Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

હરિહર ચોક પહોળો કરો : ડો.દર્શિતાબેન શાહ

વોકળા પર સ્લેબ ભરી પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવા ડે.મેયરની રજૂઆત

રાજકોટ,તા.૧: શહેરનાં હરિહર ચોક પાસે રહેલ વોકળા પર સ્લેબ ભરી ચોક પહોળો કરવા તથા સામેની તરફ વોકળા પર સ્લેબ ભરી પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવા મ્યુનિ. કમિશનરશ્રીને ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ દ્વારા પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે ડો.દર્શિતાબેન શાહે પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે, રાજકોટ શહેર દિનપ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે શહેરમાં નાની મોટી ટ્રાફિકની સમસ્યાઓ ઉપસ્થિત થાય એ સ્વભાવિક છે. શહેરમાં આવેલ હરીહર ચોકમાં ચાર રસ્તા ભેગા થાય છે. આ ચોક ગીચતાવાળો ચોક છે. બાજુમાં સદર બજાર આવેલ છે. જે સીઝન માર્કેટ છે. જેથી ટ્રાફિકનો પ્રશ્ન રહે છે.

     આ ચોકમાં કાયમી ટ્રાફિકનો પ્રશ્ન રહેતો હોય છે. અને આ ચોકમાં સાઈડમાં મોટો વોકળો આવેલ છે. ત્યાં કોઈપણ જાતના રહેણાંક મકાન કે દુકાન આવેલ નથી.  જેથી આ વોકળા પર સ્લેબ ભરીને રસ્તો પહોળો કરી શકાય તેમ છે. અને કોઈપણ દબાણ હટાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે તેમ નથી. આ ચોકના રસ્તા પર વોકળા સાઈડ નાની કાચી દીવાલ જ આવેલ છે. જે તોડી વોકળા પર સ્લેબ ભરી શકાય તેમ છે. જેથી રસ્તો દ્યણો પહોળો થઇ શકે તેમજ સામેની તરફ આવેલ વોકળામાં ત્રિકોણ ભાગ પડે છે. જેમાં સ્લેબ ભરવામાં આવે તો, આ જગ્યા પર પાર્કિંગની વ્યવસ્થા થઇ શકે તેમ છે. જેથી અહિ બજારમાં આવતા શહેરીજનો ને પાર્કિંગની વધુ સારી સુવિધા મળી શકે તેમ છે. તેમજ આ તરફ પણ કોઈ રહેણાંક મકાન કે દુકાન નથી જેથી કોઈ દબાણ હટાવવાનો પ્રશ્ન પણ રહેતો નથી.

         ઉકત બંને કામગીરી વોકળા પર બિમ કોલમથી સ્લેબ ભરી થઇ શકે તેમ છે. તેમજ ઉકત કામગીરીથી રસ્તો પહોળો થશે. અને ટ્રાફિકની સમસ્યા પણ હલ થશે. તથા પાર્કિંગ સુવિધા પણ મળી શકે તેમ છે. તેમ અંતમાં ડે.મેયર ડો.  દર્શિતાબેન શાહે જણાવેલ છે.

(5:29 pm IST)