Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

જેટ એરવેઝ દ્વારા ગ્રાહક ફોરમની સતા-હકુમતને પડકારતી અરજીને ગ્રાહક તકરાર ફોરમે ફગાવી દીધી

રાજકોટના વિપ્ર વેપારીને ફલાઇટમાં માસાહારી ભોજન આપવા અંગે

રાજકોટ તા.૧: રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહેતા જનોઇબધ્ધ બ્રાહ્મણ વેપારીને જેટ એરવેઝ દ્વારા માંસાહારી ભોજન થાબડી દેવાતા વેપારી દ્વારા રાજકોટની ગ્રાહક સુરક્ષા ફોરમમાં રૂપીયા સાત લાખનુ વળતર મેળવવા માટે ફરીયાદ દાખલ કરેલ જે કેસમાં જેટ એરવેઝ દ્વારા રાજકોટ જિલ્લા ગ્રાહક ફોરમને હાલની ફરીયાદ ચલાવવા સતા તથા હકુમત ન હોવાથી ફરીયાદ રદ કરવા કરેલ અરજીઓ જિલ્લા ગ્રાહક ફોરમ દ્વારા ફગાવી દેવાતા જેટ એરવેઝને કાનુની જંગમાં મોટી લપડાક મળેલ છે.

આ કેસની હકીકત એવી છે કે પ્રહલાદ પ્લોટમાં રહેતા અને સોનાના દાગીનાના વેપારી ભાનુપ્રસાદ જગદીશચંદ્ર જાની ઓગષ્ટ-૨૦૧૬માં વેપારના કામકાજ અર્થે રાજકોટથી ચેન્નાઇ જવા અને પરત રાજકોટ આવવા માટે જેટ એરવેઝની ફલાઇટમાં બુકીંગ કરાવેલ હતું અને તે ટીકીટ બુકીંગ કરતી વેળાએ કંપની દ્વારા પુછાતા તેઓએ શાકાહારી ભોજનની પસંદગી કરેલ હતી તેમજ ફલાઇટના આગલે દિવસે વેબ ચેક-ઇન કરતી વખતે ફરીયાદીએ 'એશીયન વેજીટેરીયન મીલ' માટે રજીસ્ટર કરાવેલ હોય તેમ છતા ચેન્નાઇ થી રાજકોટ વાયા મુંબઇ રાત્રીની ફલાઇટમાં પરત આવતા હતા ત્યારે જેટ એરવેઝના સ્ટાફ મેમ્બર અભિષેક તિવારીએ ફરીયાદીને માંસાહારી ભોજન આપી દીધેલ હતુ અને ફરીયાદી કે જેણે કોઇ જ દિવસ માંસાહાર ન કરેલ હોય જેથી તે માંસાહારી ભોજન ખાતા તેને તરત જ ઉલટી થયેલ હતી જે બાબતે ફરીયાદીએ રાજકોટ જિલ્લા ગ્રાહકના દ્વાર ખખડાવ્યા હતા.

જેટ એરવેઝ દ્વારા અરજી આપવામાં આવેલ હતી કે હાલના ફોરમને ફરીયાદ ચલાવવાની સતા તથા હકુમત નથી કારણ કે બનાવ ચેન્નાઇથી મુંબઇ આવતા દરમ્યાન બનેલ હતો અને જેથી ફોરમની હકુમતમાં બનેલ ન હોય જેથી ફરીયાદને યોગ્ય ફોરમ સમક્ષ દાખલ કરવા આદેશ કરવા અરજ કરેલ હતી અને વિશેષમાં એવી પણ દલીલ કરેલ હતી કે જેટ એરવેઝની કોઇ જ ઓફીસ રાજકોટ ખાતે આવેલ ન હોય જેથી પણ નામદાર ફોરમ તેને ચલાવી શકે નહી જેથી ફરીયાદ સતા અને હકુમતના મુદા પર જ કાઢી નાંખવા રજુઆતો કરેલ હતી.

ફરીયાદી વતી રોકાયેલ રાજકોટના જાણીતા યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી અને સ્તવન મહેતા દલીલ કરવામાં આવેલ હતી કે ગ્રાહક સુરક્ષા અધિનીયમની રચના સામાન્ય ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા માટે થયેલ છે. ફરીયાદીએ રાજકોટ ખાતેની ટ્રાવેલ એજન્સી મારફત ટીકીટ ખરીદ કરેલ હતી અને જેટ એરવેઝની ટીકીટ ઓફીસ રાજકોટ એરપોર્ટ ખાતે આવેલ હોય ફોરમને હાલની ફરીયાદ સાંભળવા તેમજ તેનો ન્યાયીક નિકાલ કરવાની સતા અને હકુમત રહેલ છે તેમજ નેશનલ કમીશનના અને સુપ્રિમ કોર્ટના સતા તથા હકુમત સંબંધીત ચૂકાદાઓ ફરીયાદીના વકિલ દ્વારા રજૂ કરવામાં આવેલ હતા.

બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ગ્રાહક સુરક્ષા ફોરમ પોતાના વિસ્તૃત ચુકાદામાં એવા નિષ્કર્ષ પર આવેલ હતી કે જેટ એરવેઝ દ્વારા ગ્રાહક સુરક્ષા ફોરમની સતાને ફકત તેમની દલીલમાં પડકારવામાં આવેલ છે પરંતુ તેમના જવાબમાં કે પુરાવામાં કયાંય જ તે અંગે તકરાર લેવામાં આવેલ નથી અને ગ્રાહક સુરક્ષા ફોરમને હાલની ફરીયાદ સાંભળવાની સતા તથા હકુમત રહેલ છે જેથી જેટ એરવેઝ દ્વારા આપવામાં આવેલ અરજીઓ ખર્ચ સાથે રદ કરેલ હતી.

આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ શ્રી અભયભાઇ ભારદ્વાજ, દિલીપ પટેલ,તુષારભાઇ ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ વિગેરે રોકાયેલ છે.

(4:00 pm IST)