Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

૧૬ વાહનો સળગાવનાર ગેંગનો સાગ્રીત અંકુર સંચાણીયા ઠગાઇના ગુનામાં પણ સામેલઃ ક્રાઇમ બ્રાંચે પકડી લીધો

હરિ ધવા રોડ પરના કપડાના ધંધાર્થી રવિ આહિર પાસેથી ફોટા પાડવાના બહાને ૨૫ હજારનો કેમેરો લઇ ગયા બાદ પાછો જ નહોતો આપ્યોઃ ધોરાજીમાં પત્રકારનું બાઇક સળગાવવામાં પણ સંડોવણી

રાજકોટ તા. ૧: ગયા શનિવારે મોડી રાત્રે કોઠારીયા ચોકડી આસપાસની ત્રણ સોસાયટીઓમાં લાગલગાટ પંદર બાઇક અને એક કાર મળી સોળ વાહનો સળગાવાયા હતાં. આ કૃત્ય આચરનાર ટોળકીને ક્રાઇમ બ્રાંચ અને આજીડેમ પોલીસે ઝડપી લીધી હતી. આ ટોળકીના સાગ્રીત કોઠારીયા રોડ હુડકો કવાર્ટર બી-૧૫૩માં રહેતાં ગુર્જર સુથાર શખ્સ અંકુર કિરીટભાઇ સંચાણીયા (ઉ.૨૧)ને ક્રાઇમ બ્રાંચે કેમેરાની ઠગાઇના ગુનામાં પકડી લીધો છે.

હરિ ધવા રોડ પર કપડાની દૂકાન ધરાવતાં રવિ દાદાભાઇ આહિર (ઉ.૨૬) પાસેની એકાદ મહિના પહેલા અંકુર સંચાણીયા આંખની ઓળખને કારણે ફોટા પાડવાના બહાને રૂ. ૨૫ હજારનો કેમેરો લઇ ગયો હતો. બે-ત્રણ કલાકમાં પાછો આપી ૩૦૦ રૂપિયા ભાડુ પણ આપશે તેવી વાત અંકુરે કરી હતી. પરંતુ બાદમાં કેમેરો પાછો જ ન આપતાં થોડા દિવસ પહેલા ભકિતનગર પોલીસમાં રવિએ ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી.

આ ગુનામાં ફરાર અંકુરને પકડી લેવાયો છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ.એમ. ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. કે. કે. જાડેજા, હેડકોન્સ. સિધ્ધરાજસિંહ ચુડાસમા, કોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, વિરદેવસિંહ જાડેજા, કોન્સ. ડાયાભાઇ બાવળીયા, શૈલેષભાઇ ગોસ્વામી સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે શૈલેષભાઇ, વિરદેવસિંહ અને ડાયાભાઇની બાતમી પરથી ભકિતનગર સર્કલ નજીકથી અંકુરને ઝડપી લેવાયો હતો.

ધોરાજીના પત્રકારનું બાઇક સળગાવવાના ગુનામાં પણ તે ફરાર હતો. કોઠારીયા ચોકડીની સોસાયટીઓમાં વાહનો સળગાવનાર પાર્થરાજસિંહ ઉર્ફ ગટીયો  હરદેવસિંહ જાડેજા (ઉ. ૧૯-રહે. પુનિતનગર), સૂરજ ઉર્ફ સૂરો જબ્બરદાન ગઢવી (ઉ.૨૧-રહે. શિવધામ સોસાયટી-૧, શેરી ૧ કોઠારીયા રોડ), વિુપલ પ્રવિણભાઇ બગથરીયા (ઉ.૨૦-રહે. ગુલાબનગર-૧૦/૨), મુકુંદ ઉર્ફ ગોલુ મંગાભાઇ ઠાકુર (ઉ.૧૯-રહે. મવડી ધરમનગર-૨) અને જીજ્ઞેશ ઉર્ફ ભયલુ દિનેશભાઇ રાબા (ઉ.૧૯-રહે. આશાપુરાનગર-૧)નો અંકુર સાથીદાર છે.

(4:04 pm IST)