Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજીની કાલે ૩૦મી પુણ્યતિથિ

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુરુકુલ પ્રવૃતિના પ્રણેતા

સારાય સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રથમ તથા ભારતીય સંસ્કૃતિમાં ગુરુકુલનો પુનરોદ્ધાર કરનાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના સ્થાપક પરમ પૂજય શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામી અક્ષરવાસ થયા તેને ત્રણ દાયકા પૂરાં થતાં મહા સુદ-૨ના રોજ સ્વામીજીની ૩૦મી પુણ્યતિથિ છે.

શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સંવત ૨૦૦૧માં જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરના કોઠારી તરીકે હતાં અને ત્યારે તેમણે સ્વામિનારયણ સંપ્રદાયમાં અભૂતપૂર્વ ૨૧ દિવસનો યજ્ઞ પૂર્ણ કર્યા પછી સ્વામીજી હિમાલયની પગવાળા યાત્રાએ ગયાં ત્યાં ઋષિઓ બાળકોને ગુરુકુલમાં રહી શિક્ષા તથા ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપતાં જોયા અને તેમને આવી આશ્રમ સ્થાયી ભારતના યુવાધન વેડફી ન જાય એ માટે ગુરુકુલ સ્થાપવાનો વિચાર સ્ફૂર્યો. રાજકોટ આવી આ વિચારને મૂર્તિમંત કરવા રાજકોટના કવિવર શ્રી ત્રિભુવનભાઈ વ્યાસ તેમજ અન્ય સાથે વાત કરી. સ્વામીના વિચારને માનતસ્વામી અનુજ્ઞા આપી અને ગુજરાતમાં અને ખાસ કરીને કાઠિયાવાડમાં ગુરુકુલ થાય તો વધારે સારું એવો રાજીપો વ્યકત કર્યો.

એ વખતે સૌરાષ્ટ્રના મુખ્યપ્રધાન ઢેબરભાઈને માટે જમીનની માંગણી કરી અને ચાલીશ હજાર વાર જમીન ગુરુકુલને મળી.

ભારતની આઝાદીના ઉદયકાળે ઈ.સ.૧૯૪૮માં સાત વિદ્યાર્થીઓથી ગુરુકુલ રાજકોટની સ્થાપના કરી. ગુરુકુલનો પાયો શુભ ચોઘડિયામાં નંખાયો અને મહાન સંતોના આશીર્વાદ અને ભગવાન સ્વામિનારાયણની અનહદ કૃપાથી આજે રાજકોટ ગુરુકુલની ૩૫ જેટલી શાખાઓમાં ૨૫ હજારથી ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તથા ૨૩ જેટલા સ્ત્રીધનના ત્યાગી સંતો સદગુરુ મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીના રાહબર નીચે કાર્ય કરી રહ્યાં છે.

સ્વામીજીએ દીક્ષા લીધા પછી વડતાલ મુકામે અભ્યાસ ૭ વર્ષ સુધી કર્યો. આટલા વર્ષમાં ફકત ત્રણ કોથળા જ સૂવાના ઉપયોગમાં લીધા તે પરથી ખ્યાલ આવે છે કે તેઓ કેવા ત્યાગવૃતિના સંત હતાં. શાસ્ત્રીના અભ્યાસ દરમિયાન લક્ષ્મીનારાયણદેવ, હરિકૃષ્ણમહારાજની ખૂબ જ ભકિત અર્ચના કરી તથા મોટા સંતોની સેવા કરી ખૂબ જ રાજીપો મેળવ્યો. નર્મદાકાંઠે શરીરના સાડાત્રણ કરોડ જેટલા જપ કરવાનો સંકલ્પ કર્યો અને તે સંકલ્પથી અનેક ગણા જપ કરીને મંત્રજાપ પૂર્ણ કર્યા.

 શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી ૧૯૮૭માં અક્ષરવાસ થયાં પરંતુ તેમના કર્યોથી હંમેશા સાથે હોય એવો ભાસ થયા વિના રહેતો નથી.

આવતીકાલે તા.૨ ને શુક્રવારે સવારે ૭ થી ૮ સ્વામીજીને પુષ્પાજંલિ તથા પૂજનનો કાર્યક્રમ તથા આખો દિવસ ધૂન ભજનનો કાર્યક્રમ દરેક ગુરુકુલમાં રાખવામાં આવેલ છે.

(4:02 pm IST)