Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ચેકો રિટર્ન થતાં જંકશન પ્લોટના મોબાઇલના વેપારી સામે અદાલતમાં થયેલ ફરિયાદ

રાજકોટ તા. ૧ : રાજકોટ શહેરના જંકશન પ્લોટના મોબાઇલના પ્રતિષ્ઠીત વેપારી સામે અદાલતમં ચેકો રીટર્ન થતા ફરીયાદ થયેલ છે.

રાજકોટમાં સોનીબજાર/કોઠારીયા નાકે આવેલ લક્ષ્મીશોપના માલીક સુરેશકુમાર શાંતિલાલ માણેકની પાસેથી રાજકોટના વેપારી કે જેઓ જંકશન પ્લોટ મેઇન રોડ, શેરી નં.૧પ સાંઇકૃપા મોબાઇલના નામથી વેપાર ધંધો કરતા તેના માલીક હર્ષ ગીરધરલાલ ખેમાનીએ વેપારી સંબંધોના કારણે ઉધાર માલ કે જેમાં ઓપોએ-૩૭ ગોલ્ડ કલરના ત્રણ નંગ મોબાઇલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉધાર ખરીદ કરેલ અને બુકસ ઓફ એકાઉન્ટ મુજબ બાકી લેણી નીકળતી રકમ રૂ.ર૯,૯૬૭ બાકી લેણા નીકળતા હતા. તે કાયદેસરના ચુકવણી માટે આરોપીએ ફરીયાદી જોગ રૂ.પ,૦૦૦ તથા રૂ.પ,૦૦૦ તથા રૂ.૯,૦૦૦ ના કુલ ત્રણ ચેકો લખી આપેલા.

સદરહું ચેકો બેંકમાં રજુ કરતા આરોપીના ખાતામાં યોગ્ય બેલેન્સ ન હોય જેથી બન્ને હપ્તાના ચેકો પાસ થયા વગર પરત ફરેલા. જેથી આ અંગે ફરીયાદી લક્ષ્મીશોપના માલીક સુરેશભાઇ એસ.માણેક તરફે રોકાયેલ સીનીયર એડવોકેટ હર્ષદકુમાર એસ.માણેક દ્વારા લીગલ ડીમાન્ડ નોટીસ આપવામાં આવેલ. જે નોટીસ આરોપીએ રીફયુઝડ કરેલ અને આમ રકમ ચુકવેલ નહી અને નોટીસનું પાલન કરેલ ન હોય, છેવટે કોર્ટમાં આરોપી વિરૂધ્ધ જુદા જુદા બન્ને હપ્તાના ચેકો, રીર્ટન અંગે ફરીયાદ કરવામાં આવેલ.

સદરહું બન્ને કેસ અંગે કોર્ટે આરોપીને નોટીસ દ્વારા બજવણી કરવા રાજકોટ પી.આઇ.ઉપર બજવણી કરવા વાસ્તે નોટીસ ફરમાવેલ છે અને આરોપીને કોર્ટમાં હાજર રહેવા તાકિદ કરતી નોટીસ કરેલ છે તેમજ ત્રીજા હપ્તાના ચેક અંગેની કાર્યવાહી ચાલુ કરેલ છે.

આ કામમાં ફરીયાદી-લક્ષ્મીશોપ વતી રાજકોટના ધારાશાસ્ત્રી હર્ષદકુમાર એસ.માણેક, સોનલબેન ગોંડલીયા, જાગૃતિબેન કેલૈયા તથા દિપેશભાઇ પાટડીયા રોકાયેલ છે.

(3:59 pm IST)