઉપરાંત જરૂર પડયે કાયદાકીય પગલા ભરવાની પણ તૈયારી રાખી છે.

રાજયના મધ્યાહ્ન ભોજન કમિશનર શ્રી આર.જી. ત્રિવેદી (આઇ.એ.એસ.)ને પૂછતા તેમણે આજે બપોરે અકિલાને જણાવેલ કે બપોરના ભોજન પછી નાસ્તો આપવાનો નિર્ણય બાળકોના હિતમાં છે. તેનાથી પ્રોટીન તત્વનું સંતુલન રહેશેે. બાળકોને બપોરે એક સાથે ભોજન આપી દેવાના બદલે તેની ભુખ અને પાચન ક્ષમતાને ધ્યાને રાખીને ભોજન સિવાઇના બાકીના પ્રમાણનો નાસ્તો આપવાનું નક્કી થયું છે જેના કારણે બાળકો માટે  ફાળવતી સામગ્રીના પ્રમાણમાં કોઇ ફેરફાર કરાયો નથી. બાળકોને દરરોજ અગાઉ જેટલા પ્રમાણમાં જ ખોરાક આપવાનો રહેશે, પરંતુ ભોજન અને નાસ્તો તેમ બે ભાગે આપવાના રહેશે. નાસ્તા માટે સરળ મેનુ પસંદ કરાયું છે. નાસ્તો બનાવવા માટે વધુ મહેનત કરવી પડે તેવું નથી. મધ્યાહ્ન ભોજન સંચાલકો સરકાર સમક્ષ પોતાની લાગણી વ્યકત કરી શકે છે પણ હડતાલ પાડવાનું પગલુ ઇચ્છનીય નથી.

શ્રી આર.જી. ત્રિવેદીએ ઉમેરેલ કે અન્ય રાજયો કરતા ગુજરાતમાં મધ્યાહ્ન ભોજનના સ્ટાફને વધુ મહેનતાણુ આપવામાં આવે છે. હડતાલની સાર્વત્રિક નહિ, પરંતુ આંશિક અસર છે. બાળકો મધ્યાહ્ન ભોજનથી વંચિત ન રહે તે માટે સબંધિત લોકોને સમજાવવા તેમજ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા દરેક કલેકટર તંત્રને જણાવાયું છે બધા જિલ્લાઓમાંથી અહેવાલ મંગાવવામાં આવી રહ્યો છે.

(4:10 pm IST)