Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

એરોડ્રામ પાસેની ખાનગી સોસાયટીની અબજોની જમીનને સરકારી ઠરાવતી અદાલત

એકઝાનગર હાઉસિંગ સોસાયટીની જમીનને ખેડૂત સાથે મિલાપીપણું કરી ખાનગી ઠેરવી નાખવાનો દાવો કોર્ટે રદ કર્યોઃ કલેકટર દ્વારા ફાજલ થયેલ જમીન અંગે જમીન શ્રી સરકાર કરવા કોર્ટના હુકમથી સોસાયટી ધારકોમાં સન્નાટો...

રાજકોટ તા. ૧ :..  રાજકોટના એરોડ્રામ રોડ ઉપર આવેલ. એકઝાનગર કો. ઓ. હાઉસીંગ સોસાયટીની અબજો રૂપિયાની કિંમતની ૧ર૦રપ ચો. મી. જગ્યાની માન્યતા અદાલતે રદ કરતાં આ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે.

સદરહું જમીનને રાજકોટ કલેકટર દ્વારા ફાજલ ગણાવાનો હુકમ થતાં એકઝાનગર સોસાયટીના સભ્યો અને આ જમીનનાં મુળ ખેડૂત દ્વારા મિલાપીપણું કરીને સરકારની જમીનને ખાનગી ઠેરવી. કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો.

સદર કેસની હકિકત એવી છે કે રાજકોટના એરોડ્રામ રોડ ઉપર આવેલ એકઝાનગર  કો. ઓ. હાઉસીંગ સોસાયટી લી. વોરા જ્ઞાતિના લોકોએ વર્ષ ૧૯૮૦ માં સ્વ. ટપુભાઇ ખોડાભાઇ બેચર પાસેથી સુચિત સોસાયટીના નામે રજીસ્ટર્ડ સાટાખત અને ત્યારબાદ સોસાયટી રજીસ્ટર્ડ કરાવી સોસાયટીના સભ્યોને પ્લોટની વહેંચણી કરેલી જે કુલ જગ્યા રાજકોટ કોર્પોરેશનના આવેલ સર્વે નં. ૪૮૧ ના પ્લોટ નં. ૪પ થી ૬૭ ની જમીન કુલ ચો. મી. ૧ર,૦રપ તથા આજ સોસાયટીનો સાર્વજનિક પ્લોટ કુલ ચો. મી.  ૧૪૮૬ હતો. ત્યારબાદ આ જગ્યા પર વોરા જ્ઞાતિના લોકો દ્વારા મકાનોનું બાંધકામ કરવામાં આવેલ. પરંતુ સદરહુ જગ્યાને શહેરી જમીન ટોચ મર્યાદા કાયદા અન્વયે નિયત સમય મુજબ બાંધકામ કરવા માટે વર્ષ ૧૯૮૦ માં ફાળવવામાં આવ્યા બાદ સદર જગ્યા પર બાંધકામ કરવામાં આવેલ નહી એટલે રાજકોટ કલેકટર દ્વારા સદર જગ્યાને ફાજલ ગણવાનો હુકમ કરવામાં આવેલો અને જેની રેવન્યુ રેકર્ડમાં નોંધ કરવાનો હુકમ કરેલ. ત્યારબાદ સદર સોસાયટી દ્વારા ગુજરાત રાજય મહેસુલ પંચમાં અપીલ કરવામાં આવેલી જેમાં પણ રાજકોટ કલેકટર દ્વારા કરવામાં આવેલ હુકમને માન્ય રાખવામાં આવેલો.

ત્યારબાદ  સદરહુ સોસાયટી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સ્પે. સી. એ. નં. ૭૯૬૭/૧૯૮૮ થી કરવામાં આવેલી જેમાં  તા. ૧૬-ર-૧૯૯૧ ના રોજ સદરહુ જગ્યાને એકસેસ વેકન્ટ  લેન્ડ જગ્યા ઠરાવવામાં આવેલી આમ હાઇકોર્ટ દ્વારા સદરહુ જગ્યાને ફાજલ ગણવામાં આવતા તેને શ્રી સરકાર દાખલ કરવામાં આવેલી અને જે આજ દિન સુધી  કાયમ રહેલ તેમજ સોસાયટી દ્વારા તે  હુકમ પડકારવામાં આવેલ નહી.

ત્યારબાદ આ કામમાં સોસાયટી દ્વારા મુળ ખેડૂત ખોડા બેચરના વારસો પાસે થી જમીનનો દસ્તાવેજ કરવા અંગેનો દાવો સ્પે. દિ.કે. નં. ૧રપ/ર૦૦૩ થી દાખલ કરેલ અને જેમાં સોસાયટી અને મુળ ખેડૂત દ્વારા કેસ ચલાવી સરકારી જમીનને ખાનગી માલીકી નો ઠરાવવા માટે દાવો કરવામાં આવેલો.

સદર કેસમાં સરકારનું હિત સમાયલ હોવા છતાં સરકારને પક્ષકાર તરીકે જોડવામાં આવેલ નહી. આ કોર્ટમાં સરકારી વકીલ તરીકે રક્ષિણ કલોલા ફરજ પર હોય તેમનું ધ્યાન જતાં તેઓએ સરકારને પક્ષકાર તરીકે જોડવાની અદાલતમાં અરજી કરેલ. અને  જેમાં બંને પક્ષકારો સામ સામે વિરોધીઓ હોવા છતાં એક સૂરે સરકારને પક્ષકાર તરીકે જોડવા સામે વાંધો લીધેલ પરંતુ તેમ છતાં અદાલત દ્વારા બધા પક્ષકારોની દલીલો સાંભળીને સરકારી વકીલ રક્ષિત કલોલાની અરજી ગ્રાહય રાખી સરકારને પક્ષકાર તરીકે જોડેલ.

ત્યારબાદ રાજકોટ કલેકટર શ્રી દ્વારા સદર કેસમાં વિગતવાર કેસની તમામ હકિકતો સાથે જવાબદાર અધિકારીને કામગીરી સોંપી જે તે સમયના દસ્તાવેજોની પુર્તતા કરેલ. અદાલત દ્વારા પોતાના હુકમો દ્વારા એવુ પણ જણાવવામાં આવ્યું છે કે સુચિત સોસાયટી દ્વારા મુળ ખેડૂતની સાથે મિલાપીપણું હોવાનું પણ સ્પષ્ટ પણે દેખાય છે. કારણ કે સદર દાવામાં સરકારને પક્ષકાર તરીકે જોડતાં બંને પક્ષકારોએ મિલાપીપણું કરી અદાલત સમક્ષ સમજૂતિ કરાર મુકેલ અને સમજૂતિ કરાર મુકી દાદ મુજબનો હુકમ માંગેલ. જેથી અદાલત પોતાના ચુકાદામાં એવું પણ નોંધેલ છે કે  આ કામે વાદી  સોસાયટીના પ્રયોજક અને સભ્યોની પ્રતિવાદી નં. ૧ અને નં. ર (એટલે કે મુળ ખેડૂતો) ના મિલાપીપણું દ્વારા  સરકારી જમીન મેળવવા માટે કોર્ટને હાથો બનાવવાનો પ્રયત્ન કરેલ છે. વધુમાં આ કામે વાદીએ દાવા અરજીમાં હોશીયારીપૂર્વકનું ડ્રાફટીંગ કરી અને કાલ્પનીક દાવાનું કારણ ઉભું કરેલ હોવાનું રજૂ થયેલ રેકર્ડ પરથી જણાય છે. તેમ ઠરાવી કોર્ટે દાવો રદ કર્યો હતો.

આ કામમાં સમગ્ર દાવો સરકારી વકીલ તરીકે રક્ષિત વી. કલોલા એ ચલાવેલ હતો. અને તેમની દલીલોને ધ્યાને લઇ સદર દાવાને રદ કરી કરોડો રૂપિયાની કિંમતી જમીનને શ્રી સરકાર ઠરાવવાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.

(3:58 pm IST)