Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

૨ વર્ષ જુના ૨૫૦ કેસો આજે પૂરા કરી લેવાશેઃ લેન્‍ડ રેવન્‍યુ - સીટી સર્વે - શરત ભંગ પ્રકારના કેસો

રાજકોટ સીટી પ્રાંત-૨ પ્રજ્ઞેશ જાની દ્વારા ૫૦૦ કેસોના નિકાલ માટે ઓપન હાઉસ શરૂઃ બે દિ'માં ૧૦૦ કેસ કલીયર

કાલથી ૫ વર્ષ જૂના કેસોની ફાઇલો ચલાવાશેઃ રાજકોટ - શાપર વેરાવળ પંથકના અરજદારો ઉમટી પડયા

રાજકોટ સીટી પ્રાંત-૨ ડે.કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાની દ્વારા ૫૦૦ કેસોના નિકાલ માટે ઓપન હાઉસ શરૂ કરાયું તે નજરે પડે છે. બીજી તસ્‍વીરમાં અરજદારો જણાય છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧ : જિલ્લા કલેકટરે ૩૧ માર્ચ સુધીમાં ઝીરો લેવલ તુમારનો આદેશો કયાં બાદ રાજકોટ સીટી પ્રાંત-૨ અને ડે.કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાની દ્વારા પોતાની પાસે રહેલા પેન્‍ડીંગ ૫૦૦ જેટલા કેસોના નિકાલ માટે ઓપન હાઉસ શરૂ કરી દીધું છે.

સાધનોના ઉમેર્યા પ્રમાણે મંગળવારથી કેસોના નિકાલ માટે કાર્યવાહી શરૂ કરાઇ છે, ૨ વર્ષ જૂના કેસો છે, આવા ૨ વર્ષ જુના કુલ ૨૫૦ જેટલા કેસો આજે પૂરા કરી લેવાશે.

દરમિયાન ડે.કલેકટરશ્રી પ્રજ્ઞેશ જાનીએ ‘અકિલા'ને જણાવ્‍યું હતું કે, પાંચ વર્ષ જૂના પણ ૨૫૦ જેટલા કેસો છે, જે આવતીકાલથી ચલાવાશે અને ૮ દિ'માં તમામ ૫૦૦ કેસોનો નિકાલ કરી લેવાશે, તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટ તાલુકો અને શાપર-વેરાવળ પંથકના કેસોની ફાઇલો ચલાવી કલીયર કરાઇ રહી છે.

ડે.કલેકટર દ્વારા જુના પડતર કેસોના નિકાલ માટે ઓપન હાઉસ શરૂ કરી દેવાતા અરજદારો - વકીલો ઉમટી પડયા છે. શ્રી પ્રજ્ઞેશ જાની દ્વારા લેન્‍ડ રેવન્‍યુ - સીટી સર્વે, શરતભંગ - સાંથણી - જમીન તકરાર - અપીલના વર્ષોથી પડતર કેસોનો નિકાલ કરાઇ રહ્યો છે. તેમની ટીમમાં નાયબ મામલતદાર શ્રી રૂપાપરા, શ્રી નથવાણી, કારકૂન શ્રી ક્રિપાલસિંહ દ્વારા કાર્યવાહી થઇ રહી છે.

 

(3:02 pm IST)